Text Size

મસૂરી

શિયાળામાં અતિશય ઠંડીને લીધે રસ્તા તથા મકાનો પર બરફના ઢગલા જામી જાય છે, ઠંડીને લીધે સ્કૂલોમાં ચાર મહિનાનું વેકેશન પડે છે; ઉનાળામાં ગરમીનું નામનિશાન નથી હોતું, ને દિવસે ને રાતે આકાશનો વૈભવ સંપૂર્ણપણે ખીલી ઊઠે છે; ચોમાસાના દિવસોમાં રસ્તા પરથી ચાલતી વખતે ધુમ્મસના ગોટેગોટા આપણી આજુબાજુ ફરી વળે છે; મકાનમાં બેઠા હોઈએ ત્યારે પણ ધુમ્મસ બારીબારણામાંથી અંદર આવીને આપણને વીંટળાઈ વળે છે. વરસાદી વાદળ આપણી થોડેક જ ઉપર રહીને આપણી સાથે વાતો કરતા હોય એવું લાગે છે. એ ભૂમિમાં કવિ અને લેખક લેખનની નવી નવી પ્રેરણા માટે આવે છે; ચિત્રકાર અવનવા કુદરતી સૌન્દર્યોને સાકાર કરતા ચિત્રો દોરવા સુંદર એકાંત સ્થાનમાં પલાંઠી મારે છે; ચિંતક વધારે ચિંતનશીલ બને છે; અને કોઈ અસાધારણ સંસ્કારસંપન્ન આધ્યાત્મિક વિકાસમાં રસ લેનાર આત્મા અંતરંગ શાંતિનો સ્વાદ લેવા માટે, આત્માનુભવની અભીપ્સાથી પોતાના દિલની દુનિયામાં ડૂબકી મારીને, પરમાત્માની પરમ મૌક્તિકની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. મસૂરીની શાંત અને સુંદર ભૂમિ પર પગ મૂકતાવેંત જ લાગે છે કે આ તે સ્વર્ગ છે કે શું ! મૃત્યુલોકની મર્યાદાને ઓળંગીને સ્વર્ગલોક જેવા કોઈક વિશેષ શાંત અને સુખદ લોકમાં પ્રવેશવાનો આસ્વાદ આપનારી મસૂરીની ભૂમિ ખરેખર આનંદદાયક છે. પ્રવાસીઓએ એને ‘પર્વતોની રાણી’ કહી છે. જો તમે પર્વતીય જીવન કે વાતાવરણથી એકદમ અજાણ હો અને ચોમાસામાં મસૂરી આવો તો ધુમ્મસના ગોટેગોટા જોઈને ગભરાઈ જાઓ ને પાછા જવા તૈયાર પણ થાઓ. પરંતુ એકાદ-બે દિવસ અહીંના વાતાવરણનો આનંદ લો, પછી તો એવાં ટેવાઈ જાઓ કે અહીંથી જવાનું મન જ ના થાય.

આમ તો હિમાલયનો આખોય પ્રદેશ પવિત્ર છે, રમણીય છે, નયનાભિરામ છે, અને આધ્યાત્મિક ઉન્નતિ તથા આત્મિક શાંતિના અનુભવ માટે ઉપયોગી મનાય છે. એની ગોદમાં વહેતી પતિતપાવની ગંગાને લીધે એની મહત્તા વધારે ગણાય છે. ઉપરાંત, આશ્રય લઈને તપસ્વીઓએ કરેલા તીવ્ર તપનો પ્રભાવ પણ ત્યાં દેખાય આવે છે. આત્મિક શાંતિની, આત્મસાક્ષાત્કારની કે મુક્તિની આકાંક્ષાથી પ્રેરાઈને પુરાતનકાળથી તે આજ લગી અસંખ્ય આરાધકોએ અહીં પલાઠી મારીને આરાધના કરી છે. એ આરાધનાના પવિત્ર પરમાણુ એના વાતાવરણમાં કાયમ છે, અને સંતપ્ત અંતરને આજે પણ શાંતિ આપે છે. અલૌકિક આધ્યાત્મિક પરમાણુને લીધે હિમાલયની ભૂમિ આજે પણ અનેરી લાગે છે. ઊંચા પર્વતીય સ્થાનોની શાંતિ ને સુંદરતા તો અસાધારણ જ હોય છે.

મસૂરી સમુદ્ર સપાટીથી લગભગ ૬,પ00 થી ૭,000 ફૂટની ઊંચાઈ પર વસેલું એવું જ એક શાંત, સ્વચ્છ અને સુંદર સ્થળ છે. અંગ્રેજોએ એને વિકસાવેલું. એનો ઈતિહાસ બહુ જુનો નથી. આજથી લગભગ દોઢસો વરસ પહેલાં કર્નલ મલિંગારે મલિંગાર હોટલ બંધાવી ત્યારથી એનો વિસ્તાર વધતો ગયો છે. એક વખત એવો પણ હતો કે અંગ્રેજોની અવરજવર ત્યાં વધારે હતી. એ અંગ્રેજોને માટે રહેવા કે હવાખાવાની જ જગ્યા ગણાતી. રાજામહારાજા, ગવર્નર અને મોટામોટા ગોરા અમલદારો જ ત્યાં રહેવા આવતા. સાધારણ ભારતીયથી ત્યાં ભાગ્યે જ રહી શકાતું. પરંતુ કાળચક્રના ફરવાની સાથે બધું ફર્યું. બહારની સ્થિતિમાં પરિવર્તન થયું. દેશને આઝાદી મળી, અને પછી તો સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ મસૂરીની મુલાકાત લેવાનું શક્ય બન્યું. આજે તો સૌ કોઈને એની સૌન્દર્યશ્રી મુક્ત મને આમંત્રી રહી છે.

મસૂરીની લગભગ પચીસ હજાર જેટલી વસતિ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. એમાં થોડાક અંગ્રેજ છે, અને મોટાભાગના લોકો પંજાબી, ગઢવાલી અને ઉત્તરપ્રદેશના છે, તો થોડાક તિબ્બતવાસીઓને પણ ત્યાં વસાવવામાં આવ્યા છે. દર વરસે ૮0,000થી ૯0,000 લોકો આ સુંદર પર્વતીય સ્થાનની મુલાકાતે આવે છે. દુકાનો મોટે ભાગે પંજાબી અને ઉત્તરપ્રદેશના લોકોના હાથમાં છે, અને ગઢવાલી લોકો બીજા નાનામોટા કામો કરતા હોય છે. મસૂરીમાં હાથરીક્ષાનું ચલણ છે. ગઢવાલી લોકો જ એ ચલાવતા હોય છે. મજૂરો પણ મોટે ભાગે નેપાળી ને ગઢવાલી છે.

મસૂરીમાં શ્રીમંતો જ રહેતા હશે એવો ખ્યાલ જો કોઈ સેવતું હોય તો એ ભ્રમ છે. આજે તો દેશમાં કોઈ સ્થળ સંપૂર્ણ શ્રીમંતોનું કે કોઈ સ્થળ એકલા ગરીબોનું નથી રહ્યું. દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ જ્યાં જઈએ ત્યાં અમીરી અને ગરીબીનું સંમિશ્રણ દેખાશે. એકબાજુ ઉત્તમ આધુનિક સુખસગવડવાળા ભવનો, તો બીજી બાજુ ગરીબોના ઝૂપડાં જોવા મળશે. એકબાજુ સમૃદ્ધિ અને લક્ષ્મીનો, જીવનની જરૂરિયાતોનો અને એમની પૂર્તિના સાધનોનો પાર નથી, તો બીજી બાજુ એમનો એકદમ અભાવ છે, કાળજાને કંપાવનારી કંગાલિયત છે. મસૂરી પણ એમાં અપવાદરૂપે તો નથી જ. અહીં પણ આલિશાન ઈમારતોમાં વસતા ધનિકો છે, તો એ જ ઈમારતોની પાછળ ટૂંટિયું વાળીને પડી રહેનારા દુઃખી પણ છે. ફાટ્યાંતૂટ્યાં વસ્ત્રો પહેરીને પેટનો ખાડો પૂરનાર શ્રમજીવીઓ પણ અહીં વસે છે. મસૂરી કુદરતી સૌન્દર્યની દૃષ્ટિએ તો આમ સ્વર્ગ સમું લાગે છે, પરંતુ એ સ્વર્ગસુખ તો જેની પાસે લક્ષ્મી છે તેને માટે છે. દીનદુઃખીને માટે સ્વર્ગના એ આનંદનો અનુભવ એટલો સહજ નથી બનતો. થિયોસોફીકલ સોસાયટી તરફથી અઠવાડિયે એકવાર પ્રવચનો ચાલે છે, આર્યસમાજ તરફથી દૈનિક સત્સંગ થાય છે અને ગાંધીનિવાસ સોસાયટીમાં પણ નિયમિત પ્રવચનો ચાલતા હોય છે. લોકો એ બધાનો લાભ પણ લેતા હોય છે.

મસૂરીના મોટર-સ્ટેન્ડ બે છે : મસાનિક લૉજ અથવા પિકચર પેલેસ અને લાયબ્રેરી બજાર. બંને સ્ટેન્ડની વચ્ચે દોઢેક માઈલનું અંતર છે. દહેરાદૂન સ્ટેશનની બહારથી બંને સ્ટેન્ડ માટેની અલગ અલગ મોટરો મળે છે. બંનેમાંથી કોઈ પણ સ્ટેન્ડ પરથી પ્રવાસી ધારેલા સ્થાને જઈ શકે છે. દિલ્હીથી દહેરાદૂન ટ્રેન અગર મોટર દ્વારા જઈ શકાય છે. ટ્રેનમાર્ગે દહેરાદૂન છેલ્લું સ્ટેશન છે. રસ્તામાં હરિદ્વાર આવે છે. હરિદ્વાર છોડ્યા પછી ટ્રેન ગીચ જંગલ અને પર્વતીય માર્ગમાં થઈને આગળ વધે છે. દહેરાદૂનથી મસૂરીનો મોટરમાર્ગ રસ્તામાં આવતા કિશનપુર અને રાજપુર થઈને આગળ વધે છે, ત્યારે કુદરતી સૌન્દર્ય અને એકાંત, ઉત્તુંગ, લીલીછમ પર્વતમાળા જોઈને અંતર આનંદી ઊઠે છે. રાજપુરથી ચઢાણ શરૂ થાય છે. મસૂરીમાં રહેવા માટે હોટલો તથા સ્વતંત્ર મકાનની સગવડ છે. પર્વત પર આવેલા મસૂરીના માર્ગ પરથી નીચે ખીણમાં દહેરાદૂન દેખાય છે, ને ગંગાજમના જેવી નાનીમોટી સાતેક નદીઓના સરસ પ્રવાહોનું દર્શન થાય છે. રાત્રિનું દૃશ્ય એકદમ અસાધારણ અને અનોખું હોય છે. વરસાદ વરસતો ના હોય અને આકાશ વાદળ ને ધુમ્મસથી છવાયલું ના હોય તો દૂર પર્વતની ખીણમાં દહેરાદૂનની બત્તીઓ દેખાય છે, તથા હરિદ્વાર, રુડકી અને સહરાનપુરની ઝાંખી થાય છે. ઉપરના તારામંડળની હરીફાઈ કરતા હજારો દીવા એકસાથે પ્રકાશી ઊઠે છે. એ દૃશ્ય પ્રત્યેક સૌન્દર્યપ્રેમીને મુગ્ધ કરે છે.

મસૂરીના રસ્તા પાકા છે. શહેરમાં સઘળે વીજળી, નળ અને ગટરની વ્યવસ્થા છે. શહેર એટલું બધું સ્વચ્છ છે કે વાત નહિ. મસૂરી દહેરાદૂન દ્વારા દિલ્હી સાથે સંકળાયેલું છે, અને બીજી બાજુથી સીમલા, કાશ્મીર અને ટિહરી ગઢવાલ સાથે પણ સંબંધ ધરાવે છે. જમનોત્રી-ગંગોત્રીની યાત્રા કરનારા લોકો પહેલાના વખતમાં અહીં થઈને આગળ વધતાં.

મસૂરીમાં જોવા જેવા મહત્વના સ્થળોમાં ગન હીલ, કેમલ બેક રોડ, લાલ ટીમ્બા, કંપની બાગ, ભટ્ટા ફૉલ, કેમ્પ્ટી ફૉલ, પિકચર પ્રદર્શન અને મંદિરો છે. ગન હીલ ખૂબ ઊંચાઈ પર છે. ત્યાંથી મસૂરીનું ફરતું દૃશ્ય દેખાય છે. એ દૃશ્ય ઘણું અદ્દભુત લાગે છે. ત્યાં મ્યુનિસિપાલિટીએ તૈયાર કરેલું તળાવ છે. ઉપરથી એને બંધ કરવામાં આવ્યું છે. કેમલ બેક રોડ મસૂરીનો એકાંત, સુંદર, દેવદાર અને ચીડ જેવા વૃક્ષોથી વીંટળાયેલો લાંબો રસ્તો છે. એ રસ્તાની ઉપરના પર્વત પર ઊંટની પીઠના આકારનો પથ્થર હોવાથી એનું નામ કેમલ બેક રોડ પડ્યું છે. એ રસ્તા પરથી પસાર થતાં કેટલાંક છૂટાછવાયા મકાનો પણ જોવા મળે છે. કંપની બાગ મ્યુનિસિપાલિટીનો બગીચો છે. ભટ્ટા ફૉલ અને કેમ્પ્ટી ફૉલ જુદી જુદી દિશાઓમાં આવેલા બે ધોધ છે. પિકચર પ્રદર્શન હેકમન હોટલથી થોડેક આગળ રીંકની નીચે છે. તેમાં હાથે દોરેલાં દેશનેતાઓ અને દેવતાઓનાં ચિત્તાકર્ષક ચિત્રો છે. કલા પ્રત્યે જેને પ્રેમ હોય એને એ ચિત્રો ખૂબ જ ગમી જશે અને તેઓ આનંદ પામશે.

મસૂરીમાં આર્યસમાજનું કેન્દ્ર, સનાતન ધર્મનાં બે મંદિરો અને શીખોનું ગુરુદ્વારા છે. ખ્રિસ્તી મંદિરો તો અનેક છે. પાદરીઓની સ્કૂલો તથા હોસ્પિટલો પણ છે. દેશી સ્કૂલો છે ખરી, પરંતુ બાળકોને માટે રહેવાની ને ભણવાની બંને પ્રકારની સગવડોવાળી સ્કૂલ એકપણ નથી, જે મસૂરીની મોટી કમનસીબી છે. પહેલાનાં વખતમાં દેશ ગુલામ હતો ત્યારે અંગ્રેજોની અથવા પાદરીની સ્કૂલોને માટે આ પ્રદેશમાં અવકાશ વધારે હતો. એમને માટે સગવડો પણ વધારે હતી. એ સગવડોનો લાભ એમણે પૂરતા પ્રમાણમાં લઈ લીધો છે. પરંતુ હવે તો પરિસ્થિતિ પલટાઈ છે. પર્વતીય પ્રદેશમાં સ્કૂલો, દવાખાના તથા બીજી જાતની પ્રવૃત્તિ દ્વારા પાદરીઓ વરસોથી કામ કરી રહ્યા છે. તેના પરથી બોધપાઠ લેવાનો સમય પાકી ગયો છે. આપણા કાર્યકરોએ તથા શ્રીમંત લોકોએ એમને પગલે ચાલીને એવા પ્રદેશની જનતાની સેવા કરવા આગળ આવવું જોઈએ. આપણી પાસે ધન છે. બુદ્ધિ છે, આવડત છે, યોજના કરવાની શક્તિ છે, સર્વકાઈ છે. તેમાં જો સંપ, સહકાર અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ ભળે તો એવા લોકહિતના કામ સહેલાઈથી શક્ય બને.

પર્વતમાંથી આવતાં લોકોને આપણે પૂછીએ કે ‘ક્યાં જઈ આવ્યાં ?’ તો તેમનો ઉત્તર મળે છે કે ‘હવા ખાવા.’ એ ઉત્તરમાં ઘણું તથ્ય રહેલું છે. પર્વતોની હવા પવિત્ર હોય છે. એમાંયે મસૂરીમાં દેવદાર ને ચીડના જે અસંખ્ય વૃક્ષો છે તેની હવા આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. એ હવા નવી તાજગી ને નવું જીવન આપે છે, કેટલાય દર્દોને દૂર કરે છે. બીજી ભાષામાં કહીએ તો, તે દવાનું કામ કરે છે. એવી હવા ના ખાવી હોય તો પણ, એ આપણી અંદર દાખલ થાય છે અને આશીર્વાદરૂપ ઠરે છે.

સાધનાની દૃષ્ટિએ પણ આ પ્રદેશનું મૂલ્ય ઘણું છે. જેમને લેખનમાં, ચિંતનમનનમાં, ધ્યાન જેવી સાધનામાં કે શાંતિની અનુભૂતિમાં રસ હોય તેમને પણ આ સ્થળ ખૂબ ખૂબ મદદરૂપ થઈ પડશે. અહીં સર્વત્ર પ્રસરેલી ઊંડી શાંતિમાં સાધકનું મન સંસારના વિષયોમાંથી ઉપરામ બનીને ઓછા પ્રયાસે સહેલાઈથી ડૂબી જાય છે, લીન થાય છે, અને વિકારરહિત બને છે. સાધના માટેનું અનુકૂળ વાતાવરણ અહીં તૈયાર છે. ચિત્રકાર, કવિ, લેખક, કથાકાર, ભક્ત કે યોગી સૌને માટેની પ્રેરક સામગ્રી અહીં પૂરતા પ્રમાણમાં પથરાયેલી પડી છે. સફર, સ્વાસ્થ્યલાભ ને સાધના ત્રણે દૃષ્ટિએ મસૂરી લાભકારક છે.

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar

prabhu-handwriting