Text Size

કેદારનાથ - ૧

હિમાલયના ઉત્તરાખંડનાં મુખ્ય ચાર ધામ મનાય છે : બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રી. એમાંય બદરીનાથ અને કેદારનાથનાં બે તીર્થધામ તો બહુ જ પ્રસિદ્ધ ને મહત્વનાં મનાય છે. યાત્રી એમના દર્શનની ઈચ્છા અવશ્ય રાખે છે. જીવનમાં વધારે નહિ તો એકવાર તો એ પવિત્ર તીર્થસ્થાનની મુલાકાત લેવાની ભાવના પ્રત્યેક ભારતવાસીના દિલમાં હોય છે જ. કેદારનાથ દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક ગણાય છે. એ દૃષ્ટિએ પણ એનો મહિમા વધારે હોવાથી ભાવિક ધર્મપ્રેમી જનતાનું મન એના તરફ ખાસ ખેંચાયા કરે છે. કહે છે કે સત્યયુગમાં કેદારનાથમાં ઉપમન્યુએ ભગવાન શંકરની આરાધના કરેલી. દ્વાપરયુગમાં પાંડવોએ પણ ત્યાં રહીને તપશ્ચર્યા કરેલી. ત્યાં ભગવાન શંકરનો નિત્ય વાસ મનાતો હોઈને ભક્તો એવી ભાવનાથી એનું દર્શન કરે છે.

બદરીનાથ તથા કેદારનાથ બંનેની યાત્રા કરવા માગતા યાત્રીઓ પહેલાં કેદારનાથ જાય છે, ને પછી બદરીનાથની યાત્રા શરૂ કરે છે. એ બંને યાત્રામાં હવે તો લાંબે લગી મોટરની વ્યવસ્થા થયેલી હોઈ, પગે ચાલવાનું અંતર ઓછું રહે છે. તોપણ જે પગે ચાલીને પ્રવાસ ના કરી શકે તેમને બેસવા માટે ઘોડા, દંડી તથા કંડીનાં સાધન મળી રહે છે. ઉત્તરાખંડનાં ચારે ધામની યાત્રા માટે મે-જૂનનો સમય વધારે અનુકૂળ છે; કારણ કે પાછળથી વરસાદ શરૂ થતાં તકલીફ પડે છે, તેથી મોટરો વચ્ચેવચ્ચે થોડા દિવસો માટે અટકી પણ પડે છે.

કેદારનાથનો માર્ગ બદરીનાથના રસ્તા પર આવેલા રુદ્રપ્રયાગથી ફંટાય છે. રુદ્રપ્રયાગથી એક માર્ગ સીધો બદરીનાથ જાય છે, ને બીજો કેદારનાથની દિશામાં આગળ વધે છે. હૃષીકેશથી રુદ્રપ્રયાગ સુધી, ને ત્યાંથી કેદારનાથના ગૌરીકુંડ સુધી મોટરો જાય છે.

રુદ્રપ્રયાગ : રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિનીનો સંગમ થાય છે. શહેર પર્વતની ખીણમાં વસેલું છે. ત્યાં પોસ્ટઑફિસ, દવાખાનું, ધર્મશાળા, હાઈસ્કૂલ, સંસ્કૃત કન્યાપાઠશાળા તેમજ ડાકબંગલો છે. અલકનંદા પરનો પૂલ પાર કરીને મંદાકિનીને કિનારે કિનારે જતા માર્ગે કેદારનાથના યાત્રીઓ આગળ વધે છે.

અગસ્ત્યમુનિ : અગસ્ત્યમુનિ સુંદર પર્વતીય સ્થાન છે. ત્યાં ખેતીને અનુકૂળ સારી જમીન પણ છે. કહે છે કે ત્યાં પ્રાચીનકાળમાં અગસ્ત્ય મુનિએ નિવાસ કરીને કઠોર તપશ્ચર્યા કરેલી. એમની અને એમણે કરેલી તપશ્ચર્યાની સ્મૃતિરૂપે એ સ્થાનનું નામ અગસ્ત્યમુનિ પડ્યું છે. ત્યાં એમનું મંદિર છે અને એ મંદિરની સામે ધર્મશાળા પણ છે. અગસ્ત્યમુનિમાં પોસ્ટઑફિસ, ઈન્ટરમિડિયેટ કૉલેજ, ડાકબંગલો, દવાખાનું તથા પોલીસચોકી પણ છે. જુદીજુદી દુકાનોએ ભોજન પણ મળી શકે છે.

કુંડ : કેદારનાથના માર્ગમાં અગસ્ત્યમુનિથી આગળ વધતી મોટર કુંડ જઈને અટકે છે. ત્યાં સામાન ઊંચકનારા મજૂરો મળે છે. દંડી, કંડી ને ઘોડાની વ્યવસ્થા પણ થઈ શકે છે.

મજૂરો મોટે ભાગે નેપાલી હોય છે. યાત્રાના છ માસ જેટલા સમય દરમિયાન મજૂરી કરવા માટે તેઓ નેપાલથી ગઢવાલ પ્રદેશમાં આવતા હોય છે. તેમના મજૂરીના દર મોટે ભાગે બાંધેલા હોય છે. ઘોડાવાળા તથા મજૂરો મોટે ભાગે એક માઈલનો રૂપિયો લે છે. ઘોડા પર્વતીય માર્ગ પર એમના માલિકની દોરવણી પ્રમાણે સંભાળીને ચાલે છે, તેમ છતાં એમના પર બેસનારે ખાસ ધ્યાન રાખવું પડે છે. દંડી આરામખુરશી જેવી બેઠકવાળી હોય છે, અને એને બે આગળથી ને બે પાછળથી એમ ચાર માણસો ઊંચકે છે. એનું ભાડું પણ વધારે બેસે છે. કંડી ઉપાડનાર માણસને ખાસ કરીને ચઢાણ-ઉતરાણવાળા પર્વતીય માર્ગમાં ઘણો પરિશ્રમ પડે છે. તે હાંફી જાય છે, પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. એ જોઈને આપણું દિલ હાલી ઊઠે છે. જે ચાલી શકે તેમને માટે તો બદરી-કેદાર જેવી યાત્રા પગે ચાલીને કરવાનો આનંદ અને લાભ ખાસ લેવા જેવો છે. તેથી સ્વાસ્થ્યલાભ પણ સહેલાઈથી મળે છે. કેટલાય યાત્રીઓ આનંદપૂર્વક પદયાત્રા કરે છે.

પગે ચાલનારા યાત્રીઓએ ધર્મશાળા કે ચટ્ટી પરથી વહેલી સવારે નીકળી જવું જોઈએ. રસ્તામાં આવતી બીજી ચટ્ટી પર ચા કે દૂધ પી શકાય છે. સવારે શક્તિ પ્રમાણે જેટલું બને તેટલું વધારે ચાલીને રસ્તામાં આવતી ચટ્ટીમાં મુકામ કરવો જોઈએ. ચટ્ટીમાં સ્નાનાદિ કરી, ત્યાંની દુકાનમાંથી સીધું-સામાન લઈને ભોજન બનાવી, જમીને થોડો આરામ કરવો. રોજ તાજી બનાવેલી રસોઈ જમવાથી શરીર સારું રહે છે. ચટ્ટીમાં જે દુકાનેથી સીધું-સામાન ખરીદવામાં આવે છે ત્યાંથી રસોઈ બનાવવાનાં વાસણો મફત મળે છે. ઉતારા માટે પણ કશું લેવાતું નથી. બપોર પછી હંમેશાં થોડું ચાલવાનું અને સાંજ પડતાં પહેલાં ચટ્ટીમાં જગ્યા લઈને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જવાનું ધ્યાન રાખવું જોઈએ. કેટલાક યાત્રીઓ અંધારું થતાં સુધી ચાલ્યા જ કરે છે. પરિણામે ચટ્ટી કે ધર્મશાળામાં મુકામ કરવા જાય છે ત્યારે ચટ્ટી યાત્રાઓથી ભરાઈ ગઈ હોય છે, એટલે ઈચ્છાનુસાર સારો ઉતારો મળતો નથી. બદરી, કેદાર, ગંગોત્રી તથા જમનોત્રીની યાત્રા કરનારે આ વાત ખાસ લક્ષમાં રાખવી જોઈએ.

ગુપ્તકાશી : કુંડથી આગળ ચાલતાં ગુપ્તકાશી આવે છે. એ સ્થાન મંદાકિનીના તટ પર વસેલું છે. એનું કુદરતી સૌન્દર્ય અનેરું છે. પર્વતીય પ્રદેશમાંથી આવતી, આગળ વધતી, ને શિલાઓ પર ઊછળતી મંદાકિની કેદારનાથના દર્શનના આનંદને પ્રકટ કરતી હોય એવી ઉલ્લાસમયી લાગે છે. ગુપ્તકાશીની ભૂમિ લીલીછમ અને સુંદર છે. પર્વતો પણ વૃક્ષોની પંક્તિથી ભરેલા છે. ગામમાં મોટું બજાર, પોસ્ટઑફિસ, તાર-ટેલિફોનઘર, આયુર્વેદિક ઔષધાલય, વિશ્રામઘર ને કેટલીય ધર્મશાળાઓ છે. હાઈસ્કૂલ તથા સંસ્કૃત પાઠશાળા પણ છે. પૂર્વકાળમાં ઋષિઓએ ભગવાન શંકરની કૃપાપ્રાપ્તિ માટે આ સ્થળમાં તપ કરેલું એમ કહેવાય છે. રાજા બલિના પુત્ર બાણાસુરની રાજધાની શોણિતપુર આ સ્થળની પાસે હતી એવી એક પરંપરાગત માન્યતા છે. મંદાકિનીની સામી પાર ઊખીમઠ નામે સ્થાનમાં બાણાસુરની પુત્રી ઉષા રહેતી. એની સખી અનિરુદ્ધને દ્વારિકાથી ત્યાં લાવેલી. બાણાસુરની રાજધાની ગયા પટણાના મધ્યમાં બિહાર પ્રાંતમાં બરાબર પર્વત પર હતી. શિયાળામાં કેદારનાથનું મંદિર બંધ થાય છે ત્યારે કેદારનાથની પૂજા ગુપ્તકાશીમાં કરવામાં આવતી હોવાથી ગુપ્તકાશીની મહત્તા વધારે છે. ત્યાં યાત્રીને કેદારનાથના પંડાઓનો મેળાપ થાય છે.

ગુપ્તકાશીમાં ચંદ્રશેખર મહાદેવનું અને અર્ધનારીશ્વરનું એમ બે સુંદર મંદિરો છે. ત્યાં એક કુંડ પણ છે. એમાં ગંગા-જમના નામની બે ધારા પડે છે. કેટલાય યાત્રીઓ એ કુંડને પવિત્ર માનીને એમાં સ્નાન કરે છે.

નાલાચટ્ટી : ગુપ્તકાશીથી દોઢેક માઈલ દૂર નાલાચટ્ટી છે. ત્યાંથી ઊખીમઠ જઈ શકાય છે. કેદારનાથથી પાછા આવીને બદરીનાથ જનારા યાત્રીઓ એ માર્ગે ઊખીમઠ થઈને આગળ વધે છે.

રામપુર : ગુપ્તકાશીથી કેદારનાથ જતા મૈખંડા સ્થાનમાં મહિષમર્દિની દેવીનું મંદિર છે. આગળ વધતાં રામપુર આવે છે. ત્યાં કાલી કમલીવાલાની ધર્મશાળા છે. ત્યાંથી કેદારનાથ સીધા જવાને બદલે મોટા ભાગના યાત્રીઓ ત્રિયુગીનારાયણના દર્શન માટે જાય છે. રસ્તામાં ત્રણેક માઈલનું ચઢાણ આવે છે. રસ્તામાં શાકંભરી દેવી અથવા મનસાદેવીનું મંદિર છે. ત્યાંના પૂજારી યાત્રી પાસેથી દેવીને માટે કપડાંની ભેટ માગે છે.

ત્રિયુગીનારાયણ : ત્રિયુગીનારાયણચટ્ટી પ્રાચીન સ્થાન છે. ત્યાં શિવપાર્વતીનું લગ્ન થયેલું એમ કહેવાય છે. એની સ્મૃતિમાં અખંડ અગ્નિજ્વાળા સળગે છે. યાત્રીઓ એમાં લાકડાં નાખે છે. શિવપાર્વતીનું લગ્ન ભગવાન નારાયણની સાક્ષીમાં થયેલું. એની સ્મૃતિ કરાવતી, હવનકુંડની સામે ભગવાનની મૂર્તિ જોવા મળે છે. મંદિરમાં ભગવાન નારાયણ ભૂદેવી ને લક્ષ્મીદેવી સાથે વિરાજે છે. ત્યાં ગંગાની એક ધારા સરસ્વતી પણ છે. તેના ચાર કુંડ છે. બ્રહ્મકુંડમાં આચમન, રુદ્રકુંડમાં સ્નાન, વિષ્ણુકુંડમાં માર્જન અને સરસ્વતીકુંડમાં તર્પણ કરવામાં આવે છે.

સોમદ્વારા : સોમદ્વારા અથવા સોમપ્રયાગ ત્રિયુગીનારાયણથી ત્રણ માઈલ છે. ત્યાં મંદાકિની ને સોમ નદીનો સંગમ થાય છે. સંગમનું દૃશ્ય ઘણું સુંદર છે. ત્યાંથી પૂલ પાર કરીને ગૌરીકુંડ થઈને કેદારનાથ પહોંચવા આગળ વધાય છે. આ સ્થળથી શરૂ થતું ચઢાણ કાચાપોચા યાત્રીની કસોટી કરનારું છે.

ગૌરીકુંડ : ગૌરીકુંડમાં કાલી કમલીવાલાની ધર્મશાળા ને ગૌરીનું મંદિર તો છે જ, પરંતુ એના નામ પરથી સૂચિત થાય છે તેમ, કુંડ પણ છે. એક કુંડ ગરમ પાણીનો ને બીજો ઠંડા પાણીનો છે. કહે છે કે પાર્વતીએ એ કુંડમાં સૌથી પ્રથમ સ્નાન કરેલું. ગૌરીકુંડમાં સ્નાન કરીને યાત્રી પોતાની રહીસહી અશુદ્ધિને દૂર કરે છે, અને ભગવાન શંકરના દર્શન માટે શ્રદ્ધાભક્તિપૂર્વક આગળ વધે છે.

Today's Quote

We judge ourselves by what we feel capable of doing, while others judge us by what we already have done.
- Longfellow

prabhu-handwriting