Text Size

દિલ્હી

દિલ્હી ભારતનું પાટનગર તો ગણાય છે જ, પરંતુ એને તીર્થસ્થાન પણ ગણી શકાય ખરું ? એવો પ્રશ્ન કોઈને થવાનો સંભવ છે.

ઉત્તરમાં કહેવાનું કે દિલ્હી ભારતની રાજધાનીનું શહેર છે, સાથેસાથે તીર્થસ્થાન પણ બની ગયું છે. દેશપરદેશના પાર વિનાના પ્રવાસીઓ, નેતાઓ અને રાજપુરુષો ત્યાં આવે છે અને એક એવા સ્થળ આગળ એકઠા થાય છે જે દેખાવે તો તદ્દન સાદું, શાંત અને એકાંત છે, પરંતુ ભારે મહત્વનું ને પ્રેરણાદાયક છે. ત્યાં આવીને એ અંજલિ આપે છે, પુષ્પો કે પુષ્પમાળાઓ ચઢાવે છે, ને શક્તિ મેળવે છે. એ સ્થળને લીધે કેવળ રાજકીય પ્રવૃત્તિથી ધમધમતું દિલ્હી શહેર મહત્વના રાજકીય મથક ઉપરાંત એક અગત્યનું યાત્રાસ્થળ બની ગયું છે. ખાસ નોંધવા જેવી હકીકત તો એ છે કે એ કેવળ ભારતવાસીઓનું કે ભારતના અમુક વિશેષ ધર્મસંપ્રદાયમાં માનનારા ને રસ લેનારા કે શ્રદ્ધા રાખનારા લોકોનું જ તીર્થ નથી બન્યું; ભારતની બહારના બીજા ધર્મસંપ્રદાય કે વાદમાં માનનારા માનવો પણ એને એટલી જ શ્રદ્ધાથી જુએ છે, ને એની મુલાકાત લેવામાં ગૌરવ અનુભવે છે. એ એક આંતરરાષ્ટ્રીય યાત્રાસ્થાન બની ગયું છે. એ સ્થળ છે ‘રાજઘાટ’-મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થાન. એ પ્રતાપી મહાપુરુષે દેશનું સુકાન સંભાળી દેશની આઝાદી માટે ભરચક કોશિશ કરીને સફળતા મેળવી તથા અસાધારણ રીતે પોતાનું શરીર છોડ્યું. એ મહાપુરુષની સમાધિનું સ્થાન દેશના અને દેશની બહારના અસંખ્ય સ્ત્રીપુરુષોને માટે આધુનિક યાત્રાસ્થાન બની ગયું છે. 

ગાંધીજીની સમાધિ : મહાત્મા ગાંધીજીના જીવન અને સિદ્ધાંત પ્રમાણે સ્થાન ઘણું સાદું છે. ત્યાં સમાધિસ્થાન પર એ મહાપુરુષના છેલ્લા શબ્દો ‘હે રામ’ લખવામાં આવ્યા છે. તેના પર પુષ્પો ચઢાવવામાં આવે છે. આજુબાજુ લીલીછમ વિશાળ ભૂમિનો વિસ્તાર છે. સ્થાન હજુ વિકસી રહ્યું છે. ત્યાંથી થોડેક દૂર શાંતિવનમાં એ મહાપુરુષના માનસપુત્ર જેવા જવાહરલાલ નહેરુની સમાધિ છે. એ જોડીએ ભારતની સુખસમૃદ્ધિ અને સ્વતંત્રતા માટે જેમ જીવતાં સાથે રહીને કામ કર્યુ તેમ સમાધિમાં પણ એમણે સાથે રહેવાનું જ પસંદ કર્યું છે એવી છાપ પડે છે. રાજઘાટની એ જગ્યાએ દિલ્હીનું આંતરરાષ્ટ્રીય મહત્વ ને ગૌરવ વધાર્યું છે.

બીજાં સ્થળો : દિલ્હીની જોવા જેવી બીજી જગ્યાઓમાં લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન, પાર્લામેન્ટ હાઉસ, બિરલા મંદિર, કુતુબમિનાર વગેરે છે. જમના નદીના તટ પર વસેલું શહેર કુદરતી સુંદરતાની દૃષ્ટિએ રમણીય લાગવા છતાં, અંદરથી એના કેટલાય વિસ્તારો અને ખાસ કરીને જૂના વિસ્તારો સાંકડા અને ગંદા છે.

બિરલા મંદિર : બીજાં નાનાંમોટાં મંદિરો દિલ્હીમાં કેટલાંય છે, પરંતુ બિરલા મંદિર ખાસ જોવા જેવું છે. એને લક્ષ્મીનારાયણ મંદિર પણ કહેવામાં આવે છે. મંદિર ઘણું જ મોટું છે. એમાં શંકર ભગવાનની, વિષ્ણુ ભગવાનની તથા દેવીની પ્રતિમાઓ છે. ઠેકઠેકાણે શાસ્ત્રોનાં તથા મહાપુરુષોનાં ઉપદેશવચનો લખેલાં છે. એક તરફ બુદ્ધ ભગવાનનું મંદિર છે. સ્થાન ઘણું વિશાળ, સ્વચ્છ અને શાંતિમય છે. દરવાજામાં પ્રવેશ કરતાં જ જમણી બાજુએ ધર્મશાળા છે. ત્યાં રહેવાની તથા જમવાની વ્યવસ્થા છે. કેટલાય લોકો એનો લાભ લે છે.

કુતુબ મિનાર : કુતુબ મિનારનું સ્થળ પણ જોવા જેવું છે. એના બનાવનાર વિષે બે મત છે. કોઈ કહે છે કે એ મહારાજ પૃથ્વીરાજે પોતાની પુત્રી રોજ જમનાદર્શન કરી શકે તે માટે બનાવેલો, તો કોઈ કહે છે કે એ કુતુબુદ્દીને બનાવેલો. બાજુમાં વિશાળ મંદિરના અવશેષ છે. પાંડવોના કિલ્લાના અવશેષ પણ ત્યાં જ છે એવું માનવામાં આવે છે. પાંડવોની રાજધાની ઈન્દ્રપ્રસ્થ એ જ ભૂમિ પર હતી એવું કહેવાય છે, તે પણ જોવા જેવું છે. મંદિર નાનું છતાં સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવનારું છે. કહે છે કે મહારાજા પૃથ્વીરાજે એનો જીર્ણોદ્ધાર કરાવેલો. પૃથ્વીરાજ મહામાયાને પોતાની ઉપાસ્યદેવી માનતો ને પૂજતો. મંદિરમાં મૂર્તિને બદલે યોનિપીઠ છે. કોઈવાર એ શક્તિઉપાસકોનું એકાંત આરાધનાસ્થાન હશે એવું લાગે છે.

દિલ્હીના જૂના કિલ્લાની યમુનાતટની દીવાલ પાસે ઝાડીમાં ઘણું જૂનું નાનકડું ભૈરવ મંદિર છે. કહે છે કે મહાભારતના યુદ્ધ પહેલાં એની મૂર્તિને ભીમસેને કાશીથી આણેલી અને યુધિષ્ઠિરે એની સ્થાપના કરેલી.

દિલ્હીની ધરતી પર અનેક સામ્રાજ્યોનો ઉદય અને અસ્ત થયો છે. ત્યાં કેટલીયવાર આક્રમણ થયાં છે ને યુદ્ધો ખેલાયા છે. એ ભૂમિ ચિરશાંતિની ભૂમિ નથી લાગતી. છેલ્લે છેલ્લે વરસોના એકછત્ર શાસન પછી બ્રિટિશ સામ્રાજ્યે પણ ત્યાંથી સમેટાઈ જવું પડ્યું. ‘નામ તેનો નાશ’નો પ્રતિધ્વનિ પાડતું એ પ્રાચીન શહેર કાળની કેટકેટલી કરાળ થપ્પડો ખાઈને ફરીફરી બેઠું થયું છે !

ત્યાં ઊતરવા માટે હોટલો તથા ધર્મશાળાઓ છે. તેમાં ગુજરાતી સમાજ ખાસ ઉલ્લેખનીય છે. ત્યાં રોજના નિશ્ચિત દરે રહેવા મળે છે.

ગાંધીજીને ગોળી વાગ્યાની જગ્યા : દિલ્હીની મુલાકાત લેવા આવનારાં સ્ત્રીપુરુષોએ એક બીજું ઐતિહાસિક અગત્ય ધરાવતું સ્થળ પણ જોવા જેવું છે. એ સ્થળ ઉપરઉપરથી જોતાં એટલું આકર્ષક અથવા દેખાવડું નથી લાગતું, તેમ છતાં એક પ્રકારનું ખાસ સૌન્દર્ય અને આકર્ષણ ધરાવે છે. એ મહાત્મા ગાંધીજીને જે જગ્યાએ ગોળી મારવામાં આવેલી એ સ્થળ છે.

આટલા બધા અગત્યના સ્થળની માહિતી પણ ઘણા ઓછા માણસોને હોવાથી એની મુલાકાત પણ બહુ ઓછા માણસો લેતા હોય છે. નવી દિલ્હીના ઔરંગઝેબ રોડની બાજુમાં ત્રીસ જાન્યુઆરી રોડ પરના બિરલા હાઉસની પાછળના ભાગમાં એ સ્થળ આવેલું છે. ત્યાં ગાંધીજી જ્યાં પ્રાર્થના કરવા બેસતા તે સ્થળ જોવા મળે છે. સામે લીલુંછમ ઘાસનું મેદાન છે. એના ફરતી વાડની પાછળના મકાનમાં ગાંધીજી નિવાસ કરતા ને મેદાનમાં રોજ પ્રાર્થના કરવા જતા. એ વખતે મકાનમાંથી મેદાનમાં આવવાનો ખુલ્લો રસ્તો હતો. આજની વાડ તો એ સ્થળને અલગ પાડી દેવા માટે પાછળથી તૈયાર કરવામાં આવી છે. સાંજે પ્રાર્થનામાં આવતી વખતે જે જગ્યાએ ગાંધીજી પર ગોળી છોડવામાં આવી અને જે જગ્યાએ ગાંધીજી ‘હે રામ’ કહીને ઢળી પડ્યા તે જગ્યાએ નાનું સરખું તદ્દન સાદું સ્મારક કરવામાં આવ્યું છે. ત્યાં એક બાજુ ઊભા કરાયેલા પથ્થર પર સંક્ષેપમાં છતાં ભારવાહી શબ્દોમાં લખવામાં આવ્યું છે :

"हे राम!" ५-१७ शाम, ३० जनवरी १९४८

પથ્થર પર નીચેના ભાગમાં અંજલિરૂપે થોડાંક પુષ્પો ચઢાવવામાં આવે છે. એ જોઈને એ મહાપુરુષની સ્મૃતિમાં આપણને પણ પ્રેમના બે-ચાર પુષ્પો ચઢાવવાનું મન થાય છે. આપણા મનની આંખ આગળ એ મહાપુરુષની જીવનલીલાનો એ છેલ્લો પ્રસંગ ઊભો થાય છે અને આપણું હૈયું રડી ઊઠે છે. આંખમાંથી અંજલિ આપતાં અંતરનું એકાદ આંસુ પણ ટપકી પડે છે. કાળ સર્વભક્ષી હોઈને સૌનો નાશ કરે છે એમ કહેવામાં આવે છે તે સાચું છે, પરંતુ સંપૂર્ણ સાચું નથી; કારણ કે સૌનો નાશ કરવાની શક્તિ ધરાવતો હોવા છતાં મહાપુરુષોએ પોતાના પ્રતાપી જીવન દ્વારા ફેલાવેલી સત્કર્મોની સુવાસનો નાશ એ નથી કરી શકતો. ગાંધીજીની સુવાસ પણ એવી જ સનાતન છે.

Today's Quote

The best way to find yourself is to lose yourself in the service of others.
- Mahatma Gandhi

prabhu-handwriting