Text Size

Yog Sutra

Sadhan Pada : Verse 26 - 30

२६. विवेकख्यातिरविप्लवा हानोपायः ।
26. viveka khyatih aviplava hana upayah

નિર્મળ ને શાંત વિવેકજ્ઞાન ‘હાન’ નો ઉપાય છે.

પ્રકૃતિ ને તેના કાર્યનું યથાર્થ જ્ઞાન થઇ જાય, ને આત્મા તેથી અલગ છે ને અસંગ છે, એ પ્રમાણે પુરુષના યથાર્થ સ્વરૂપનું પણ જ્ઞાન થઇ જાય તેને વિવેકજ્ઞાન કહે છે. સમાધિમાં સહજ સ્થિતિ થવાથી તે જ્ઞાન પૂર્ણ ને પવિત્ર થઇ જાય, ત્યારે તે અવિપ્લવ વિવેકજ્ઞાન કહેવાય છે. તેથી સંસારના બીજ જેવાં ક્લેશ ને કર્મોનો નાશ થઇ જાય છે. ચિત્ત પોતાના કારણમાં લય પામી જાય છે ને મુક્તિ સહજ બને છે.

*

२७. तस्य सप्तधा प्रान्तभूमिः प्रज्ञा ।
27. tasya saptadha pranta bhumih prajna

નિર્મળ ને સ્થિર વિવેકજ્ઞાનથી સાધકનું ચિત્ત તદ્દન નિર્મળ બની જાય છે, ત્યારે તેમાં સાંસારિક જ્ઞાન નથી જાગતું. તેવો સાધક સાત પ્રકારની ઉન્નત દશાવાળી પ્રજ્ઞાની પ્રાપ્તિ કરે છે. તેમાં પહેલી ચાર પ્રકારની પ્રજ્ઞા કાર્યવિમુક્તિ પ્રજ્ઞા ને બીજી ત્રણ પ્રકારની પ્રજ્ઞા ચિત્તવિમુક્તિ પ્રજ્ઞા કહેવાય છે.

કાર્યવિમુક્તિ પ્રજ્ઞાના ચાર ભેદ :

૧) જ્ઞેયશૂન્ય દશા - જાણવા જેવું બધું જાણી લીધું. હવે કાંઇ પણ જાણવાનું બાકી ના રહ્યું. જે દૃશ્ય છે તે બધું જ પરિણામ, તાપ, સંસ્કારદુઃખ તથા ગુણવૃત્તિવિરોધને લીધે દુઃખરૂપ છે, ને તેથી ત્યાજ્ય છે, એવી પ્રજ્ઞા.

૨) હેયશૂન્ય દશા - દૃષ્ટા ને દૃશ્યના સંયોગને મિટાવી દીધો. હવે મિટાવવા જેવું કાંઇ જ રહ્યું નહિ, તેવી પ્રજ્ઞા.

૩) પ્રાપ્યપ્રાપ્ત દશા - પ્રાપ્ત કરવા જેવું બધું જ પ્રાપ્ત કરી લીધુ, સમાધિ દ્વારા કેવલ દશા પણ મેળવી લીધી. હવે મેળવવા જેવું કાંઇ પણ બાકી ના રહ્યું, તેવી પ્રજ્ઞા.

૪) ચિકીર્ષાશૂન્ય દશા - જે કાંઇ કરવા જેવું હતું તે કરી લીધું. ‘હાન’ ના ઉપાય જેવું નિર્મળ ને સ્થિર વિવેકજ્ઞાન પણ મેળવી લીધું. હવે કાંઇ જ કરવાનું બાકી ના રહ્યું, તેવી પ્રજ્ઞા.

ચિત્તવિમુક્તિ પ્રજ્ઞાના ત્રણ ભેદ -

૧) ચિત્તની કૃતાર્થતા - ભોગ ને મોક્ષ દેવાનું પોતાનું ખાસ કામ ચિત્તે પૂરું કરી લીધું. હવે તેનું કોઇ કામ બાકી ના રહ્યું, તેવી પ્રજ્ઞા.

૨) ગુણલીનતા - ચિત્તનું કોઇ ખાસ કામ બાકી ના રહેવાથી તે પોતાના કારણરૂપ ગુણોમાં લીન થવા માંડે છે, તેવી પ્રજ્ઞા.

૩) આત્મસ્થિતિ - ગુણથી પર થયેલો પુરુષ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઇ ગયો. હવે કાંઇ પણ બાકી ના રહ્યું. તેવી પ્રજ્ઞા.

આ સાત પ્રકારની પ્રાન્તભૂમિપ્રજ્ઞાને અનુભવનારો યોગી કુશળ જીવનમુક્ત કહેવાય છે, ને ચિત્ત જ્યારે પોતાના કારણમાં લીન થઇ જાય છે, ત્યારે પણ કુશળ વિદેહમુક્ત કહેવાય છે.

*

२८. योगाङ्गानुष्ठानाद् अशुद्धिक्षये ज्ञानदीप्तिरा विवेकख्यातेः ।
28. yoga anga anusthanad ashuddhi kshaye jnana diptih a viveka khyateh

યોગનાં અંગોનું અનુષ્ઠાન કરવાથી, અશુદ્ધિઓનો નાશ થવાથી, જ્ઞાનનો વિવેકખ્યાતિ સુધીનો પ્રકાશ પ્રાપ્ત થાય છે.

યોગના અભ્યાસથી ચિત્ત નિર્મળ થતાં બુદ્ધિ, અહંકાર ને ઇન્દ્રિયોથી ભિન્ન આત્માનું પ્રત્યક્ષ દર્શન થાય છે.

*

२९. यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टाव अङ्गानि ।
29. yama niyama asana pranayama pratyahara dharana dhyana samadhi ashtau angani

યોગનાં અંગ આઠ છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ.

*

३०. अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः ।
30. ahimsa satya asteya brahmacharya aparigraha yama

યમ પાંચ છે - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ.