Text Size

બદરીનાથ - ૧

બદરીનાથનું નામકરણ કોણે કર્યું હશે ? કોના કલ્પનાપ્રધાન ફળદ્રુપ મસ્તકમાંથી એ સુંદર નામ પ્રગટ થઈને મૂર્તિમંત બન્યું હશે ? વરસો પહેલાંની એ વાતનું રહસ્ય આજે કોણ સમજી શકે એમ છે ? વરસો પછી આજે તો આપણે તેની કલ્પના જ કરવાની રહે છે. સંસ્કૃતમાં ‘બદરી’ શબ્દનો અર્થ બોર થાય છે. ત્યારે શું બદરિકાશ્રમની આજની ભૂમિમાં પ્રાચીનકાળમાં બોર મળતાં હતાં ? અને બોરના વિશાળ વનની વચ્ચે વસાવેલા ભગવાનને એટલા માટે જ ‘બદરીનાથ’ કહીને બોલાવવામાં આવ્યા ? આજે તો ત્યાં બોર જેવું કશું જ નથી. કોઈ છોડ કે ઝાડ જેવું પણ, લગભગ અગિયાર હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા એ હિમાચ્છાદિત પર્વતીય પ્રદેશમાં થતું નથી. છતાં વરસો પહેલાં ત્યાં બોરનું વન હોય એ બનવાજોગ છે. પ્રકૃતિમાં ક્રમેક્રમે પરિવર્તન થયા કરે છે, જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ બને છે; એટલા માટે કશું અસંભવ નથી.

એક બીજી વાત પણ સ્ફુરે છે. બદરિકાશ્રમની ઉપર લગભગ બે માઈલ જતાં મહર્ષિ વ્યાસનો આશ્રમ આવે છે. ત્યાં સરસ્વતી નદી પણ છે. કહે છે કે આ સ્થાનમાં વરસો સુધી વાસ કરીને મહર્ષિ વ્યાસે કેટલાંક શાસ્ત્રોની રચના કરેલી. એવી જ રીતે એ વખતે બદરિકાશ્રમની આજની ભૂમિમાં બદરિકા નામની કોઈ તપસ્વિની કે સ્ત્રીઋષિ રહેતી હોય, લોકો એને અત્યંત આદર અને શ્રદ્ધાથી જોતા હોય, અને તે ભૂમિમાં એનો આશ્રમ હોય માટે એ ભૂમિને બદરિકાશ્રમ કહેવામાં આવી હોય, એ પણ બનવાજોગ છે. તે ભૂમિમાં નિર્મિત થયેલા મંદિરને બદરીનાથના મંદિર તરીકે ઓળખવામાં આવ્યું હોય એ સહેજે સમજી શકાય તેમ છે.

હજુ સુધી બદરીનાથના નામકરણની આ કલ્પના આપણા કોઈ વિદ્વાનને સ્ફુરી નથી એ એક હકીકત હોવા છતાં, આ કલ્પના વધારે વજનદાર છે એમ મારું માનવું છે. બદરિકા નામની કોઈ સ્ત્રીઋષિનો ઉલ્લેખ આપણાં શાસ્ત્રોમાં નથી આવતો એ સાચું છે, છતાં એટલા પરથી જ એવી કોઈ સ્ત્રીઋષિ નહિ હોય એવું નહિ કહી શકાય. કારણ કે ભારતના બધા જ પુરુષઋષિઓ કે સ્ત્રીઋષિઓને શાસ્ત્રોમાં તો જેમની આજુબાજુ કોઈ ક્રાંતિકારી લોકકથાઓ હતી તથા ઈતિહાસ અથવા શાસ્ત્રરચનાનો યશ રહેલો હતો એવાં થોડાંને જ પ્રસિદ્ધિ આપવાની પરિપાટી હતી.

બદરીનાથના મંદિરની રચના બહુ જૂની અથવા ઈસ્વીસન પહેલાંની છે. કેટલાક માને છે કે એ મંદિર બૌદ્ધોએ રચેલું છે. એ માન્યતાની પુષ્ટિમાં તેવા લોકો એક વાત તરફ ખાસ અંગુલિનિર્દેશ કરે છે કે બદરીનાથના મંદિરમાં જે મૂર્તિ છે તે બૌદ્ધ મંદિરોની મૂર્તિને મળતી છે. એ મૂર્તિ કાળા પથ્થરની ને પદ્માસનસ્થ છે. પરંતુ એમનું ધ્યાન એક મહત્વની વાત તરફ નથી જતું કે મંદિરમાં ગરુડ ભગવાનની પ્રતિમા પણ છે, જે બૌદ્ધ મંદિરો માટે તદ્દન નવી વસ્તુ છે. એટલે બદરીનાથનું મંદિર બૌદ્ધ મંદિર છે એ વાત સાચી નથી ઠરતી. પદ્માસનસ્થ મૂર્તિ તો ભગવાન નારાયણની છે. તે યોગની મુદ્રામાં છે એટલું જ. બદરીનાથની ભૂમિ પર ભક્તોને ભગવાનની એવી મૂર્તિ વધારે પ્રેરણાત્મક લાગી હશે.

કહે છે કે બૌદ્ધ સાધુઓએ આ મૂર્તિને બદરીનાથમાં આવેલા તપ્તકુંડમાં નાખી દીધી હતી. આદ્ય શંકરાચાર્યે તેને એમાંથી કાઢી તેની પુનઃસ્થાપના કરી. પોતાની સાથે આવેલા કેરલ દેશના કોઈ નામ્બુદ્રી બ્રાહ્મણને તેમણે મંદિરની પૂજા કરવા રાખ્યો, ત્યારથી પૂજા એ બ્રાહ્મણના ઉત્તરાધિકારીના જ હાથમાં છે. પહેલાં ટિહરી-ગઢવાલ રાજ્યના રાજા તરફથી એ મંદિરનો વહીવટ થતો. હવે તો એ રાજ્યનું વિલીનીકરણ થયું છે, એટલે ઉત્તરપ્રદેશે એક બદરીનાથ મંદિર કમિટી નીમી છે, તે એનો વહીવટ કરે છે. અતિશય ઠંડી તથા હિમવર્ષાને લીધે મંદિર લગભગ છ મહિના તદ્દન બંધ રહે છે. તે દરમ્યાન અઢાર માઈલ નીચે આવેલા જ્યોતિર્મઠ કે જોશીમઠમાં પૂજા થાય છે. મેની પંદરમીની આસપાસ બદરીનાથનું મંદિર ઉઘડે છે, ને દિવાળી પછી બરફ પડવાથી બંધ થાય છે. દર વરસે ૭0,000 થી ૮0,000 યાત્રીઓ એના દર્શને આવે છે.

બદરીનાથનું મંદિર અત્યંત નાનું છે. જેમણે રામેશ્વર, જગન્નાથપુરી ને મીનાક્ષીનાં મંદિર જોયાં હશે, તેમને તેમાં કાંઈ જ વિશેષતા નહિ લાગે. બદરીનાથને એ દૃષ્ટિએ જોવાનું પણ નથી. બદરીનાથની પાછળ ઘણી દૃષ્ટિ છે. એ દૃષ્ટિ આપણે કેળવી હોય તો બદરીનાથ આપણને આનંદ આપશે.

પહેલી દૃષ્ટિ સુંદરતાની છે. કુદરતી સૌન્દર્યનો બદરીનાથમાં પાર નથી. હિમાચ્છાદિત સફેદ દૂધ જેવાં પર્વતશિખરો પોતાનાં મસ્તક વિશાળ વ્યોમને અડાડીને ઊભાં રહ્યાં છે. નર ને નારાયણ બંને પર્વતો અને નીલકંઠ જેવાં એમના સફેદ શિખરો કોઈને પણ કામણ કરવાની શક્તિ ધરાવે છે. મંદિરની નીચે અલકનંદાના તટ પર ઊકળતા ગરમ પાણીના પાંચ કુંડ કુદરતની અલૌકિકતાનો ખ્યાલ આપતા ઊભા રહ્યા છે. એમાં સ્નાન કરવાથી પરિશ્રમ દૂર થાય છે. એકબાજુ આંગળી અડાડીએ તો આંગળી કળી પડે એવી ઠંડી બરફ જેવી અલકનંદા, ને બીજી બાજુ વરાળ નીકળતા કુંડને જોઈને હૃદય મુગ્ધ બની જાય છે.

બીજી દૃષ્ટિ ઈતિહાસની છે. બદરીનાથની આગળ પંદર માઈલ દૂર સત્યપંથ અથવા સ્વર્ગારોહણ છે. પાંડવો એ ભૂમિના પ્રવાસી થઈને એમાં સમાઈ ગયા હતા. એક યુધિષ્ઠિર બચ્યા હતા. ભારત ને તિબેટની હદ, આ માર્ગે માણા નામે ગામ છે ત્યાંથી પાસે છે. બદરીનાથ આવતાં રસ્તામાં આવતા પાંડુકેશ્વરથી અઢી માઈલની પગદંડી પરથી હેમકુંડ જવાય છે. તે સ્થાનથી પણ તિબેટ હદ પાસે છે. એ રીતે વિચારવાથી બદરીનાથની સંરક્ષણાત્મક અગત્ય સમજાશે.

ત્રીજી દૃષ્ટિ સાહિત્યની છે. બ્રહ્મસૂત્ર, ભાગવત ને ગીતા જેવા અમર ગ્રંથોના રચયિતા વ્યાસ અહીં રહ્યા હતા એમ કહેવાય છે. કાલિદાસના ‘મેઘદૂત’ની અલકાપુરી નગરી પણ આ પ્રદેશમાં જ હતી. અલકનંદા નદીના નામ પરથી એનું નામ અલકાપુરી પડેલું. કાલિદાસની કલ્પનાની આંખ આ પ્રદેશમાં ફરી વળેલી અને એના ‘મેઘદૂત’નો સંદેશવાહક મેઘ રામગિરિ આશ્રમમાં રહેતા યક્ષની પાસેથી વિદાય લઈને, કવિની કલ્પનાના વ્યોમમાં વિહાર કરતો કરતો અહીં સુધી આવી પહોંચેલો. અહીં આવેલી અલકાપુરીની યક્ષનગરીમાં એ યક્ષની વિરહી પ્રિયતમા રહેતી હતી.

ચોથી દૃષ્ટિ સાધનાની છે. જો તમને જીવનની શુદ્ધિ ને એને લગતી ધ્યાનાદિની સાધનામાં રસ હોય, તો આવો, આ દૈવી ભૂમિ તમારે માટે આશીર્વાદરૂપ થશે. અહીં અવકાશમાં આજુબાજુ જે અનેક અલૌકિક પરમાણુ ફર્યા કરે છે તે તમને મદદરૂપ થશે. નેત્રો મીંચતા જ અહીં સ્થિરતા થશે, શાંતિ મળશે અને અવનવા અનુભવ થશે. વરસોનું કામ અહીં થોડા દિવસો રહેવાથી પૂરું થશે.

પાંચમી દૃષ્ટિ દેશની જનતા સાથે સંપર્ક સાધવાની છે. હૃષીકેશથી બદરીનાથ સુધીનો લગભગ રપ0 માઈલનો આ પર્વતીય પ્રદેશ નાનાંમોટાં અનેક શહેરો ને ગામડાંથી છવાયેલો છે. એ હજુ પછાત અથવા અણવિકસિત છે. કેળવણી ને રોજીનાં સાધનો ત્યાં પર્યાપ્ત માત્રામાં નથી. એમની ભાષા જુદી ને પ્રશ્નો જુદા છે. દેશના એક દૂરના છેડે વસેલી એ પ્રજા ગરીબ છતાં ભારે મહેનતુ, ભલા દિલની, વીર ને નિષ્કપટ છે. એ ભારે અછતમાં જીવી રહી છે. એ પ્રદેશની સ્ત્રીઓ હજુ અશિક્ષિત જેવી છે. તેમણે ભારે શ્રમ કરવો પડે છે. પુરુષ ખેતરમાં હળ પેરવીને બેસી રહે છે. તે પછી નિંદવા, કાપવા કે લણવાના બધાં કામ સ્ત્રી જ કરે છે; પુરુષ તો હુકો પીને ફર્યા કરે છે. કેટલીક સ્ત્રીઓ તો દૂર દૂર જંગલમાં ઘાસ કાપવા ને લાકડાં લેવા પણ જતી હોય છે. સામાજિક રીતે પણ એ પછાત છે. એમના દિલમાં ડોકિયું કરીએ, એમને સમજીએ, તો એમને માટે કંઈક કરી પણ શકીએ. સેવકોને માટે અહીં સારું ક્ષેત્ર છે. 

આવી બધી દૃષ્ટિ લઈને બદરીનાથની યાત્રા કરો તો અત્યંત આનંદ આવશે, ને યાત્રા ફળી શકશે.

દિલ્હીથી હરિદ્વાર, ને હરિદ્વારથી રેલ્વે કે મોટર માર્ગે હૃષીકેશ આવ્યા પછી, બદરીનાથનો યાત્રામાર્ગ ચાલુ થાય છે. પર્વતોને કોરીને, ગંગાના એક કિનારે બદરીનાથ જવાનો પગરસ્તો કરેલો છે, તો બીજી બીજુ મોટરનો રસ્તો છે. ઊંચી-નીચી હજારો પર્વતમાળા પરથી પસાર થતી મોટરો ને પગે ચાલતી યાત્રામંડળીઓ ક્રમેક્રમે આગળ વધે છે. જોશીમઠ સુધી મોટર હતી, પછી ફક્ત અઢાર માઈલ પગે ચાલવાનું રહેતું; પરંતુ હવે તો છેક બદરીનાથ સુધી મોટરમાર્ગ બની ગયો છે. મોટરની મુસાફરીમાં પગે ચાલવા જેવો આનંદ ના આવે, છતાં મોટા ભાગના માણસો મોટર જ પસંદ કરે છે. આખે રસ્તે બે-બે ત્રણ-ત્રણ માઈલે નાની-મોટી ધર્મશાળાઓ આવે છે. ત્યાં દુકાનો હોય છે. તેમાંથી જરૂરી ખાદ્ય સામગ્રી ને રસોઈ બનાવવાનાં મફત વાસણો મળે છે. જે ચાલી ના શકે તેમને માટે ઘોડા, દંડી ને કંડીની વ્યવસ્થા થાય છે. સામાન માટે મજૂરો મળે છે. હૃષીકેશ ને જોશીમઠ બંને ઠેકાણે મજૂરોની વ્યવસ્થા છે.

કુદરતી સૌન્દર્યનું પાન કરતો યાત્રી એક માઈલ જેટલે દૂર રહી જાય છે ત્યારે, પર્વતની ટોચ પરના માર્ગ પરથી એને એક માઈલ દૂર, નીચે વિસ્તરેલી બદરીનાથની નાનકડી નગરીનું દર્શન થાય છે. હૃદયમાં ઉલ્લાસ છવાય છે. કોઈ કોઈ બોલી ઊઠે છે, "બદરી વિશાલ લાલકી જય ! ગંગે માતકી જય !" ત્યારે સૌ યાત્રી એમાં સૂર પુરાવે છે.

હૃષીકેશથી બદરીનાથ ૧૬૮ માઈલના અંતરે છે. હવે તો મોટા ભાગના યાત્રીઓ મોટરમાં જ આગળ વધે છે. લક્ષ્મણઝૂલાથી ગંગાના કિનારેકિનારે એક માર્ગ બદરીનાથની પદયાત્રા કરનારા પ્રવાસીઓને માટે પર્વતીય પ્રદેશમાં આગળ વધે છે, અને મોટરનો બીજો માર્ગ શિવાનંદ આશ્રમની વચ્ચે થઈને, લક્ષ્મણઝૂલાની પાછળથી, ગંગાના તટપ્રદેશ પરથી પસાર થાય છે. મોટરમાર્ગ તથા પદયાત્રાનો માર્ગ ચઢાણઉતરાણવાળો હોવા છતાં ઘણો રમ્ય લાગે છે. રસ્તામાં દેવપ્રયાગનું સુંદર તીર્થસ્થાન આવે છે.

Today's Quote

When the pupil is ready, the teacher will appear.
- Unknown

prabhu-handwriting