Text Size

Yog Sutra

Sadhan Pada : Verse 21 - 25

२१. तदर्थ एव दृश्यस्यात्मा ।
21. tad-artha eva drishyasya atma

દૃશ્યનું સ્વરૂપ તે દૃષ્ટાને માટે જ છે.

દૃષ્ટાને પોતાના દર્શન દ્વારા ભોગ પ્રદાન કરવા ને સ્વરૂપનું દર્શન કરાવીને મોક્ષનું દાન દેવા માટે જ દૃશ્યનું અસ્તિત્વ છે. દૃશ્યનો ઉદ્દેશ તે જ છે.

*

२२. कृतार्थं प्रति नष्टम् अप्यनष्टं तदन्यसाधारणत्वात् ।
22. krita-artham prati nashtam api anashtam tat anya sadharanatvat

ભોગ ને મોક્ષનો અનુભવ જેમણે કરી લીધો છે, તેવા પુરુષોને માટે પ્રકૃતિનો નાશ અથવા અભાવ થઇ જાય છે. છતાં પણ તે સંપૂર્ણપણે નષ્ટ થતી નથી. કેમકે બીજા જીવોને માટે તે રહે છે. આથી જણાય છે કે પ્રકૃતિ પરિણામી હોવા છતાં પણ અનાદિ ને નિત્ય છે.

*

२३. स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतुः संयोगः ।
23. sva svami saktyoh svarupa upalabdhi hetuh samyogah

સ્વશક્તિ એટલે પ્રકૃતિ ને સ્વામીશક્તિ એટલે પુરુષ. એ બંનેના સ્વરૂપની પ્રાપ્તિનું જે કારણ છે, તે સંયોગ કહેવાય છે.

દૃશ્યનું સ્વરૂપ દૃષ્ટાને માટે જ છે. તેથી પુરુષને પ્રકૃતિનો સ્વામી કહ્યો છે, ને પ્રકૃતિને પુરુષની પોતાની વસ્તુ માની છે. તે પ્રકૃતિની સાથે સંબંધ થવાથી પુરુષ પ્રકૃતિનાં જુદાંજુદાં રૂપોને જુએ છે ને તેનો ભોગ કરે છે. તેથી વિરક્ત થઇને જ્યારે તે સ્વરૂપનું દર્શન કરવા મથે છે, ત્યારે તેને સ્વરૂપનું દર્શન થઇ જાય છે. પછી સંયોગની જરૂર ના રહેવાથી તે મટી જાય છે. તેને જ પુરુષની કૈવલ્યદશા કહે છે.

*

२४. तस्य हेतुरविद्या ।
24. tasya hetuh avidya

તે સંયોગનું કારણ અવિદ્યા છે.

શુદ્ધ, ચેતન ને નિર્વિકાર પુરુષનો જડ પ્રકૃતિની સાથેનો સંબંધ અવિદ્યાને લીધે છે. સ્વરૂપના અજ્ઞાનનું નામ અવિદ્યા છે. સ્વરૂપના જ્ઞાનથી તેનો નાશ થઇ જાય છે.

*

२५. तदभावात् संयोगाभावो हानं तद्दृशेः कैवल्यम् ।
25. tat abhavat samyogah abhavah hanam tat drishi kaivalyam

આત્માની અનુભૂતિ થવાથી અવિદ્યા મટી જાય છે. તેથી સંયોગ પણ મટી જાય છે. પછી જન્મ ને મરણ જેવાં બીજાં બધાં જ દુઃખોનો કાયમ માટે અંત આવી જાય છે. તેને ‘હાન’ કહેવામાં આવે છે. તે વખતે પુરુષ પોતાની સહજ કૈવલ્ય દશાની પ્રાપ્તિ કરી લે છે.