Text Size

ઋષિકેશ

હરિદ્વારથી હૃષીકેશ ટ્રેનમાં અથવા મોટરમાં બંને રીતે જઈ શકાય છે. હરિદ્વાર જનારા યાત્રીઓ હૃષીકેશની મુલાકાત જરૂર લે છે. હૃષીકેશ છે પણ એટલું બધું શાંત અને સુંદર કે એની મુલાકાત સૌને આનંદ આપે છે. હૃષીકેશમાં અને હરિદ્વારમાં થોડો નોંધપાત્ર ભેદ છે. હરિદ્વાર એક આધુનિક ઢબનું સુંદર શહેર છે, ત્યારે હૃષીકેશનું વાતાવરણ ગામડાં જેવું વધારે છે. છેલ્લાં થોડાંક વરસોથી હૃષીકેશમાં સારા એવા ફેરફારો થઈ રહ્યા છે, નહિ તો એનો દેખાવ તદ્દન ગામડાં જેવો હતો. ત્યાં ઘોર વન હતું, અને જંગલી જનાવરો તથા હાથીઓનાં ટોળેટોળાં ધોળે દિવસે બધે ફરતાં. પરંતુ ક્રમેક્રમે વનને ઠેકાણે વસતિ થવા માંડી. દેશના ભાગલા પછી એ વસતિમાં ઘણો વધારો થયો. આજે તો એ એક મોટું નગર બની ગયું છે. એનો વિસ્તાર અને વિકાસ પ્રત્યેક વરસે વધતો જાય છે.

હરિદ્વારથી હૃષીકેશ આવતાં રસ્તામાં ગંગાજી, કલકલ રવે વહી જતાં ઝરણાં તથા વનરાજીથી વીંટળાયેલી સુંદર પર્વતમાળા ને વૃક્ષોથી ભરેલા ઘોર જંગલનું દર્શન થાય છે. એ દર્શન એટલું બધું આનંદદાયક, આકર્ષક અને મંગલમય હોય છે કે વાત ન પૂછો. એ બધાં નયનાભિરામ દૃશ્યોની વચ્ચેથી પસાર થતી વખતે એમ લાગે છે કે આપણે આ મૃત્યુલોકના અત્યાર સુધીના વિસ્તારને મૂકીને જાણે કોઈ જુદા જ સ્વર્ગીય પ્રદેશમાં પ્રવાસ અથવા પ્રવેશ કરી રહ્યા છીએ. હરિદ્વારમાં જે પર્વતો માત્ર ડુંગર જેવા વામન અને સાધારણ દેખાતા તે જેમજેમ આગળ વધીએ છીએ તેમતેમ મોટા બનતા જાય છે. કુદરતી સૌન્દર્યમાં પણ વધારો થતો જાય છે, ને હૃષીકેશની ભૂમિમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે તો આપણને ખરેખર એમ જ થાય છે કે અત્યાર સુધી જોયેલા બીજા બધા જ પ્રદેશો કરતાં કોઈક અવનવી ને ઊંડી શાંતિવાળા તેમજ સુંદરતાવાળા કોઈ જુદા જ પ્રદેશને આપણે જોઈ રહ્યા છીએ. હવે તો હૃષીકેશના રસ્તાઓ મોટરો તેમ જ ટાંગાઓના અવાજને લીધે એટલા બધા શાંત નથી લાગતા અને કોઈવાર એમનો કોલાહલ કંટાળો આપે છે, છતાંય એ પ્રદેશની ધરતી અને એની હવામાં જે અસાધારણતા છે એ આપણા અંતરને સ્પર્શી જાય છે. પ્રાચીનકાળના પ્રાતઃસ્મરણીય ઋષિઓએ ત્યાં કરેલી તપશ્ચર્યાના જે પવિત્ર પરમાણુ ત્યાંના વાતાવરણમાં ફરી રહ્યા છે એ આપણને એકધારી અસર કરે છે, અંતરને અવનવો આહલાદ ધરે છે, ને પ્રાણમાં પ્રેરણા પૂરે છે.

હૃષીકેશના નામકરણ પાછળ એવી કથા છે કે રાક્ષસો ત્યાં રહેતા ઋષિઓને ત્રાસ આપતા હોવાથી ભગવાને એમની પ્રાર્થનાને લક્ષમાં લઈને રાક્ષસોનો નાશ કર્યો અને એ ભૂમિ ઋષિઓને અર્પણ કરી, એથી એનું નામ હૃષીકેશ પડ્યું. એનું પૌરાણિક નામ કુબ્જામ્રક પણ છે. જૂના જમાનાના તપસ્વી ઋષિમુનિઓ તો એટલા બધા મોટા પ્રમાણમાં આજે અહીં નથી રહેતા, પરંતુ એમની સ્મૃતિ કરાવનારા આઠસો થી નવસો સંતસાધુઓ અહીં વાસ કરે છે. એમની કુટિરો અને એમના આશ્રમો ગંગાતટ પર કોયલઘાટી, માયાકુંડ તથા સ્વર્ગાશ્રમમાં છે. ભારતના વિભિન્ન સંપ્રદાયો, પંથ કે માન્યતાઓના સાધુઓ અહીં જોવા મળે છે. એમની ભિક્ષાની સગવડ માટે સદાવ્રતો અથવા અન્નક્ષેત્રોની વ્યવસ્થા છે. જેમણે એકાંતમાં રહીને શેષ જીવન જ્ઞાનોપાર્જન, તપ તેમજ શાંતિમાં ગાળવું હોય તેમને માટે અનુકૂળ વાતાવરણનો અહીં પાર નથી. એનો લાભ લેતાં કે એનો સદુપયોગ કરતાં આવડવું જોઈએ.

હરિદ્વાર તરફથી હૃષીકેશમાં પ્રવેશ કરીએ તો સૌથી પહેલાં કોયલઘાટી આવે છે. ત્યાં સાધુઓની કુટિરો છે. ત્યાંથી આગળ જતાં સિટીબોર્ડનું કાર્યાલય તથા બજાર છે. બજાર મોટું ને વિસ્તરેલું છે. હૃષીકેશમાં બદરી, કેદાર, ગંગોત્રી ને જમનોત્રીની યાત્રાનો આરંભ થતો હોવાથી, યાત્રીઓની સંખ્યા ઘણી મોટી હોય છે. ખાસ કરીને ઉનાળામાં ભીડનો પાર નથી હોતો. છતાં પણ ધર્મશાળાઓ અનેક હોવાથી આવતા-જતા મુસાફરોને કોઈ જાતની મુશ્કેલી નથી પડતી. બાબા કાલી કમલીવાલાની ધર્મશાળા, પંજાબ-સિંધ ક્ષેત્ર ધર્મશાળા, ભરત મંદિર, ખુરજાવાળાની, દિલ્હીવાળાની તથા મારવાડી ધર્મશાળા તથા દેવકીબાઈની ગુજરાતી ધર્મશાળા ખાસ ઉલ્લેખનીય છે.

ત્રિવેણીઘાટ : હૃષીકેશ આવનારા યાત્રીઓ ત્રિવેણીઘાટમાં સ્નાન કરવા કે છેવટે આચમન લેવા તો જવાના જ. ત્રિવેણીઘાટ પર કોઈ પાકો બાંધેલો ઘાટ નથી, પરંતુ ત્યાં વહેતી ગંગા ખૂબ જ વેગથી વહે છે ને વિશાળ લાગે છે. એક બાજુ લીલાછમ ઊંચા પર્વતો, એમની આગળથી વહી જતી ગંગા અને સામે ઝાડી ખૂબ જ રમણીય લાગે છે. યાત્રીઓ ત્યાં સ્નાન કરે છે. કોઈ કિનારા પરની રેતી કે પથ્થરની પંક્તિ પર બેસીને પૂજાપાઠ કરે છે, તો કોઈ જપધ્યાનના અનુષ્ઠાન દ્વારા વૃત્તિને ઈશ્વરમાં એકાગ્ર કરે છે. અંધ, અપંગ, અનાથ અને બીજા યાચકો તો બીજાં તીર્થોની જેમ અહીં પણ હારબંધ બેઠા હોય છે. કોઈકોઈ સાધુઓ અને યાચકો યાત્રીઓની આજુબાજુ ટોળે વળે છે અને એમની પાછળ પણ પડે છે. ભાવિક સ્ત્રીપુરુષો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે એમને સંતોષ આપે છે. એમને પુરી-શાક ને મીઠાઈ ખવડાવનારા તથા ગરમાગરમ ચા પીવડાવનારા અથવા રોકડ આપનારા પણ મળી રહે છે.

ત્રિવેણીઘાટ પરની ગંગાનું દૃશ્ય અત્યંત નયનાભિરામ લાગે છે. એ સ્થાનનો સંધ્યાસમય ખાસ જોવા જેવો હોય છે. સંધ્યાના સુંદર રંગો નદીમાં નહાવા માટે ઊતરી પડે છે, ત્યારે લોકોનાં ટોળેટોળાં ગંગાતટ પર ઊતરી પડે છે, અને ગંગાજીની આરતી થાય છે. એ દૃશ્ય દર્શનાર્થીને અદ્દભુત આનંદ આપે છે. એમાં પણ સામેના પર્વતની પાછળથી જ્યારે પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર બહાર નીકળે છે ને એનાં રશ્મિથી ગંગાનો પવિત્ર પ્રવાહ રૂપેરી બની જાય છે, ત્યારે તો એ જોઈને આપણું અંતર આનંદાનુભવ કરતાં ઊછળી પડે છે. ચિત્તની ચંચળતા એ વખતના અનેરા અદ્દભુત, શાંત વાતાવરણમાં મટી જાય છે. અંતર એક પ્રકારના અલૌકિક ભાવતરંગથી ભરાઈ જાય છે; અને યોગી ભર્તુહરિનાં ‘વૈરાગ્યશતક’નાં પેલાં વચનોનું સ્મરણ થાય છે :

शरच्चन्द्रज्योत्सनाधवलिततले क्वपि पुलिने
सुखासीनाः शान्तध्वनिषु रजनीषु द्युसरितः ।
भवाभोगोद्विग्नाः शिवशिवशिवेत्यार्त्तवचसा
कदा स्यामानन्दोद्गतबहुलबाष्पुप्लुतदृशाः ॥

"શરદઋતુના ચંદ્રની ચાંદનીથી સફેદ થયેલા કિનારાવાળા કોઈક ગંગા નદીના પ્રશાંત પ્રદેશમાં નીરવ રાત્રિસમયે સુખપૂર્વક બેસીને, સંસારના વિષયભોગોમાંથી મનને ઉપરામ કરી, ‘શિવ શિવ શિવ’ એવા આર્ત્ત પોકારો પાડતાં, અમારી આંખમાંથી આનંદનાં અસંખ્ય આંસુ વહી જતાં હોય એવો વખત અમારા જીવનમાં ક્યારે આવશે ?"

માયાકુંડ : ત્રિવેણીઘાટથી આગળ ચાલીએ એટલે ગંગાતટ પર જ્યાં નાનીમોટી, કાચી ને પાકી સાધુઓની કુટિરો છે તે બધો વિસ્તાર માયાકુંડ છે. વરસો પહેલાં એ વિસ્તારમાં ઘણાં પ્રતાપી સંતપુરુષો નિવાસ કરતા. ગુજરાતના સુપ્રસિદ્ધ સંત શ્રી સાગર મહારાજનાં શિષ્યા ઓમકારેશ્વરી દેવી પણ ત્યાં આવેલાં ને વરસો સુધી ઈશ્વરપરાયણ જીવન જીવ્યા પછી પોતાનું શરીર પણ એમણે ત્યાં જ છોડેલું. એ સાધ્વી સ્ત્રીની સાથે આવેલા ગુજરાતના એક સંન્યાસી સંતપુરુષ શ્રી આત્માનંદજી તથા એ સાધ્વીનાં એક પંજાબી શિષ્યા ભક્તિબા આજે પણ ત્યાં વાસ કરે છે. ઓમકારેશ્વરી દેવીનાં ભૂતકાળનાં સંસ્મરણો તેઓ કહી બતાવે છે, જે સાંભળીને ગુજરાતના આધ્યાત્મિક ગૌરવને વધારે ગૌરવાન્વિત કરનાર એ સાધ્વીને માટે આપણને માન થાય છે.

માયાકુંડથી આગળ જતાં વસુધારા આવે છે. ત્યાં ગંગાઘાટ પર ઊભા રહીને બોલવાથી સામેના પર્વત પર પડઘો પડે છે. માયાકુંડનો તથા વસુધારા તરફનો ગંગાપ્રવાહ ત્રિવેણીઘાટ પરનાં ગંગાપ્રવાહ કરતાં ઘણો ગંભીર અથવા શાંત છે. વસુધારાથી ગંગાતટ પર આગળ જતાં ચંદ્રેશ્વર ભગવાનનું પ્રાચીન, નાનું છતાં સુંદર મંદિર આવે છે. મંદિરની બાજુમાં ચંદ્રભાગા નદીનો પ્રવાહ છે. તેમાં ઉનાળામાં પાણી તદ્દન સુકાઈ જાય છે, જ્યારે ચોમાસાના દિવસોમાં તેમાં પૂર આવતાં તેને પાર કરવાનું પણ કઠિન થઈ પડે છે. આગળ જઈને એ નદી ગંગાજીમાં મળી જાય છે.

વસુધારાથી આગળ વધીએ એટલે સામે જ ઝાડી દેખાય છે. વૃક્ષોથી વીંટળાયેલા એ ગંગાતટવર્તી પ્રદેશમાં થોડીક છૂટીછવાયી કુટિરો છે, અને એમાં સાધુઓ વાસ કરે છે.

હૃષીકેશમાં દર્શનીય સ્થાનોમાં કાલી કમલીવાલા ક્ષેત્રનો ઉલ્લેખ ખાસ કરવા જેવો છે. કાલી કમલીવાલા શ્રી વિશુદ્ધાનંદે સ્થાપેલી એ સંસ્થા સાધુઓ ઉપરાંત દીનદુઃખી, અનાથ-અપંગ, વિધવાઓની સક્રિય સેવા કરી રહી છે. એના તરફથી ઔષધાલય, વાચનાલય, અન્નક્ષેત્ર અને ગૌશાળા ચાલે છે. એની બાજુમાં આવેલું પંજાબ-સિંધ ક્ષેત્ર પણ સાધુસેવામાં મહત્વનો ફાળો આપે છે. ચંદ્રભાગા પરના પૂલની પેલી બાજુનું નેપાલી ક્ષેત્ર પણ સાધુઓને સાંજની ભિક્ષા પૂરી પાડે છે. એ ઉપરાંત, સંતસાધુઓને માટે બીજાં અન્નક્ષેત્રો પણ ચાલે છે.

મંદિરોમાં ભરત મંદિર, પુષ્કર મંદિર, ગોપાલ મંદિર, રાધાકૃષ્ણનું મંદિર તથા માયાકુંડ પરનું મનોકામનાસિદ્ધ હનુમાનજીનું મંદિર મુખ્ય છે.

સ્વર્ગાશ્રમ : હૃષીકેશની યાત્રાએ આવનાર સ્વર્ગાશ્રમ અને લક્ષ્મણઝૂલાની મુલાકાત જરૂર લે છે. હૃષીકેશથી મોટર કે ટાંગા મારફત સ્વર્ગાશ્રમ જઈ શકાય છે. ત્યાં જતાં રસ્તામાં આવતી ગંગાતટ પરની ‘મુનિકી રેતી’ નામની જગ્યા પાસે સ્વામી શિવાનંદનો આશ્રમ છે. અત્યારે એના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ છે. આશ્રમ પોતાની આગવી રીતે લોકસેવાની પ્રવૃત્તિ કરે છે. એની બાજુનું ગંગાનું દૃશ્ય ઘણું મનોહર લાગે છે. ઊંચાઊંચા પર્વતો પણ આંખ અને અંતરને આનંદ આપે છે. નાવમાં બેસીને સામે કિનારે જતાં ગીતાભવન, પરમાર્થ નિકેતન, મહેશ યોગીનો આશ્રમ તથા કાલી કમલીવાલાની સંસ્થાની શાખા આવે છે. એ સ્થળો ખાસ જોવા જેવાં છે. ગીતાભવન અને પરમાર્થનિકેતનમાં સંત્સંગીઓને માટે રહેવાની વ્યવસ્થા છે. ચૈત્રી પૂર્ણિમાથી ગુરુપૂર્ણિમા સુધીના ત્રણ મહિના દરમિયાન સત્સંગનું ખાસ આયોજન થતું હોવાથી, લોકો મોટી સંખ્યામાં લાભ લે છે.

સ્વર્ગાશ્રમમાં કાલી કમલીવાલાની સંસ્થા તરફથી બાંધેલી સાધુઓ માટેની કુટિરો પણ ગંગાતટ પર તથા અંદરના ભાગમાં જોઈ શકાય છે. સ્વર્ગાશ્રમ એના નામ પ્રમાણે જ સ્વર્ગસુખ તથા સ્વર્ગીય શાંતિનો અનુભવ કરાવનારો આશ્રમપ્રદેશ છે.

લક્ષ્મણઝૂલા : લક્ષ્મણઝૂલા સ્વર્ગાશ્રમની પાછળના ભાગની પગદંડી પરથી પણ જઈ શકાય છે. અને શિવાનંદ આશ્રમથી આગળ ટાંગા દ્વારા કે ચાલીને પણ પહોંચી શકાય છે. ટાંગામાં જનારાએ પણ થોડું તો ચાલવું જ પડે છે. ટાંગા પરનો પાકો પૂલ છે. પહેલાં તે પૂલ દોરડાંનો હતો, એટલે યાત્રીઓને ગંગા પાર કરવાની ભારે મુસીબત પડતી. બાબા કાલી કમલીવાલાની આજ્ઞાથી સ્વર્ગસ્થ શેઠ સૂરજમલ ઝુનઝુનવાલાએ આજનો મજબૂત પાકો પૂલ બનાવી દીધો, ત્યારથી મુસાફરોને રાહત મળી છે. પૂલ નીચેની ગંગા ઊંડા વિચારમાં પડી હોય કે ધ્યાનમાં ડૂબી હોય તેવી દેખાય છે.

કહે છે કે પ્રાચીનકાળમાં એક ઋષિ ત્યાંના ગંગાતટ પર તપ કરતા. ગંગાનો તોફાની વેગવાન પ્રવાહ એમને ધ્યાનાદિ માટે વિક્ષેપરૂપ લાગતો. એમણે ગંગાને શાંત થઈ જવાની સૂચના કરી અને ગંગાએ એ સૂચનાનો અમલ કર્યો, એથી ઋષિનું કામ સહેલું બન્યું. ત્યારથી છેક આજ લગી ગંગાનો એ પ્રવાહ ઋષિવચનની મર્યાદાને માન આપતો હોય અને એનો મહિમા કહી બતાવતો હોય તેમ શાંત રહે છે. પરંતુ એટલી જગ્યાને પસાર કરીને આગળ વધતાં એ ફરી પાછો વેગવાન બની જાય છે અને ભારે અવાજ કરે છે.

પૂલ પર ઊભા રહીને જુઓ તો એક બાજુ પર્વત પર બદરીનાથનો પગરસ્તો દેખાય છે અને બીજી બાજુ પર્વતની કમરે પટ્ટો પહેરાવ્યો હોય તેવો બદરીનાથનો મોટરમાર્ગ જોવા મળે છે. આખુંયે દૃશ્ય અત્યંત અદ્દભુત અથવા અવર્ણનીય લાગે છે, અને કેવળ અનુભવનો વિષય બની રહે છે. ત્યાં કોઈ જાતનો કોલાહલ નથી, ભય નથી, ભેદ નથી, નિરાનંદ નથી; છે ફક્ત અસીમ આનંદ, સનાતન શાંતિ અને સંપૂર્ણ સુખાસ્વાદ. એ અનેરા દર્શનાનુભવથી મન એકદમ એકાગ્ર બની જાય છે.

લક્ષ્મણઝૂલાથી સ્વર્ગાશ્રમ જતા રસ્તા પર એક બાજુ આવતું ટિહરીની રાણીનું મંદિર પણ ખાસ જોવા જેવું છે.

હિમાલયના આ પ્રદેશનું મહત્વ અત્યાર સુધી કેવળ ધાર્મિક દૃષ્ટિ પૂરતું જ મનાતું, પરંતુ હવે પરિસ્થિતિ પલટાઈ છે. હૃષીકેશથી હરિદ્વાર જતા રસ્તા પર દવાઓ બનાવવાનું એક મોટું કારખાનું થયું છે. પર્વતની ગરીબ જનતાને માટે એ પ્રવૃત્તિ ખરેખર આશીર્વાદરૂપ છે. ઉત્તરાખંડની ભૂમિમાં ઔદ્યોગિક અને બીજાં કેન્દ્રો શરૂ થાય, ને ત્યાંની પ્રજાના જીવનને ઉપર ઉઠાવવાના પ્રયાસો કરવામાં આવે એ આવકારદાયક છે.

નીલકંઠ : હૃષીકેશમાં સ્વર્ગાશ્રમની બાજુમાં એક બીજું સુંદર સ્થળ છે નીલકંઠ. ત્યાં જવાનો રસ્તો સ્વર્ગાશ્રમથી આગળ વધે છે. પર્વતમાં પાંચેક માઈલ ચાલીએ એટલે ત્યાં પહોંચી જવાય છે. ત્યાં કાલી કમલીવાલા ક્ષેત્ર છે. યાત્રીઓએ અથવા કુદરતી સૌન્દર્યના અનુરાગીઓએ એ સ્થળ અવશ્ય જોવા જેવું છે.

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting