Text Size

Home

The Kena Upanishad (केन उपनिषद्), or the Kenopanishad (केनोपनिषद्) is one of the primary Upanishads, and is associated with the Samaveda. The Kenopanishad derives its name from the first word Kena (केन, which means by whom) of its first verse. Kena Upanishad is divided into four khandas or sections, the first two are in verse and the other two are in prose.

Here, we have presented Kena Upanishad with two of Yogeshwarji's books 1. Upanishad no amar varaso, which has word-by-word translation and his comments and 2. Dus Upanishad, which contain translation in Gujarati poems. We hope that you will like it.

ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः
श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि ।
सर्वं ब्रह्मौपनिषदं माऽहं ब्रह्म निराकुर्यां मा
मा ब्रह्म निराकारोदनिराकरणमस्त्वनिराकरणं मेऽस्तु ।
तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॥

શાંતિપાઠ
આ અંગ મારા પરિપૂર્ણ સ્વસ્થ હો,
હો ઈન્દ્રિયો સૌ બલવાન મારી;
ના છોડું કો’દી પ્રભુને હું સાચે,
ને ના મને યે પ્રભુ કો’દી છોડે.
અતૂટ સંબંધ હજો અમારો,
સૌ વેદધર્મો મુજમાંહિ મૂર્ત હો.
ૐ શાંતિઃ । શાંતિઃ । શાંતિઃ ॥

અર્થઃ

ૐ - હે પરમાત્મા
મમ - મારાં
અંગાનિ - સર્વે અંગ
વાક્ - વાણી
પ્રાણઃ - પ્રાણ
ચક્ષુઃ - આંખ
શ્રોત્રમ્ - કાન
ચ - અને
સર્વાણિ - સઘળી
ઇન્દ્રિયાણિ - ઇન્દ્રિયો
અથો - તથા
બલમ્ - બળ
આપ્યાયન્તુ - પુષ્ટિ પામે
સર્વમ્ - સર્વરૂપ
ઔપનિષદમ્ - ઉપનિષદ દ્વારા પ્રતિપાદિત
બ્રહ્મ - બ્રહ્મ છે.
અહમ્ - હું
બ્રહ્મ - એ બ્રહ્મનો
મા નિરાકુર્યામ્ - અસ્વીકાર કરું નહીં.
બ્રહ્મ - બ્રહ્મ
મા નિરાકરોત્ - મને પરિત્યાગે નહીં
અનિરાકરણમ્ - (એની સાથે મારો) અતૂટ સંબંધ
અસ્તુ - હો
મે - મારી સાથે
અનિરાકરણમ્ - (એનો) અતૂટ સંબંધ
અસ્તુ - હો
ઉપનિષત્સુ - ઉપનિષદમાં પ્રતિપાદિત
યો ધર્માઃ - જે ધર્મો છે
તે - તે સર્વે
તદાત્માનિ - એ પરમાત્મામાં
નિરતે - રત થયેલા
મયિ સન્તુ - મારામાં હો.
તે - તે સઘળાં
મયિ સન્તુ - મારામાં હો.
ૐ - હે પરમાત્મા
શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ત્રિવિધ તાપની નિવૃતિ હો.

ભાવાર્થઃ

નિર્બળતા સર્વપ્રકારે નિરર્થક ને નુકસાનકારક છે. આશીર્વાદરૂપ નથી પરંતુ અભિશાપરૂપ છે. એટલે ઉપનિષદના શાંતિપાઠમાં એની ઇચ્છા રાખવાને બદલે શક્તિ-પ્રાપ્તિની કામના કરવામાં આવી છે. એ શક્તિ તમોગુણી ના હોય પણ શુદ્ધ સત્વગુણી હોય તો જ પોતાને ને બીજાને માટે કલ્યાણકારક, ઉપયોગી અને આશીર્વાદરૂપ બની શકે. એટલે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શક્તિ સર્વાંગીણ એટલે કે શારીરિક, માનસિક, આત્મિક, ત્રણે પ્રકારની હોવી જોઇએ. એથી એની અપેક્ષા રાખવામાં આવી છે. શરીર મન, પ્રાણ, વાણી, આંખ, કાન સૌ તેજસ્વી બને ને પુષ્ટિ પામે એવી સદભાવનાને સેવવામાં આવી છે.

જીવનમાં શારીરિક, માનસિક, ઇન્દ્રિય વિષયક બળ હોય પરંતુ ધર્મપરાયણતા, સદાચાર, આધ્યાત્મિક અભિરૂચિ કે પરમાત્માની શ્રદ્ધાભક્તિ ના હોય તો એવા જીવનને પરિપૂર્ણ જીવન ના કહેવાય. એવું જીવન શાંતિ આપી શકે નહીં કે કૃતાર્થ પણ ના કરી શકે. વિજ્ઞાનની મદદથી અને ઔષધિઓના પ્રયોગથી સ્વસ્થ અને સશક્ત બની શકાય પરંતુ સદબુદ્ધિયુક્ત ધર્માચરણ વિના આત્મિક પરિબળ પ્રકટી ના શકે. એટલા માટે જ આ પાઠમાં ધર્મસંયુક્ત સદાચારનો ને પરમાત્માનો સ્વપ્ને પણ સંબંધવિચ્છેદ ના થાય એવું ઇચ્છવામાં આવ્યું છે. જે પરમાત્માને પકડી રાખે છે તેને પરમાત્મા પડવા દેતા નથી. પરમાત્મા સાથે સ્નેહસંબંધ રાખનાર પરમાત્માની પરમકૃપાને ને એમના સનાતન સુખસંબંઘનો અનુભવ કરે છે. જીવનની સાચી સફળતા તથા શાંતિનું મુખ્ય રહસ્ય એમાં જ રહેલું છે - પરમાત્માની સાથે જીવન જોડી દેવામાં અને આદર્શ ધર્માચરણમાં. એ દૃષ્ટિએ આ શાંતિપાઠનું મહત્વ ધાર્યા કરતાં ઘણું મોટું છે. એને ઉપનિષદના સંદેશના સારરૂપ કહી શકાય.


ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः।
केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्ति ॥१॥

om keneshitam patati preshitam manah
kena pranah prathamah praiti yuktah
keneshita vacham imam vadanti
chakshuh shrotram ka u devo yunakti

જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે
કયી શક્તિથી પ્રેરાઈને મન વિષયોમાં જાયે છે ?
કાબુ કરે છે કોણ પ્રાણ પર ? વાણી કોણ ચલાવે છે ?
કોણ શક્તિ દે છે નેત્રોને ? કર્ણ શક્તિ ક્યાં પામે છે ?
કોણ કરે છે પ્રવૃત્ત આ સૌ ઈન્દ્રિયમનને કર્મ વિશે ? ॥૧॥

અર્થઃ

કેન - કોની દ્વારા
ઇષિતમ્ - સત્તા કે ચેતન પામી
પ્રેષિતમ્ - પ્રેરિત કે સંચાલિત બનીને
મનઃ - મન
પતતિ - વિષયો તરફ વહન કરે છે.
કેન - કોની દ્વારા
યુક્તઃ - નિયુક્ત થઇને
પ્રથમઃ - બીજા બધાથી શ્રેષ્ઠ
પ્રાણઃ - પ્રાણ
પ્રૈતિ - ચાલે છે.
કેન - કોને લીધે
ઇષિતમ્ - સક્રિય કરાયેલી
ઇમામ - આ
વાચમ્ - વાણીને
વદન્તિ - લોકો બોલે છે.
ચક્ષુઃ - નેત્રેન્દ્રિયને
શ્રોત્રમ્ - કર્ણેન્દ્રિયને
કઃ - કોણ
ઉ - પ્રસિદ્ધ
દેવઃ - દેવ
યુનક્તિ - નિયુક્ત કરે છે અથવા પોતપોતાના વિષયોમાં જોડે છે.

ભાવાર્થઃ

આપણે ત્યાં અને પરદેશમાં ધર્મ, તત્વજ્ઞાન અથવા સાધના સંબંઘી અવનવા વિચારોને વહેતા કરવામાં આવે છે. અનેકવિધ અભિપ્રાયો અપાય છે. એક પશ્ચિમના પ્રખ્યાત વિચારકે થોડાક વખત પહેલાં એક લેખમાં જણાવેલું કે ભારતની પ્રજા દુઃખને લીધે, દુઃખો દૂર કરવા માટે ઇશ્વર અથવા આધ્યત્મિકતા તરફ વળી હતી. એ વાંચીને મને વિચિત્ર લાગણી થઇ આવી. એ સામાન્ય સુપ્રસિદ્ધ વિચારક કે વિદ્વાનની વિચારધારાને માટે વિસ્મિત થયો. આપણા દેશમાં પણ એવા માનવો નથી મળતા એવું નથી. એ પણ એવી જ દલીલો કરે છે. કોઇ ધર્માચરણ કે આધ્યાત્મિકતાની અભિરુચિનું કારણ ભય માને છે તો કોઇ દુઃખ સમજે છે. કોઇક અજ્ઞાન કહે છે તો કોઇક વ્હેમ વર્ણવે છે. કોઇ એના મૂળમાં અંધવિશ્વાસ તો કોઇ દુન્યવી ભોગોપભોગની લાલસા છે એવું માને છે. એ સઘળા વિચારોની પાછળ સાચો વિચાર છૂપાઇ ગયો છે.

માનવ સૌથી પહેલાં, સંસ્કૃતિના ઉષઃકાળમાં, આધ્યાત્મિકતાની અભિરુચિવાળો, ઇશ્વરપ્રેમી, કેવી રીતે થયો ને ધર્મને માર્ગે કેવી રીતે વળ્યો ? એને કોઇ નાનું મોટું દુઃખ હતું ? સંકટ સતાવતું હતું ? ભયની ભૂતાવળ એની આસપાસ ભમી રહેલી ? એને મૃત્યુની ભીતિ, જીવનની મોહિની કે લૌકિક-પારલૌકિક પદાર્થોની લાલસા હતી ? એ એનો અંધવિશ્વાસ અથવા વ્હેમ હતો ? ના. એવું હોત તો એ અભિરુચિ આટલા બધા લાંબા સમય સુધી ટકત નહીં. દુઃખ દૂર થતાં, ભય-લાલસા-વ્હેમ-અંધવિશ્વાસનો અંત આવતાં એનો પણ અંત આવત અને એને સંસારના સર્વશ્રેષ્ઠ મનાતા સદબુદ્ધિસંપન્ન, સુશિક્ષિત, સુસંસ્કારી સ્ત્રીપુરુષોનો સાથ ના સાંપડત. એ અભિરુચિનું કારણ બીજું હતું.

ધર્મ, તત્વજ્ઞાન, સાધના અથવા આધ્યાત્મિકતાનો આરંભ માનવની શુદ્ધ જિજ્ઞાસાવૃતિમાંથી થયો છે. એ સૌની પાછળ, એમના મૂળમાં એની જ્વલંત જિજ્ઞાસાવૃતિ રહેલી છે. એ જિજ્ઞાસાવૃતિએ જ એને પ્રશ્નો પૂછતો અને એમના પ્રત્યુત્તરો માટે ઉત્તરોત્તર આગળ વધતો કર્યો છે. એને સૌથી પહેલાં પોતાની જાતને માટે, પોતાની અંદરની દુનિયા વિશે જાણવાની ઇચ્છા થઇ છે. એ પોતાને માટેની માહિતી મેળવવાની આકાંક્ષા રાખે છે. એટલે તો પૂછે છે કે, મન જડ હોવાં છતાં કોની મદદથી વિષયોનું ચિંતનમનન કરે છે અને વિષયોમાં વિહરે છે ? પ્રાણને શરીરમાં સંચરવાનું સામર્થ્ય કોણ પ્રદાન કરે છે ? વાણી કેવી રીતે બોલે છે, ને આંખ કાન કેવી રીતે, કોની શક્તિ દ્વારા જુએ છે તથા સાંભળે છે ? કોને લીધે જડ શરીર સજીવ જેવું લાગે છે ? કોને લીધે જીવન બને છે ને કોની અનુપસ્થિતિમાં શરીર અને ઇન્દ્રિયોના સમસ્ત વ્યાપારો બંધ થવાથી મરણ થાય છે ? હૃદય કોને લીધે સંવેદનનો, ઉર્મિનો અનુભવ કરે છે, ફેફસાં પ્રવૃતિશીલ બને છે, અને ધમની કોને લીધે રક્તાભિસરણના કાર્યમાં પ્રવૃત થાય છે ? શરીર તો નાશવંત છે, પરિવર્તનશીલ છે, તો એની અંદર એને સજીવ કરનારું કોઇ અપરિવર્તનશીલ, અવિકારી, અવિનાશી તત્વ છે ખરું ? એની અંદર કોઇ ચિન્મયી શાશ્વતી સત્તા છે ખરી ? જીવનનું સર્જન, વિસર્જન, નિયંત્રણ કરનારું કોઇ અપાર્થિવ પરિબળ છે ખરું ? એ દૈવી શક્તિ, સત્તા કે ચેતના જો હોય તો ક્યાં છે, કેવી રીતે કાર્ય કરે છે, અને એનું સ્વરૂપ કેવું છે, એ કેવા ગુણધર્મથી અથવા વિશેષાધિકારથી સંપન્ન છે ?

બાહ્ય જગતને જોઇને એની ગતિવિધિના સંબધમાં પણ એવા જ અન્ય પ્રશ્નોની પરંપરા માનવમનમાં પેદા થઇ. જગતની રચના ક્યારે, શા માટે ને કેવી રીતે થઇ ? કોનાથી થઇ ? એ કોઇનું સર્જન છે કે પોતાની મેળે જ પેદા થયું છે ? એનું સર્જન, સંરક્ષણ, વિસર્જન કોણ કરે છે ? એની વ્યવસ્થા અને અવ્યવસ્થા આપોઆપ થાય છે કે એની પાછળ કોઇનો હાથ છે ?

એ ઉપરાંત માનવ એના પોતાના જીવનનો વિચાર કરતો ને પૂછતો થયો છે કે આજુબાજુ અશાંતિ અથવા ઓછી શાંતિ દેખાય છે તો ક્યાંય સંપૂર્ણ સનાતન શાંતિ હશે ખરી ? કોઇ ઠેકાણે પૂર્ણ જ્ઞાન, પૂર્ણ જીવન, પૂર્ણ આનંદ, સુખ, સંતૃપ્તિ, રસ તેમજ સંપૂર્ણ સામર્થ્ય હશે ખરું ?

એ પ્રશ્નોને પૂછીને માનવ બેસી ના રહ્યો. એમના પ્રતીતિજનક પ્રત્યુત્તરને માટે પ્રામાણિક પ્રયત્નો કરવા માંડ્યો. એ જિજ્ઞાસાવૃતિ જ એને ધર્મ, તત્વજ્ઞાન, આત્મસાધના અથવા અધ્યાત્મની દુનિયામાં આગળ વધારતી રહી. એનો પાયો પાકો હતો. એવી વિશુદ્ધ આત્મજિજ્ઞાસાનો પરિચય આ પ્રથમ મંત્ર દ્વારા કરાવવામાં આવ્યો છે. એ જિજ્ઞાસાવૃતિ જીવતી રહેશે ત્યાં સુધી ધર્મ, સાધના, આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન - બધું જ જીવતું રહેશે. એને સંતોષવા માટે માનવ એક અથવા બીજી રીતે એમનો આશ્રય લેશે. એથી પ્રરાઇને એ અવનવા પ્રયોગો કરતો જ રહેશે. આધ્યાત્મિકતાનું પ્રેરક બળ એટલું બધું પ્રાણવાન કે પ્રબળ છે. માટે જ એ અનંતકાળથી અક્ષય બનીને જીવી રહી છે. પોતાની જાતને ને જગતને જાણવાની એની પાછળની સનાતન સર્વોપરી સત્તાને સમજવાની ને સાક્ષાત કરવાની કામના શેષ રહે ત્યાં સુધી એનો સર્વનાશ કોઇ કાળે, કોઇ સ્થળે, કોઇનાથી, કોઇયે ઉપાયે નહિ થઇ શકે.


श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद् वाचो ह वाचं स उ प्राणस्य प्राणः ।
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥२॥

shrotrasya shrotram manaso mano yad
vacho ha vacham sa u pranasya pranah
chakshushash chakshur atimuchya dhirah
pretyasmal lokad amrita bhavanti

પ્રાણ તણો જે પ્રાણ, કર્ણનો કર્ણ, મનનું જે કારણ છે,
નેત્રથકી જોનારા નેત્ર તે, વાણી તેનું સાધન છે;
પ્રેરક છે પરમાત્મા તે તો, જ્ઞાનીજન તેને જાણે,
જાણીને તે મુક્ત બને ને અમૃતતત્વ પરમ પામે. ॥૨॥

અર્થઃ

યત્ - જે
મનસઃ - મનના
મનઃ - મન કે કારણ છે.
પ્રાણસ્ય - પ્રાણના
પ્રાણઃ - પ્રાણ છે.
વાચઃ - વાણીની
વાચમ્ - વાણી છે.
શ્રોત્રસ્ય - શ્રોત્રના
શ્રોત્રમ્ - શ્રોત છે.
ઉ - અને
ચક્ષુષઃ - ચક્ષુના
ચક્ષુઃ - ચક્ષુ છે.
સઃ - તે
હ - જ. (આ બધાના પ્રેરક પરમાત્મા છે)
ધીરાઃ - જ્ઞાની પુરુષો (એમને જાણીને)
અતિમુચ્ય - જીવનમુક્ત બનીને
અસમાત્ - આ
લોકાત્ - લોકમાંથી
પ્રેત્ય - વિદાય થયા પછી
અમૃતાઃ - અમર
ભવન્તિ - બને છે.

ભાવાર્થઃ

પોતાની જાતને જાણવા માગનારો માનવ પ્રશ્નો પૂછીને પ્રમાદી બનીને બેસી રહ્યો નહીં. એણે એ પ્રશ્નોના પ્રત્યુત્તરોને પામવાનો પ્રયાસ કર્યો. પરંતુ પ્રત્યુત્તરો મળે કેવી રીતે ? બુદ્ધિજીવી બનવાથી ? ના. તો પછી ? સૌથી પહેલાં તો કોઇ સાધન સિદ્ધ પણ ન હતું. એમાં સત્સંગનો અને એ દ્વારા સાંપડનારા સંતોષકારક સમાધાનનો કોઇ અવકાશ જ ન હતો. માનવ હજુ સાધકાવસ્થામાં, જિજ્ઞાસુની દશામાં હતો. એને એટલી ખાતરી અવશ્ય હતી કે એ પરમ સનાતન શક્તિ શરીરની અંદર હશે તો એનો સાક્ષાત્કાર અંદર જ થઇ શકશે. એને ઓળખવા માટે અંતર્મુખ બનવું પડશે. અંદરની સાધનાનો આધાર લેવો પડશે. અંદરની આત્મિક આંખ દ્વારા એને અવલોકવાનો પ્રયત્ન કરવાનો રહેશે. એથી એણે ધ્યાનનો આધાર લીધો. એના સિવાય એની પાસે બીજું કોઇ સાધન જ ન હતું.

સુદીર્ઘ સમયની ધ્યાનની સંનિષ્ઠ સાધના પછી એક ધન્ય દિવસે એને એ પરમ સત્તાનો સંપર્ક અથવા સાક્ષાત્કાર થયો. એનું અંતર આનંદથી આપ્લાવિત બન્યું. નાચી ઉઠ્યું, કૃતકૃત્ય થયું. એણે જાણ્યું અથવા અનુભવ્યું કે જીવનનું મૂળ કારણ આ જ છે. આ જ છે સર્વસૂત્રધાર, સર્વોત્તમ, સર્વશાસક છતાં પણ સર્વાતીત. સર્વશક્તિમાન, સૌના મૂલાધારરૂપ, સંરક્ષક અથવા આશ્રય.

એણે એ પણ જાણ્યું અથવા અનુભવ્યું કે જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. પિંડની પેઠે બ્રહ્માંડને પણ એ જ સનાતન શક્તિ કે પરમ ચેતના જીવન આપે છે. સૃષ્ટિ એમાંથી પ્રાદુર્ભાવ પામે છે, એને લીધે ટકે છે, અને એમાં વિલીન થાય છે. પરિવર્તનશીલ પદાર્થોની અંદર અને બહાર સર્વત્ર રહેલી એ ચેતના અથવા પરમ સત્તા અપરિવર્તનશીલ છે. અખંડ, અનન્ય, અવિકારી છે.

એવી રીતે જિજ્ઞાસામાંથી જન્મીને આગળ વધેલી આધ્યાત્મિક સાધના સ્વાનુભૂતિમાં પર્યવસાન પામી. સાક્ષાત્કારથી સંપન્ન બનીને પરિસમાપ્તિ પર પહોંચી. ઋષિએ એ સ્વાનુભૂતિની અભિવ્યક્તિ કરતાં કહ્યું કે પરમાત્માની એ સત્તાને લીધે જ મન, પ્રાણ, તથા ઇન્દ્રિયો પોતપોતાના વિષયોંમાં અને વ્યાપારોમાં પ્રવૃત બને છે. એ સત્તા કે પરમાત્મા સર્વોપરી છે. માનવે મુક્ત, પૂર્ણ અને અમૃતમય થવું હોય તો એમને ઓળખવા જોઇએ. જે એમને અનુભવે છે અથવા ઓળખે છે તે જીવન દરમ્યાન જ અવિદ્યા અને મોહાદિથી મુક્તિ મેળવે છે, અને શરીર છોડ્યા પછી એ અવિનાશી પરમાત્મામાં મળી જાય છે. મૃત્યુંજયી બને છે.


न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः ।
न विद्मो न विजानीमो यथैतदनुशिष्यात् ॥३॥
अन्यदेव तद्विदितादथो अविदितादधि ।
इति शुश्रुम पूर्वेषां ये नस्तद्व्याचचक्षिरे ॥४॥

na tatra chakshur gacchati na vag gacchati no manah
na vidmo na vijanimo yathaitad anushishyad
anyad eva tad viditad atho aviditad adhi
iti shushruma purvesham ye nas tad vyachachakshire

નેત્ર પહોંચે ના ત્યાં, વાણી પ્હોંચે તેની પાસ નહીં,
મન તેને ના પ્હોંચે, ત્યારે કહેવાય તે કેમ કરી !
અમે ન જાણીએ તેને, ના સાંભળેલ છે કો’ક થકી,
જ્ઞાત અને અજ્ઞાત વસ્તુથી - પર છે તે તો સર્વથકી.
વિસ્તાર થકી વર્ણન કરતા પૂર્વાચાર્ય અમારા તે,
બ્રહ્મતત્વનું આવું દર્શન પાસેથી આ સાંભળ્યું છે. ॥૩-૪॥

અર્થઃ

તત્ર - ત્યાં (પરમાત્માની પાસે)
ચક્ષુઃ - આંખ
ન ગચ્છતિ - નથી પહોંચતી.
નો - ના
મનઃ - મન.
યથા - જેવી રીતે
એતત્ - આ (પરમાત્મા સ્વરૂપ)ને
અનુશિષ્યાત્ - બતાવી શકાય કે એ આવું છે.
ન વિદ્મઃ - (એ વાતને) અમે અમારી બુદ્ધિથી નથી જાણતા (અને)
ન વિજાનીમઃ - બીજાને સાંભળીને પણ નથી જાણતા. (કારણ કે)
તત્ - તે
વિદિતાત્ - જાણેલા પદાર્થોથી
અન્યત્ એવ - અલગ છે.
અથો - અને
અવિદિતાત્ - (મન-ઇન્દ્રિયો દ્વારા) ના જણાવાયાથી (પણ)
અધિ -  ઉપર છે.
ઇતિ - એવું
પૂર્વેષામ્ - પૂર્વપુરુષો પાસેથી
શુશ્રુમ - સાંભળ્યું છે.
યે - જેમણે
નઃ - અમને
તત્ - એમના સંબંધી
વ્યાચચરિક્ષે - સારી રીતે વ્યાખ્યા કરીને સમજાવેલું.

ભાવાર્થઃ

બહારનાં ચર્મચક્ષુ જોવાનું કામ નથી કરતાં. એ જો જોતાં હોત તો મૃત્યુ પછી પણ જોઇ શકત. એમની પાછળ રહેલી પરમાત્માની પરમ ચેતના જ એમને જોવાની ક્ષમતા પૂરી પાડે છે. બહારના સ્થૂળ કાન પણ એવી રીતે સાંભળી શકતા નથી, વાણી બોલી શકતી નથી. મન મનન પણ કરી શકતું નથી ને પ્રાણ સંચાર પણ નથી કરી શકતો. એ સૌની પાછળની પરમાત્માની પરમ ચેતના જ એમને સક્રિય બનાવે છે. એ પરમ ચેતનાને ઇન્દ્રિયો ઓળખી શકતી નથી. પરમાત્માની એ પરમ ચેતનાને ઓળખવા માટે સ્થૂળ આંખ, કાન અને અન્ય ઇન્દ્રિયોથી અતીત બનવું પડે છે. મન તથા બુદ્ધિની પારના પ્રદેશમાં પહોંચવું પડે છે. એમના સ્વરૂપને ચોક્કસપણે અને સર્વાંગીણ રીતે કોણ કહી શકે ? એ અવાગ્મનસગોચરને વાણીમાં વહાવીને આ જ છે અને આવું અથવા આટલું જ છે એવું કોણ વર્ણવી શકે ? એને માપવાનું, પૂર્ણપણે જાણવાનું ને જણાવવાનું અશક્ય છે. જાણવા-જણાવવાના જે પ્રયત્નો થાય છે અને એમાં જે સફળતા સાંપડે છે એ તો આંશિક હોય છે, પરિપૂર્ણ હોતી નથી, પરમાત્માને જાણવા માટે તો પાર્થિવ પદાર્થો, વિષયો અને જગતથી ઉપર ઉઠવું પડે છે. અંતરના શાંત અગાધ ઊંડાણમાં અવગાહન કરવું  પડે છે. ત્યારે જ મહામૌક્તિક મળી શકે છે.

ઋષિ અહીં નમ્રતાની વાણીમાં વાત કરતાં પોતાના પૂર્વપુરુષોને, સ્વાનુભવસંપન્ન સત્પુરુષોને અથવા આચાર્યોને આદરભરી અંજલિ આપે છે ને જણાવે છે કે એમણે એમના અનુભવના આધાર પર અમને પરમાત્મા વિશે એ પ્રમાણે કહેલું. અમે તો એનું કેવળ પારાયણ જ  કરી રહ્યા છીએ. એ કેવળ પોપટ-પારાયણ નથી. એની પાછળ અનુભૂતિનો રણકો છે. અનુભૂતિવાળા સત્પુરુષો જ એવી નમ્ર અને સરળ વાણી કહી શકે.


Today's Quote

Success is getting what you want. Happiness is wanting what you get.
- Dave Gardner