Text Size

જમનોત્રી

હિમાલયમાં ઉત્તરાખંડમાં વખણાતા, લોકપ્રિય થયેલા ચાર પ્રસિદ્ધ ધામોમાં જમનોત્રીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. એના આકર્ષણથી પ્રેરાઈને પ્રત્યેક વરસે કેટલાય યાત્રીઓ દર્શનાર્થે આવે છે. ચારેધામની યાત્રામાં જમનોત્રીની યાત્રા સૌથી વિકટ છે. પહેલાં તો એ યાત્રા પગે ચાલીને કરવી પડતી. રસ્તામાં ચઢાણ-ઉતરાણ વધારે આવતાં. એ ઉપરાંત, ધર્મશાળા કે ચટ્ટીઓ પણ લાંબે અંતરે આવતી. રસ્તામાં ભોજન માટેની સામગ્રી બરાબર મળતી નહિ, એથી પણ યાત્રીઓને ઘણી મુશ્કેલી પડતી. પરંતુ હવે વખતના વીતવા સાથે મોટર વ્યવહાર ચાલુ થવાથી એ યાત્રા પ્રમાણમાં ઓછી કષ્ટસાધ્ય બની છે. જોકે જમનોત્રીના માર્ગમાં ઠેઠ સુધી મોટર નથી જતી, તેમ છતાં, થોડેક સુધી પણ મોટરનો લાભ મળવાથી એટલી રાહત રહે છે. મોટરનો વ્યવહાર થોડેક સુધી ચાલુ હોવા છતાં, કેટલાક લોકો પગે ચાલીને યાત્રા કરવાનું પસંદ કરે છે. કેટલાક લોકો પર્વતના માર્ગમાં ઊલટી થતી હોવાથી કે ચક્કર આવતાં હોવાથી પગે ચાલવાનું વધારે પસંદ કરે છે. જેઓ મોટરમાં જાય છે તેમને પણ ઠેઠ સુધી મોટર નહિ હોવાથી છેવટના અમુક માઈલ તો પગે ચાલવાનું રહે જ છે.

માર્ગ : જમનોત્રી તથા ગંગોત્રીનો યાત્રામાર્ગ હૃષીકેશથી જ આગળ વધે છે. હૃષીકેશમાં બદરીનાથના મોટર-સ્ટેન્ડથી થોડે દૂર ટિહરી તરફની મોટરોનું એક બીજુ સ્ટેન્ડ છે. ત્યાંથી ઉત્તરકાશી જતી મોટરમાં બેસીને નરેન્દ્રનગર, ટિહરી થઈને આગળ વધી ધરાસૂ ઊતરવું પડે છે. ધરાસૂથી જમનોત્રીનો પગરસ્તો શરૂ થાય છે.

એ વિગત આ પ્રમાણે છે :

ધરાસૂથી ક્રમશ: કલ્યાણચટ્ટી ૪ માઈલ, બરમખાલા પ માઈલ, સિલક્યારા પ માઈલ છે. ત્યાં કાલી કમલીવાલાની ધર્મશાળા છે. ત્યાથી ક્રમશઃ રાડી પ માઈલ અને ગંગાણી ર માઈલ છે.

ગંગાણી ઘણું સુંદર સ્થળ છે. ત્યાં યમનાકિનારે એક કુંડ છે, જે ગંગાનયન કહેવાય છે. પર્વતની સોડમાંથી વહેતા આસમાની રંગના યમુનાના પ્રવાહનું દર્શન ત્યાં ઘણી સારી રીતે થાય છે. જમનોત્રીની યાત્રી પૂરી કરીને આ સ્થળમાં પાછા આવીને ગંગોત્રી જવા માટે ઉત્તરકાશી તરફ આગળ વધવું પડે છે. ગંગાણીથી ઉત્તરકાશી અઢાર માઈલ છે. પરંતુ ગંગાણીથી નવ માઈલ દૂરના સિંગોઠ ગામમાં ધરાસૂ-ઉત્તરકાશીનો મોટરમાર્ગ મળી જતો હોવાથી, ત્યાંથી મોટર માર્ગમાં ઉત્તરકાશી તરફ જઈ શકાય છે. ગંગાણીમાં પહેલીવાર જમનોત્રીના પ્રદેશમાંથી આવતી જમનાની ઝાંખી થાય છે. ત્યાં કાલી કમલીવાલાની ધર્મશાળા છે.

ગંગાણીથી યમુનાચટ્ટી ૭ માઈલ છે. ત્યાં પણ કાલી કમલીવાલાની ધર્મશાળા છે. ત્યાંથી ક્રમશઃ કુન્સાલાચટ્ટી ૪ માઈલ અને હનુમાનચટ્ટી પ માઈલ છે. એ બંને ઠેકાણે પણ કાલી કમલીવાલાની ધર્મશાળા પણ છે. ત્યાંથી ખરસાલી ૪ માઈલ છે, જ્યાં જમનોત્રીના પંડા રહે છે. ત્યાંથી ભારે ઠંડી શરૂ થાય છે. રસ્તામાં ઝેરી માખીથી પણ સંભાળવું પડે છે. એ કરડે તો લોહી નીકળી પગ ફૂલી જાય છે. એ રસ્તે ‘બિચ્છુબુટ્ટી’ પણ મળે છે. એને ભૂલેચુકે અડવાથી હાથમાં વીંછી કરડવા જેવી ભારે વેદના થાય છે.

ખરસાલીથી જમનોત્રી ૪ માઈલ છે. જમનોત્રીનું સ્થાન ઘણું જ રમણીય છે. એ દશ હજાર ફૂટ ઊંચું હોવાથી ઠંડી પણ એટલી જ છે. રસ્તામાં ક્યાંક ક્યાંક બરફ પરથી ચાલવું પડે છે. ત્યાં ગંગોત્રીની પેઠે ગામ નથી, પણ રહેવા માટે ધર્મશાળા છે. બરફના ચકચકતા ધોળા દૂધ જેવા પર્વતોને નિહાળીને પ્રવાસનો બધો થાક ઊતરી જાય છે. એ દૃશ્ય ઘણું અસાધારણ અને અદ્દભુત છે. સામે જ હિમાચ્છાદિત પર્વતમાંથી જમનાનો નાનકડો પાતળો જળપ્રવાહ આપણી આંખ આગળથી પ્રગટ થઈને વહેવા માંડે છે. એ જ પ્રવાહ જેમ જેમ આગળ જાય છે. તેમ તેમ અવનવો આકાર ધારણ કરીને વિશાળ બનતો જાય છે.

જમનાનું જળ અહીં ઘણું ઠંડુ છે પરંતુ પર્વતીય પ્રદેશની લીલા કે રહસ્યમયતા તો જુઓ ! જમનાની તદ્દન પાસે જ ઊકળતા ગરમ પાણીના કુંડ છે. રસોઈ બનાવવા માટે ત્યાં લાકડાં સળગાવવાની જરૂર નથી પડતી. યાત્રીઓ કુંડમાં ચોખા અને બટાટા બાંધેલું કપડું રાખી મૂકે છે, તેથી તે બફાઈ જાય છે. કેટલાય લોકો યાત્રીની સ્મૃતિમાં એ પ્રસાદ ઘેર પણ લઈ જાય છે. કુંડનું પાણી એટલું બધું ગરમ છે કે એમાં હાથ રાખે તો ફોલ્લાં પડી જાય છે. બાજુની જમનાનું પાણી કાલિન્દગિરિ પરનો બરફ ઓગળવાથી ધારા રૂપે પડ્યા કરે છે. તેથી જમનાને કાલિંદનંદિની કે કાલિંદી કહે છે. ત્યાંની ભીષણ ઠંડીને લીધે ઝરણાઓમાં અવારનવાર બરફ જામી જાય છે.

જમનોત્રીમાં સપાટભૂમિનો અભાવ છે. ત્યાં એક બાજુ જમનાજીનું મંદિર છે. પંડાઓ કહે છે કે એ સ્થળમાં પ્રાચીનકાળમાં અસિતમુનિનો આશ્રમ હતો. તેઓ રોજ ગંગાસ્નાન કરવા જતાં. ઘડપણને લીધે તેમને માટે પર્વતનો કઠિન માર્ગ પાર કરીને એટલે દૂર જવાનું અશક્ય બની ગયું, ત્યારે ગંગાજીએ એમના આશ્રમ પાસે પોતાનો નાનોશો પ્રવાહ પ્રગટ કરી દીધો. એ પ્રવાહ આજે પણ છે. હિમાલયમાં દંડપ્રદેશને લીધે ગંગા ને જમનાની ધારાઓ એક થતી અટકી ગઈ છે.

આવા અસાધારણ ઠંડા સ્થાનમાં લાંબા વખત લગી તો કોઈક વિરક્ત કે તપસ્વી યોગી પુરુષ જ વાસ કરી શકે. અમે એ સુંદર સ્થાનની યાત્રા કરી ત્યારે ત્યાંની નાનકડી ગુફામાં એક મૌનવ્રતધારી વૈરાગી સંત રહેતા હતા. તેમનું મુખ તેજસ્વી હતું, શરીરે ભસ્મ ને માથા પર જટાનો મુગટ હતો. તે સાધકાવસ્થામાં હતા છતાં તેમની વૈરાગ્યવૃત્તિ અને સહનશક્તિ સારી હતી. યાત્રીઓની ઉપરાછાપરી અવરજવરને લીધે એમની સાધનામાં તથા એમના એકાંતમાં ભંગ પડતો, એટલે એ કોઈ બીજે સ્થળે જવાનું વિચારી રહ્યા હતા. એ સારું પણ હતું, કેમ કે, ઉત્કટ વૈરાગ્યવાળા અધિકારી સાધકે લોકસંપર્કથી ને લોકાના લોકાહલથી બને તેટલા દૂર રહેતા શીખવું જોઈએ. બહિર્મુખ બનવાને બદલે જેટલા પણ અંતર્મુખ થઈ શકાય એટલું સારું. તો જ નિશ્ચિતતાપૂર્વક સાધના કરી શકાય.

Today's Quote

God's love elevates us without inflating us, and humbles us without degrading us.
- B.M. Nottage

prabhu-handwriting