Tuesday, May 21, 2013
   
Text Size

Verse 18

अग्ने नय सुपथा राये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् ।
युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नमउक्तिं विधेम ॥१८॥

agne naya supatha raye asman
visvani deva vayunani vidvan ।
yuyodhyasmajjuhuranameno
bhuyistham te namauktim vidhema ॥ 18॥

અગ્નિદેવ, પરમેશ્વર પાસે લઈ જાવ અમને આજે,
દૂર કરી દો અંતરાયને, નમસ્કાર તમને ભાવે ! ॥૧૮॥

અર્થઃ

અગ્ને - હે અગ્નિના અધિષ્ઠાતા દેવતા !
અસ્માન્ - અમને
રાયે - પરમધનરૂપ પરમાત્માની સેવામાં પહોંચાડવા માટે
સુપથા - સુંદર ઉત્તમ માર્ગથી
નય - લઇ ચાલો
દેવ - હે દેવોના દેવ ! (તમે અમારાં)
વિશ્વાનિ - સર્વે
વયુનાનિ - કર્મોને
વિદ્વાન્ - જાણવાવાળા છો
અસ્મત્ - અમારાં
જુહુરાણમ્ - આ પંથના પ્રતિબંધક
એનઃ - કોઇ પાપ હોય તો એને
યુયોધિ - દૂર કરી દો
તે - તમને
ભૂયિષ્ઠામ્ - વારંવાર
નમઉક્તિમ્ - નમસ્કારનાં વચન
વિધેમ્ - કહીએ છીએ.

ભાવાર્થઃ

આ અંતિમ મંત્ર સાથે ઇશાવાસ્ય ઉપનિષદની સુખદ પૂર્ણાહુતિ થાય છે. આ ઉપનિષદ છે તો નાનું પરંતુ એમાં જીવનોપયોગી કેટલાય મંત્રો અથવા અગત્યના સંદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ સંદેશ સનાતન છે. એને લીધે એની વિશિષ્ટતા વધી જાય છે. આ અંતિમ મંત્ર કે શ્લોકમાં અનુરાગપૂર્ણ અંતરની પ્રાર્થનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીવન ચાલુ હોય ત્યારે અને જીવન પર કામચલાઉ પડદો પડવાનો સમય સમુપસ્થિત થાય ત્યારે પણ પ્રાર્થનાનો ફાળો મહત્વનો હોય છે. એ માનવના અંતરાત્માને શાંતિ આપે છે ને પ્રેરણા પૂરી પાડે છે. જીવ અને શિવની વચ્ચે સેતુ બને છે. પ્રાર્થના પોતે જ સાધના છે. આ શ્લોકમાં પ્રાર્થના કરતાં કહેવામાં આવ્યું કે હે પ્રભુ ! હે પરબ્રહ્મ પરમાત્મા ! અમને જીવનવિકાસના મંગલ માર્ગે આગળ ને આગળ વધવાનું પરિબળ પુરું પાડો. અમે કદી પણ પાછળ ના પડીએ એવી કૃપા કરો. તમારી દિશામાં આગળ વધવાની અને છેવટે તમને પામી શકવાની શક્તિ દો.

આ પ્રાર્થનામાં સુપથા શબ્દ ખૂબ જ મહત્વનો છે. જીવન, સત્ય, સદાચાર, શ્રેય અથવા આત્મિક અભ્યુત્થાનને માર્ગે આગળ વધે તેવી પ્રવૃતિ કરવા જોઇએ. જીવનનું સાચું સાર્થક્ય એમાં જ સમાયેલું છે, એ શબ્દમાં એનો ગર્ભિત ધ્વનિ રહેલો છે.

પરમાત્મા પરમશક્તિશાળી અને સર્વાંતરયામી છે. એટલા માટે એમને સાધક દ્વારા પોતાના દોષોને તથા પ્રતિબંધોને દૂર કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. જીવનની વિશુદ્ધિનો મંગલમય માર્ગ ધાર્યા જેટલો સરળ કે નિષ્કંટક નથી. એને અણિશુદ્ધ બનાવવાના મનોરથવાળો જીવનસાધક સ્વશક્તિથી સફળ થઇ શકતો નથી. એને લાગે છે કે પરમાત્માની પરમકૃપા, શક્તિ અને સહાયતા સિવાય આગળ વધવાનું અને સફળતાના સર્વૌચ્ચ શિખર પર પહોંચવાનું કાર્ય કઠિન છે. બાળકને માતા દોરે છે તેમ પરમકૃપાળુ પરમાત્મા હાથ પકડીને પ્રગતિપથ પર દોરે તો જ સફળતાપૂર્વક આગેકૂચ કરી શકાય તેમ છે. સાધકની એ ભાવનામાં અને એનાથી પ્રેરાયેલી પ્રાર્થનામાં જેમ નમ્રતા દેખાય છે તેમ સમર્પણભાવનું પણ દર્શન થાય છે. સાધકને માટે એ બંને ગુણોનું મહત્વ ઘણું મોટું છે.

પ્રાર્થનામાં પ્રણામ, નમસ્કાર, વંદન કે પ્રણિપાત હોય જ. પરમાત્મા વિના બીજું કોણ પ્રણમ્ય છે ? કોઇ જ નહિ. એટલે એમને પ્રણામ કરવામાં આવે છે અને પ્રશસ્તિ સહિત પ્રણામ.... 'નમું કોટીવારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો !'

સાધકને પરમાત્માની પાસે પહોંચવાની એટલી બધી ઉતાવળ નથી. પરમાત્મા એની ઉપર અઘટિત અનુગ્રહ કરે એવું પણ એ નથી ઇચ્છતો. એ જાણે છે કે દુષ્કર્મના કે દુર્વાસનાના સ્થૂળ-સૂક્ષ્મ, પ્રકટ કે અપ્રકટ સંસ્કારો આત્મિક વિકાસની સુભગ સાધનામાં અથવા પરમાત્માની પ્રાપ્તિની ઇચ્છાની પરિપૂર્તિમાં પ્રતિબંધક છે. એ અંતરાયોને દૂર કરીને જીવનને જ્યોતિર્મય અને વિશુદ્ધ બનાવવા માટે એ પરમાત્માને પ્રાર્થના કરે છે. જીવનને પવિત્ર અને પ્રભુમય કરવાની આવશ્યકતા પણ એ એટલી જ સમજે છે. સાધકની એ સદભાવના સાચેસાચ અને પૂર્ણપણે પ્રશસ્ય છે, આપણે પણ પરમાત્માની કૃપાપ્રાપ્તિની કામના કરવાની સાથે સાથે જીવનને પવિત્ર બનાવવાનું મહત્વ સ્વીકારીએ તથા તેને માટેની સમજપૂર્વકની સાધનામાં પડીએ એ આવશ્યક છે,

શરૂઆતના શાંતિપાઠ સાથે આ ઉપનિષદ પૂરું થાય છે.

Today's Quote

Patience is not so much about waiting, as it is about how one behaves while waiting.
- Anonymous 
15.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 80 guests online

View site in