Text Size

ગંગોત્રી

ગંગોત્રીનું સ્મરણ કરતાંવેંત ગંગાનું સ્મરણ થયા વિના નથી રહેતું. ગંગોત્રી ગંગાનું ઉદ્દભવસ્થાન મનાય છે, પરંતુ ખરું જોતાં એ ઉદ્દભવસ્થાન તો ગંગોત્રીથી થોડુંક દૂર છે. ગંગોત્રીમાં તો ગંગાના પ્રથમ વારના વિશાળ, પુનિત પ્રવાહનું દર્શન થાય છે. એ પ્રવાહ ખૂબ જ આકર્ષક અને અદ્દભુત છે. કહે છે કે ભગીરથે પોતાના પૂર્વજો અથવા રાજા સાગરના સાઠ હજાર પુત્રોનો ઉદ્ધાર કરવા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર આણી. એને પરિણામે એમનો ઉદ્ધાર તો થયો જ, પરંતુ પૃથ્વીના અસંખ્ય જીવોને કૃપા મળી.

ગંગોત્રીનું સ્થાન ઘણું સુંદર છે. જમનોત્રીમાં જેમ જમાનજીનું મંદિર છે તેમ ગંગોત્રીમાં ગંગાનું નાનકડું મંદિર છે. પર્વતો પર બરફ છવાયેલો હોવાથી સ્થાન રમણીય તો લાગે જ છે, પરંતુ ઠંડી પણ સારા પ્રમાણમાં પડે છે. એવી ઠંડીમાં પણ યાત્રીઓ ગંગામાં સ્નાન કરે છે. જમનોત્રીમાં કુદરતે ગરમ પાણીના કુંડ કર્યા છે, તેથી યાત્રીઓને ઘણી રાહત રહે છે. પરંતુ આવું કુદરતી સૌભાગ્ય ગંગાત્રીને નથી મળ્યું. એટલે ત્યાંના ઠંડા વાતાવરણમાં મોટે ભાગે તાપ નીકળ્યા પછી જ સ્નાન કરવું પડે છે. ગંગોત્રીમાં મકાનો સારા પ્રમાણમાં છે. ગંગાના સામેના તટપ્રદેશ પર સાધુસંતોને રહેવાની કુટિરો છે. સાધુસંતોને માટે અન્નક્ષેત્રની વ્યવસ્થા તથા ધર્મશાળા પણ છે.

એ પ્રદેશમાં ચીલ તથા દેવદારના વૃક્ષો વધારે છે. એથી એની રમણીયતામાં વધારો થાય છે. એ સુંદર સ્થળની ઊંચાઈ સમુદ્રની સપાટીથી દશ હજાર ફૂટ જેટલી છે. ત્યાંના ગંગાજીના મુખ્ય મંદિરમાં શંકરાચાર્યે સ્થાપેલી ગંગાની મૂર્તિ છે, તથા રાજા ભગીરથ, યમુના, સરસ્વતી ને શંકરાચાર્યની મૂર્તિઓ પણ જોવા મળે છે. ગંગાજીની મૂર્તિ સોનાની છે. ગંગોત્રીમાં ભગીરથ શિલા છે. તેના પર રાજા ભગીરથે તપ કર્યું હતું એમ કહેવાય છે.

શિયાળામાં ખૂબ બરફ પડતો હોવાથી, મંદિરની મૂર્તિઓને મુખબા ગામથી એકાદ માઈલ દૂર માર્કંડેય ક્ષેત્રમાં લાવવામાં આવે છે. શિયાળામાં મૂર્તિઓની પૂજા ત્યાં જ કરવામાં આવે છે.

ગંગોત્રીમાં ગંગાના સામે કિનારે કેટલાય દર્શનીય તપસ્વી મહાત્માપુરુષો વાસ કરે છે. તેમાં મહાત્મા કૃષ્ણાશ્રય મુખ્ય છે. અમે એમના દર્શનના લાભ લીધો. એ મૌન રાખે છે. તથા નગ્ન રહે છે. એ એકાંત, શાંત સ્થાનમાં રહીને એમણે વરસો સુધી તપ કર્યું છે. એ વખતે ત્યાં સ્વામી પ્રજ્ઞાનાથ પણ વાસ કરતા. ઉત્તરકાશીથી તેઓ ત્યાં રહેવા આવેલા. તેઓ ઉચ્ચકોટિના જ્ઞાની પુરુષ હતા.

ગંગોત્રીથી ગૌમુખ જતાં લગભગ દોઢેક માઈલ પર ભાગીરથીના તટ પરની એક ગુફામાં એક વયોવૃદ્ધ મહાત્મા રહેતા હતા. તેઓ હાથમાં માળા લઈને આખો વખત ‘જગદીશ જગદીશ’ના જપ કરતા. સાંજ પડતા સુધીમાં પોતાની પાસે આવતાં દર્શનાર્થીઓને અત્યંત આગ્રહ કરીને ફળાહાર આપતા, ને છેવટે પોતે જમતા.

માર્ગ : ગંગોત્રીનો જવાનો માર્ગ હૃષીકેશથી આગળ વધે છે. હૃષીકેશથી નરેન્દ્રનગર ને ટિહરી થઈને મોટર દ્વારા ઉત્તરકાશી જઈ શકાય છે. હવે તો ઉત્તરકાશીથી આગળનો મોટર-રસ્તો  તૈયાર થઈ ગયો છે. આથી યાત્રીઓને વધારે સગવડ મળશે.

હૃષીકેશના સામેના પર્વત પર જે વસતિ દેખાય છે તે નરેન્દ્રનગરની છે. પહેલાંના ટિહરીગઢવાલ સ્ટેટની રાજધાની અહીં હતી. હૃષીકેશથી તે દસ માઈલ દૂર છે. ત્યાંથી મોટર-રસ્તે આગળ જતાં ટિહરી આવે છે. હૃષીકેશથી એનું અંતર લગભગ એકાવન માઈલ છે. ટિહરી પર્વતની વચ્ચે મેદાનમાં વિસ્તરેલું મોટું શહેર છે. ત્યાં ગંગા ને ભીલંગનાનો સંગમ થાય છે. ત્યાંથી બે માઈલ જેટલે દૂર સીમલાસુ નામે સ્થાન છે. ત્યાં સ્વામી રામતીર્થ જીવનના છેલ્લા દિવસોમાં રહેલાં. એમનું શરીર પણ ત્યાંથી જ ગંગામાં પ્રવાહિત થઈને શાંત થઈ ગયેલું.

ટિહરીથી આગળ જતાં ધરાસૂ આવે છે. ત્યાંથી એક રસ્તો પદયાત્રાનો જમનોત્રી જાય છે, ને બીજો રસ્તો મોટર માર્ગે ઉત્તરકાશી જાય છે.

ઉત્તરકાશી: ઉત્તરકાશી ગંગોત્રીમાર્ગનું મુખ્ય તીર્થ છે. તે પર્વતોની વચ્ચે સપાટ પ્રદેશમાં વસેલું છે. સાધુસંતોની વસતિ ત્યાં વધારે છે. એમને માટે અન્નક્ષેત્ર છે. ઊતરવા માટે બિરલાની ધર્મશાળા સરસ છે. ત્યાંના સુંદર પ્રદેશમાં એક બાજુ ભાગીરથી અને વરણા, તો બીજી બાજુ ભાગીરથી અને અસિ નદીનો સંગમ થાય છે. ભાગવતમાં જેમની વિસ્તૃત કથા કહેવામાં આવે છે તે જ્ઞાની, યોગી જડભરતની સમાધિ પણ આ સ્થળમાં જોવા મળે છે. એની પાસે બ્રહ્મકુંડ છે.

વિશ્વનાથજીનું મંદિર ઉત્તરકાશીનું મુખ્ય મંદિર છે. એ ઉપરાંત ત્યાં એકાદશ રુદ્રમંદિર તથા ગોપેશ્વર, કોટેશ્વર, દત્તાત્રેય, ભૈરવ ને લક્ષેશ્વરના મંદિર પણ છે. સંત મહાત્માઓને માટે દંડીવાડા, કોટેશ્વર તથા કૈલાસ આશ્રમ જેવાં રહેવાના સ્થાનો છે. પંજાબ-સિંધ ક્ષેત્ર તથા કાલી કમલીવાલા ક્ષેત્ર એમને માટે ભિક્ષાનો પ્રબંધ કરે છે. જેમને પોતાનું જીવન શાંતિ, સાધના અથવા એકાંતવાસમાં પસાર કરવું હોય તેમને માટે ત્યાંનું વાતાવરણ અનુકૂળ છે.

ઉત્તરકાશીથી ગંગોત્રીનો આગળનો માર્ગ આ પ્રમાણે છે:

ઉત્તરકાશીથી ક્રમશ: અસિસંગમ 3 માઈલ, મનેરી ૭ માઈલ, મલ્લાચટ્ટી ૭ માઈલ, ભટવાડી ર માઈલ, ગંગનાની ૯ માઈલ, લોહારીનાગ ૪ માઈલ, સુખ્ખી પ માઈલ, ઝાલા 3 માઈલ, હરસિલ ર માઈલ, અણિયા પુલ અડધો માઈલ, ધરાલી ર માઈલ.

ધરાલીથી એક રસ્તો મેલંઘાટી થઈને કૈલાસ માનસરોવર જાય છે. એ રસ્તો અઘરો છે. ધરાલીમાં ભાગીરથી તથા દૂધગંગાનો સંગમ થાય છે. ત્યાં શંકરનું મંદિર છે. એની સામે રાજા ભગીરથના તપનો પ્રદેશ શ્રીકંઠ પર્વત છે. ગંગાની સામી બાજુએ મુખબા મઠ છે. એ ગામમાં ગંગોત્રીના પંડાઓ શિયાળામાં રહેતા હોય છે. ત્યાંમથી એક માઈલ દૂર માર્કંડેય સ્થાન છે. શિયાળામાં ત્યાં ગંગાજીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

ધરાલી થી ક્રમશઃ જાંગલા ૪ માઇલ ને જાડગંગાસંગમ ૧.૭પ માઈલ છે. ત્યાં સંગમ પર જહૂનું ઋષિનો આશ્રમ હતો એવું કહેવાય છે. ત્યાંથી ભૈરવઘાટી .૭પ માઈલ છે. અને ત્યાંથી ગંગોત્રી ૬.પ0 માઈલ છે.

Today's Quote

Blessed are those who can give without remembering, and take without forgetting.
- Elizabeth

prabhu-handwriting