Text Size

Udyog Parva

બલરામની તીર્થયાત્રા

મહાભારતના મહાભીષણ મહાયુદ્ધની પૂર્વભૂમિકા એવી રીતે તૈયાર થઇ.

પાંડવસૈન્યના સાત સેનાપતિ તરીકે દ્રુપદ, વિરાટ, ધૃષ્ટધુમ્ન, શિખંડી, સાત્યકિ, ધૃષ્ટકેતુ અને સહદેવને નીમવામાં આવ્યા.

સૈન્યના સરસેનાપતિ તરીકે ધૃષ્ટધુમ્નની નિયુક્તિ થઇ.

કૌરવસૈન્યના અગિયાર સેનાપતિ તરીકે પસંદગી પામેલા વીરયોદ્ધાઓ આ પ્રમાણે હતાઃ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, શલ્ય, સિંધુદેશનો રાજા જયદ્રથ, કૃતવર્મા, કાંબોજ સુદક્ષિણ, અશ્વત્થામા, કર્ણ, ભૂરિશ્રવા, શકુનિ અને મહાબળવાન બાહલીક.

એ સૌના સરસેનાપતિ તરીકે ભીષ્મપિતામહ પસંદગી પામ્યા.

એ વખતે કૃષ્ણના મોટાભાઇ બલરામનો અભિગમ કેવો હતો તે ખાસ જાણવા જેવું છે.

તે મહાવિનાશક યુદ્ધને સમીપમાં આવી પહોંચેલું જોઇને નીલવર્ણનાં રેશમી વસ્ત્રોને પહેરનારા, કૈલાસના શિખર જેવા ભવ્ય, પ્રચંડ બાહુવાળા, ખેલ કરતા સિંહના જેવી ગતિવાળા અને મદ વડે આંખના લાલ છેડાવાળા બલરામ પાંડવોની છાવણીમાં પહોંચ્યા.

તેમની સાથે વાઘ જેવા બળવાન અક્રુર, ગદ, સાંબ, ઉદ્ધવ, રુકમણીપુત્ર, આહુકના પુત્રો તથા ચારુદેષ્ણ જેવા યાદવવંશી વીરો હતા.

મરુદ ગણો જેમ ઇન્દ્રનું રક્ષણ કરે તેમ તેઓ તેમનું રક્ષણ કરતા હતાં.

બલદેવને જોતાં જ ધર્મરાજા, મહાકાંતિમાન કેશવ, ગાંડીવધારી અર્જુન, ભયંકર કર્મ કરનારા ભીમસેન અને બીજા જે કોઇ રાજાઓ ત્યાં હતા તે સર્વે ઊભા થયા. તેમણે બલરામનો સત્કાર કર્યો. વાસુદેવ વિગેરે સૌએ તેમને પ્રણામ કર્યા.

શત્રુદમન બલરામે પણ વૃદ્ધ વિરાટને તથા દ્રુપદને પ્રણામ કર્યા. પછી તે યુધિષ્ઠિરની સાથે આસન ઉપર બેઠા. એટલે સર્વ રાજાઓ પણ એમની આસપાસ બેઠા.

તે સમયે રોહિણીનંદન બલરામ શ્રીકૃષ્ણ તરફ જોઇને બોલ્યા કે હવે આ દારુણયુદ્ધ આરંભાશે અને તેમાં અસંખ્ય વીરપુરુષોનો મહાભયંકર સંહાર થશે. હું આ કાર્યને ખરેખર દૈવે કરેલું માનું છું; અને તે કોઇથી પણ ફેરવી શકાય તેવું નથી. આથી હું ઇચ્છું છું કે તમે સર્વ સંબંધીઓ સાથે યુદ્ધસાગરમાંથી પાર ઊતરો અને હું તમને સર્વને રોગરહિત, નહિ ઘવાયેલા શરીરવાળા, અને યુદ્ધમાં વિજયી થયેલા જોઉં. આ એકઠા મળેલા પૃથ્વીના ક્ષત્રિયો ખરેખર કાળ વડે પરિપક્વ થઇ ગયા છે એટલે અહીં માંસ તથા રુધિરનો કાદવ થઇ જાય એવો ભયંકર વિનાશ થશે. મેં વાસુદેવને એકાંતમાં વારંવાર કહ્યું હતું કે તું આપણા સંબંધીઓમાં સમાનવૃત્તિથી વર્તજે. આપણે માટે તો જેવા પાંડવો છે તેવો જ રાજા દુર્યોધન પણ છે. તેને પણ સહાય કરવી જોઇએ. કારણ કે તે પણ વારંવાર સહાય માટે વિનતિ કરવા આવે છે. છતાં પણ મધુસૂદને મારું કહેલું કર્યું નથી. એક અર્જુન તરફ જોઇને તેણે પોતાનું તન, મન, ધન તેમને જ અર્પણ કરી દીધું છે. આ ઉપરથી અવશ્ય પાંડવોનો જય થશે, એમ હું માનું છું. વાસુદેવનો પણ એવો જ આગ્રહ જણાય છે. હું કૃષ્ણની ઇચ્છાને અનુસરું છું. ગદાયુદ્ધમાં કુશળ ભીમ અને દુર્યોધન બંને વીરો મારા શિષ્યો છે. અને તેથી તે બંને પ્રત્યે મારો સમાન સ્નેહ છે. કૌરવોનો મારા દેખતાં નાશ થાય અને તેને હું જોઇ રહું એ વાત અશક્ય છે. માટે હું સરસ્વતીના તીર્થોનું સેવન કરવા માટે પ્રયાણ કરું છું.

એ પ્રમાણે કહીને બલરામે પાંડવોની રજા લઇને તથા વળાવવા આવેલા શ્રીકૃષ્ણને પાછા વાળીને, તીર્થયાત્રા માટે પ્રયાણ કર્યું.

બલરામે તીર્થયાત્રા માટે પ્રયાણ કર્યું અને કૌરવો-પાંડવોના ભાવિ યુદ્ધમાં ભાગ ના લેવાનો નિર્ણય કર્યો એ શું સૂચવે છે ? એ જ કે મહાભારતના મહાયુદ્ધમાં એ તટસ્થ રહેવાનો સંકલ્પ કરી ચૂકેલા. એ સંકલ્પને એ અનુસર્યા. એવો જ સંકલ્પ પાંડવો અને કૌરવોના શસ્ત્રાસ્ત્ર વિદ્યાગુરુ દ્રોણ તથા કૃપાચાર્યે અને વડીલ, પરમહિતચિંતક જેવા ભીષ્મપિતામહે પણ કર્યો હોત તો ? તો મહાભારત યુદ્ધનું પરિણામ જુદું જ આવત. યુદ્ધનો આરંભ દુર્યોધનની દુર્બુદ્ધિને લીધે થયો એ વાતને યથાર્થ માનીએ તો પણ, યુદ્ધને આરંભવા માટે દુર્યોધનને ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય જેવા પરમશક્તિશાળી મહારથીઓની મદદનો વિશ્વાસ પણ મહત્વના પ્રેરક પરિબળ તરીકે કામ કરી ગયો, એ વાત નિર્વિવાદ છે.

પોતાને જે આદર્શ અથવા અભિનંદનીય ના લાગતું હોય તે કાર્યને કરવું તો નહીં જ પરંતુ એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર પણ ના આપવો એવી નીતિ જો સમાજના સમજુ માનવો અપનાવે તો મોટાભાગનાં ઘર્ષણો તથા યુદ્ધો અથવા અન્યાયકાર્યો દૂર થઇ જાય.