Text Size

હેમકુંડ

હિમાલયમાં ઉત્તરાખંડની પુણ્યભૂમિમાં કેવાં કેવાં સુંદર સ્થાનો છે ! યાત્રાના ચિરપરિચિત, સર્વસુલભ પથ પરથી પસાર થતા પ્રવાસીને જુદાં જુદાં તીર્થો ને સુંદર સ્થાનોના દર્શનનું સૌભાગ્ય સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થતું હોય છે, પરંતુ યાત્રાના સુમાહિતગાર માર્ગથી થોડેક દૂર, અંદરના પ્રદેશમાં પણ એવા થોડાક સ્થાનો જોવા મળે છે, જે એમની સાથે સંકળાયલા ચિરસ્મરણીય ઈતિહાસથી, એમના અસાધારણ સૌન્દર્યથી તથા એમની અવર્ણનીય ઊંડી શાંતિથી આપણને મુગ્ધ કરે છે, ને ઉલ્લાસ ધરે છે. એમાંના કોઈકોઈ વિશેષ સ્થાનનો પરિચય કરાવી આપણી સુષુપ્ત રસવૃત્તિને જાગ્રત કરવા ને એની મુલાકાત લેવા પ્રેરિત કરવા માટે આપણે ખાસ કરીને પરદેશી પ્રવાસીઓને ધન્યવાદ આપવા ઘટે છે. એમની સૌન્દર્યરસિક ગુણગ્રાહી દૃષ્ટિએ કેટલાંક અજ્ઞાત અથવા અલ્પજ્ઞાત સ્થળો પર પ્રકાશ પાડ્યો છે. હેમકુંડનું સ્થળ પણ એમાંનું એક છે. એ સ્થળ છે તો પ્રાચીન, અને ધર્મપ્રેમી તથા સૌન્દર્યરસિક જનતા પણ અવારનવાર અહીં આવતી રહી છે; પરંતુ પરદેશી પ્રવાસીઓએ એને વિશેષ ખ્યાતિમાં આણ્યું. એમણે એના પર સચિત્ર લેખો લખ્યા ત્યારથી આપણા પ્રકૃતિપ્રેમી શિક્ષિતવર્ગનું ધ્યાન તેના તરફ વધારે પ્રમાણમાં ખેંચાયું. પરદેશી પ્રવાસીઓ ત્યાં ઊગતાં અસંખ્ય અનેકરંગી ફૂલોથી મુગ્ધ થઈને એને ‘વેલી ઑફ ફલાવર્સ’ અર્થાત્ ફૂલોની ઘાટી કે ખીણ કહેવા લાગ્યા. કુદરતની કળા પર એ વારી ગયા. એમના વિસ્તૃત વર્ણનોએ બીજાને ઉત્સાહ આપ્યો અને પ્રવાસની પ્રેરણા પૂરી પાડી. તોપણ, એટલું તો કહેવું જ જોઈએ કે એ હેમકુંડ અથવા પુષ્પોની ખીણના સ્થાનથી જ નહિ, પરંતુ નામથી પણ હજુ અનેક લોકો અજ્ઞાત છે. એમને માટે આ વર્ણન ઉપયોગી થઈ પડશે એવી આશા છે. આપણે ત્યાં ધાર્મિક દૃષ્ટિએ કે કુદરતી સૌન્દર્યની દૃષ્ટિએ, ગમે તે રીતે પણ, પ્રવાસ કરવાની વૃત્તિ વધતી જાય છે એ અત્યંત આનંદદાયક અને આવકારદાયક વસ્તુ છે. એ વૃત્તિ સરવાળે લાભકારક છે.

હેમકુંડ જવા માટે બદરીનાથના પ્રસિદ્ધ તીર્થધામના માર્ગનો આધાર લેવો પડે છે. બદરીનાથના માર્ગમાં આવેલાં પાંડુકેશ્વરથી પાછા આવતા હેમકુંડ અગિયાર માઈલ છે. પાંડુકેશ્વરથી ચાર માઈલ આગળ ચાલી, ગંગાના સામે કિનારે જઈને સાત માઈલ વધારે ચાલવું પડે છે. માર્ગ અઘરો છે, છતાં પુષ્પોના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં એ માર્ગે આગળ વધે છે. હેમકુંડમાં નાનું ગુરુદ્વારા છે. શીખ ધર્મમાં માનતી પ્રજા એ સ્થાનને મહત્વનું માને છે ને યાત્રાધામ ગણે છે, કારણ કે ‘વિચિત્રનાટક’ નામના પોતાના પુસ્તકમાં એ સ્થાનનો નિર્દેશ કરતાં મહાન શીખગુરુ ગોવિંદસિંહે લખ્યું છે કે, ‘પૂર્વજન્મમાં મેં સપ્તશૃંગ પર્વત પર હેમકુંડમાં તપશ્ચર્યા કરીને કાલિકા તથા મહાકાલની આરાધના કરેલી.’

પ્રાચીનકાળમાં લક્ષ્મણજીએ પણ એ એકાંત સ્થળમાં તપશ્ચર્યા કરેલી. ત્યાં તેમની સ્મૃતિમાં તેમનું તથા દેવીનું નાનું મંદિર છે.

હેમકુંડ, લોકપાલ કે ફૂલોની ઘાટીમાં પ્રવેશ કરતાં પહેલાં, એ પ્રદેશ સૈનિક નિરીક્ષણ નીચે હોવાથી, સરકારી રજા લેવી પડે છે. જોશીમઠમાં સબડિવિઝનલ ઑફિસરની ઑફિસ છે. ત્યાંથી એ પ્રદેશના પ્રવેશ માટેનું ફૉર્મ મળે છે. તે ફૉર્મ એ ઑફિસરની સામે ભરીને એમની રજા માંગવી પડે છે.

બદરીનાથના માર્ગમાં જોશીમઠથી સાત માઈલ આગળ ગોવિંદઘાટ નામે જગ્યા છે. ત્યાં અલકનંદાના જમણા તટ પર શીખોનું ગુરુદ્વારા તથા ધર્મશાળા છે. એની પહેલાંની સૈનિક ચોકીમાં યાત્રીઓએ પોતાના રજાપત્રો રજૂ કરવા પડે છે. ગોવિંદઘાટથી આગળ જતાં અલકનંદાના પૂલની પેલી તરફ પાકો રસ્તો છે. એ રસ્તે લગભગ સાત માઈલ જતાં ઘગરિયા નામે ગામ આવે છે. ત્યાં પણ શીખોનું ગુરુદ્વારા અને ધર્મશાળા છે. ત્યાં પૉસ્ટઑફિસ તથા ડાકબંગ્લાની વ્યવસ્થા પણ છે. ઉપરાંત, નાની બે દુકાનોમાંથી રસોઈ બનાવવાની જરૂરી સામગ્રી મળી રહે છે. પરંતુ તેના ભાવ ઘણા વધારે હોવાથી જરૂરી સામગ્રી જોશીમઠથી લેવાનું વધારે સારું છે. ઘોડાવાળા ઘોડા માટેના દાણા જોશીમઠથી જ લઈ લે છે. ઘગરિયા ગામ પહોંચતા પહેલાં દોઢેક માઈલના માર્ગમાં બદામ, અખરોટ અને ભોજપત્રના અસંખ્ય વૃક્ષો જોવામાં આવે છે. ઘગરિયા ગામની ઊંચાઈ સમુદ્રસપાટીથી લગભગ દશ હજાર ફૂટ હોવાથી ત્યાં શ્રાવણ-ભાદરવામાં જનારને ઠંડીનો અનુભવ સારા પ્રમાણમાં થાય છે. ત્યાંના ગુરુદ્વારામાં રહેનાર ગ્રંથી પ્રવાસીઓને બધી રીતે આરામ મળે તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. પ્રવાસીઓને જરૂર હોય તો ઠંડીથી રક્ષણ કરવા માટે દરેકને ચાર કામળા, બંને વખત ગરમ ચા, તેમ જ ભોજન માટે રોટલી, દાળ ને બટાટાનું શાક આપે છે. પર્વતીય પ્રદેશમાં આટલે દૂર, આવા ઠંડા અને નાના સરખા સ્થળમાં મળતી આવી સગવડ પ્રવાસીઓને માટે ખરેખર આશીર્વાદરૂપ થઈ પડે છે.

ગુરુદ્વારાથી આગળ ચાલીએ એટલે નાની પહાડી નદી આવે છે. એને પાર કરીએ એટલે બે પાકા માર્ગ મળે છે. એમાંનો ઉત્તર તરફ જતો એક માર્ગ ફૂલોની ઘાટી તરફ જાય છે, અને બીજો માર્ગ દક્ષિણ તરફ જઈને હેમકુંડ અથવા લોકપાલ પહોંચાડે છે. એ માર્ગ ગુરુદ્વારથી લગભગ ચાર-પાંચ માઈલ જેટલો લાંબો છે. અડધો રસ્તો પસાર કર્યા પછી બરફથી જામેલી નદી પાર કરવી પડે છે. ભાદરવો મહિનો ચાલતો હોવાથી અમને બરફનું આવું દર્શન સુલભ થઈ શક્યું. ઉનાળાના દિવસોની યાત્રા દરમિયાન એવું બરફનું અસાધારણ દર્શન શક્ય નથી બનતું.

હેમકુંડ સમુદ્રસપાટીથી આશરે બાર હજાર ફૂટ ઊંચે છે. ત્યાં જે સુંદર સરોવર છે તેનો વિસ્તાર ત્રણ માઈલનો મનાય છે. એ સરોવરની સામે બરફથી ઢંકાયેલા હિમાલયના પર્વત શિખરોનું દર્શન થાય છે. કુદરત આખી એ શાંત, સુંદર અને અસાધારણ દૃશ્ય જોવામાં જાણે કે લીન બની ગઈ છે. પોતાની સમસ્ત પ્રકારની ચંચળતાનો ત્યાગ કરીને બેઠેલી કોઈક સમાધિસિદ્ધ યોગિની જેવી એ પોતે તો પ્રશાંતિનો અનુભવ કરી જ રહી છે, પરંતુ સાથે સાથે એ આપણને પણ પરમ આહલાદકતા આપી રહી છે. ત્યાં આજુબાજુના પર્વતીય પ્રદેશમાં અનેક જાતનાં રંગબેરંગી ફૂલો દેખાય છે. વૃક્ષોને બદલે સમસ્ત પ્રકૃતિ જાણે ફૂલોથી સજ્જ બની હોય, અથવા એણે ફૂલોની વિશાળ ચાદર ઓઢી હોય એવો દેખાવ આપણી સામે ઉપસ્થિત થાય છે. આગળ તેર હજાર ફૂટની ઊંચાઈ પર બ્રહ્મકમળ દેખાય છે. એની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે.

હેમકુંડ અથવા લોકપાલમાં ગુરુ ગોવિંદસિંહનું ગુરુદ્વારાના રૂપમાં કરાયેલું નાનું સરખું સ્મારક છે. ત્યાં પર્વદિવસે પીળો ઝંડો ફરકાવવામાં આવે છે. યાત્રીના રહેવા માટે ધર્મશાળા છે. સ્વાધ્યાય તથા સાધના માટે એ સ્થાન ઘણું અનુકૂળ છે. મન ત્યાં સહેલાઈથી શાંત થઈ શકે છે.

Today's Quote

Blessed are those who can give without remembering, and take without forgetting.
- Elizabeth

prabhu-handwriting