Text Size

કનખલ

કનખલ હરિદ્વારની તદ્દન નજીકનું એક નાનુંસરખું ગામ છે. એક રીતે જોતાં એ હરિદ્વારનો જ વિસ્તાર ગણાય છે.

કનખલમાં પ્રવેશ કર્યા પછી એના નામ વિશે મેં ત્યાંના એક પ્રખ્યાત પંડિતને પ્રશ્ન કર્યો, તો એમણે ઉત્તર આપ્યો : પહેલાંના વખતમાં કોઈક ખલપુરુષે મોટાં મનાતાં કેટલાય તીર્થોની યાત્રા કરી તો પણ તેનું ખલપણું ના ગયું. છેવટે તે અહીં આવ્યો ત્યારે અહીંના સ્નાનથી ને પવિત્ર વાતાવરણથી તે ખલ મટીને સજ્જન થયો. તેથી આ અદ્દભુત સ્થાનનું નામ કનખલ પડ્યું. પંડિતની વાત સાચી હોય, કે બીજી કેટલીય વાતોના સંબંધમાં બને છે તેમ, કનખલ તીર્થનો મહિમા બતાવવા કે વધારવા માટે જોડી કાઢવામાં આવી હોય, તો પણ તેમાં જીવનોપયોગી સંદેશ તો સમાયેલો છે જ.

બહારથી આવનાર ખલપુરુષ ત્યાંના સ્નાનથી, પાનથી કે વિશુદ્ધ વાતાવરણથી સજ્જન બની ગયો, તો પછી એ સ્થળમાં સદા માટે રહેનાર સ્ત્રીપુરુષો તો ખરેખર ઉત્તમ જીવન જીવનારાં, ખલ નહિ પણ સજ્જન હોવાં જોઈએ; એમણે તો પોતાનાં દૂષણ દૂર કરીને સદ્દગુણના ભૂષણથી ભૂષિત થવું જ જોઈએ, એ આપોઆપ ફલિત થાય છે. વળી, બહારથી આવતા બીજા યાત્રીઓએ પણ જીવનને ઉત્તરોત્તર ઉજ્જવળ બનાવવા તૈયાર થવું જોઈએ, એ વાત પણ સહેલાઈથી સમજી શકાય તેવી છે. ગમે તેમ પણ, આપણે તીર્થોના દર્શનથી જ કૃતાર્થ બનીને બેસી ના રહીએ, પરંતુ પુરાણા દોષવાળા જીવનનો ત્યાગ કરીને વધારે સારું, સેવામય, પવિત્ર, પ્રભુપરાયણ જીવન જીવવા તૈયાર થઈએ અથવા જીવનમાં ક્રાંતિ કરીએ એ આવશ્યક છે. તીર્થોની યાત્રા ત્યારે જ સફળ બને. એનો લાભ લઈને આપણે જીવનમાં જરૂરી સુધારો કરવો જોઈએ.

કનખલ જતી વખતે હરિદ્વારથી આગળ પસાર થતી ગંગાની નહેરની બાજુના માર્ગ પરથી પસાર થવું પડે છે. એ વખતે દૃશ્ય ઘણું રમણીય લાગે છે. મઠો અથવા આશ્રમો એ માર્ગ પર તથા કનખલમાં ઘણા છે. તેમાં સાધુઓને તથા ભક્તો કે જિજ્ઞાસુજનોને માટે રહેવાની વ્યવસ્થા છે.

કનખલમાં ખાસ આકર્ષણ દક્ષ પ્રજાપતિએ કરેલા યજ્ઞના સ્થાનનું છે. એ યજ્ઞની વાત ધર્મપ્રેમી સ્ત્રીપુરુષો સારી પેઠે જાણે છે : દક્ષ પ્રજાપતિએ કરેલા યજ્ઞમાં શંકર કે પાર્વતીને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. તેમ છતાં શંકરની ઈચ્છાની અવગણના કરીને, પાર્વતી પોતાના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભાગ લેવા માટે વિદાય થયાં. પાર્વતીએ યજ્ઞસ્થાનમાં આવીને જોયું તો ત્યાં બીજા બધા જ દેવતાઓનો ન્યાયોચિત ભાગ હતો, પરંતુ શંકરનો ભાગ ન હતો. એથી એમનું મન ઘણું દુઃખી થઈ ગયું. પરિણામે એમણે યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને શાંત કર્યું. ભગવાન શંકરના ગણોએ કૈલાસ જઈને એમને એ કરુણ પ્રસંગની ખબર આપી. ભગવાન શંકરે પોતાના ગણોને તથા વીરભદ્રને આદેશ આપ્યો, એટલે એમણે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કર્યો. દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપીને અગ્નિકુંડમાં નાખી દેવામાં આવ્યું. પાર્વતીના શરીરને પીઠ પર લઈને શંકર બધે ફરવા માંડ્યા. પાછળથી દેવતાઓએ સ્તુતિ કરવાથી શંકર ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે બકરાના શિરને દક્ષના ધડ સાથે જોડી દેવાથી દક્ષ જીવંત બનશે. આ બધું માયાને લીધે થયું હોવાથી આ ક્ષેત્ર ‘માયાક્ષેત્ર’ કહેવાશે. એના દર્શનથી માણસ બંધનમુક્ત બનશે.

એ પ્રાચીન સ્થાનના દર્શનથી યાત્રી આજે પણ પ્રેરણા મેળવે છે. એના અંતરમાં એ બધી કથાની સ્મૃતિ કરીને પેલી કવિતાપંક્તિ ગૂંજી ઊઠે છે કે -

ગર્વ કિયો કોઈ નર હાર્યો સિયારામજીસે,
ગર્વ કિયો સોઈ નર હાર્યો.

સાચું છે કે ઈશ્વર સાથે વિરોધ કરનાર, અહંકારનો આશ્રય લેનાર, તથા અનીતિ અને અધર્મમાં આનંદ માનનાર છેવટે હારે છે. એને દુઃખના ભાગી બનવું પડે છે. હિરણ્યકશિપુ, કંસ, રાવણ ને દક્ષ પ્રજાપતિ એના આદર્શ ઉદાહરણરૂપ છે. એ ઉદાહરણ યાદ રાખીને પોતાના જીવનને સુખી કરવા માટે માણસે ન્યાય, નીતિ, નમ્રતા ને નિર્મળતાના માર્ગે ચાલવાની દીક્ષા લેવાની છે. પ્રાચીન કથાની સ્મૃતિ તેમજ એની સાથે સંકળાયેલાં આવાં સ્થળોનું દર્શન એવા જીવનોપયોગી હેતુ માટે જ હોઈ શકે. ત્યારે જ સફળ બને.

કનખલમાં દક્ષ પ્રજાપતિની યાદ કરાવતું સ્થાન દક્ષેશ્વર મહાદેવ છે. યજ્ઞનું સ્થાન પહેલાં ઘણું સાધારણ હતું, પણ હવે તો એની સ્મૃતિમાં એક સુંદર વિશાળ મંદિરની રચના થઈ છે. એનું દર્શન ખાસ કરવા જેવું છે. એનાથી થોડેક દૂર, એ જ વિશાળ પ્રાંગણમાં હનુમાનજીની જે ભવ્ય પ્રતિમા છે તે પણ જોવા જેવી છે.

કનખલમાં સતીકુંડ પણ છે. તે દક્ષેશ્વર મહાદેવથી લગભગ અડધો માઈલ દૂર છે. પાર્વતીએ પોતાના શરીરનો ત્યાગ ત્યાં કરેલો તથા દક્ષ પ્રજાપતિએ તપ પણ ત્યાં જ કરેલું એમ કહેવાય છે.

કનખલમાં હવાપાણી ઘણાં સારાં ગણાય છે. તે ઉપરાંત, ત્યાંના વાતાવરણમાં પ્રમાણમાં સારી શાંતિ હોવાથી, કેટલાક સારા સાધનાપરાયણ સાધુપુરુષો તથા મુમુક્ષુઓ પણ ત્યાં વાસ કરે છે.

દક્ષ પ્રજાપતિના યજ્ઞસ્થાન પરના સુંદર મંદિર પાસે એવા જ એક સાદા વૈરાગી સાધુ બેઠા હતા. એમની મુખાકૃતિ પરની સાત્વિકતા જોઈને એમની પાસે જઈ થોડીવાર પછી પૂછ્યું : ‘તમે વૈરાગી સાધુ છો ?’

‘એ બધા અહંકાર અને ભાવમાંથી મુક્ત થઈને પ્રભુના પ્યારા થવાનું છે. ’ એમણે શાંતિથી કહ્યું : ‘ઈશ્વરના આશિક કે કૃપાપાત્ર બનવાનો જ મારો પ્રયાસ છે. ’

‘તમને ઈશ્વરનું દર્શન થયું છે ?’

‘ના. ઈશ્વરદર્શન કરવાનો મારો પ્રયાસ છે ખરો.’

એટલામાં કોઈ નવાગંતુકે આવીને કહ્યું :‘કોઈ ઉપદેશ આપો.’

‘ઉપદેશ બીજો શો આપું ?’ સાધુએ કહ્યું : ‘હજી તો હું પોતે જ ઉપદેશ લેવા અને ઉપદેશ અમલ કરવા ફરું છું. એટલું યાદ રાખજો કે આ સંસાર એક માયાપતિએ બનાવેલી માયાપુરી છે. એમાં જાગ્રત રહેશો તો તરી શકશો, પણ એ માયાપુરીના મોહથી ભરેલા વિષયો તથા પ્રલોભનોમાં ફસાઈને ભાન ભૂલશો તો ડૂબી જશો. એમાં મારે કશું નવું નથી કહેવાનું. મોટામોટા સંતો ને સર્વ શાસ્ત્રોએ એ ઉપદેશ આપેલો જ છે.’

‘ભગવાન શંકરનું દર્શન થઈ શકે ખરું ?’

‘શા માટે ના થાય ?’

‘શું કરવાથી થઈ શકે ?’

‘પાર્વતી બનવાથી. પવિત્ર ને પ્રખર પ્રેમથી બધું જ થઈ શકે છે. એવો પ્રેમ હોય તો શિવ કે શક્તિ ગમે તેના દર્શનનો લાભ મળી શકે.’

‘સંસારી માણસોથી શું સાધન થઈ શકે ?’

‘એનો ઉત્તર સંત કબીરે સારી રીતે આપ્યો છે :

કબીર કહે કમાલકુ, દો બાતેં સીખ લે :
કર સાહેબકી બંદગી, ભૂખેકુ કુછ દે.

સમય વધારે ન હતો એટલે એટલાથી સંતોષ માની ઊભા થયા.

Today's Quote

Blessed are those who can give without remembering, and take without forgetting.
- Elizabeth

prabhu-handwriting