Video
અનેક યુગથી તપી રહ્યા જે સૃષ્ટિના આધાર,
સમર્થ તેમજ સર્વ શક્ત જે કરુણાના આગાર;
અડી શકે ના લેશ જેમને ક્લેશ, કષ્ટ કે કાળ,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
અર્ધ ઉઘાડી આંખો રાખી, પહેર્યું છે કૌપીન,
જટા મુકુટથી મંડિત બેઠા નિજાનંદમાં લીન;
શ્વેત બરફ પર્વતના વાસી, શોભાનો ના પાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
ગંગાજમના વહે આંખમાં, અંતરમાં આનંદ,
પરમશાંતિ પ્રકટે અંગોમાં, પ્રેમતણાં હે કંદ;
જ્યોતિ તમારી આસપાસનો દૂર કરે અંધકાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
સૃષ્ટિના હિત માટે તપતાં, ધરતાં તેમ શરીર,
પરહિતપ્રિય છો, પરની સ્પર્શે સદા તમોને પીડ;
વર ને આશીર્વાદ આપતા, કરો ભક્ત ઉદ્ધાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
વેદમૂર્તિશા વ્યાસ મહર્ષિ, પ્રેમમૂર્તિ શુકદેવ,
ભાવવિભોર દેવઋષિ નારદ બીજા કૈંયે દેવ;
યોગી અને તપસ્વી તમને સ્તવતાં જગદાધાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
નાનો સરખો એક તપસ્વી આવ્યો છે તમ પાસ,
પ્રેમ ભક્તિ વૈરાગ્ય યોગ ના એની પાસે ખાસ;
કૃપા તમારી વરસાવી દો, થાય ક્લેશની પાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
*
વિરાજો વિશ્વમાં સઘળે, વસો બદરીમહીં પ્રેમે,
હિમાલયના પવિત્ર પ્રદેશમાં પ્રગટ્યા તમે પ્રેમે;
વસો પ્રેમે હૃદયમાં, દો વળી દર્શન પવિત્ર મને,
હજારો વાર વંદન દેવ બદરીનાથ હો તમને.
સુશીતલ હિમગિરિવાસી, વસ્યા કૈલાસ ને કાશી,
વિલાસી તો પણ ઉદાસી, અખંડ અનંત અવિનાશી;
ગુરુનાયે ગુરુ હે, દેવના પણ દેવ મંગલ હે,
હજારો વાર વંદન દેવ બદરીનાથ હો તમને.
તમારા દર્શને આવ્યો ભરીને ભાવ હૈયે હું,
નયનમાં નેહની પ્યાલી ભરી સામે ઉભેલો હું;
તમારા પ્રેમનો સંપૂર્ણ અધિકારી ગણો મુજને,
હજારો વાર વંદન દેવ બદરીનાથ હો તમને.
તપસ્યા મેં કરી ગુર્જર પ્રદેશે ને હિમાલયમાં,
કરી દો પૂર્ણતા તેની તમારા દિવ્ય આ સ્થળમાં;
કરો કૃતકૃત્ય ને સંપૂર્ણ સિદ્ધિ આપતાં મુજને,
હજારો વાર વંદન દેવ બદરીનાથ હો તમને.
તમારે દ્વારથી જો જાય કોઈ અતિથિજન ખાલી,
ગણાયે તે નઠારું તો પિલાવો પ્રેમની પ્યાલી;
તમારું વ્યર્થ દર્શન થાય ના, વિશ્વાસ છે મુજને,
હજારો વાર વંદન દેવ બદરીનાથ હો તમને.
હૃદયમાં ભાવના ને પ્રેમની આવે સદા ભરતી,
કૃપા વરસાદને માટે તલસતી આંખની ધરતી;
કરી દો તો કૃપાવૈભવ મળે કે પૂર્ણતા મુજને,
હજારો વાર વંદન દેવ બદરીનાથ હો તમને.
ટળે કંગાલિયત ને દીનતા પણ દૂર હો સઘળી,
મટે ચિંતા અને તૃષ્ણા ખરેખર ખાખ હો સઘળી;
જલી જાયે બધાંયે તાપ, ઉત્તમતા મળે મુજને,
હજારો વાર વંદન દેવ બદરીનાથ હો તમને.
*
જગમાં જન્મી જોડી દીધા પ્રભુની સાથે તાર,
સાધનાતણી સમજ આવતાં શરૂ કર્યો વેપાર;
તોડી દીધાં તાળાં સઘળાં, એક કર્યો વેપાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
ભવસાગરમાં શરૂ કર્યો મેં મંગલ પુણ્યપ્રવાસ,
પ્રેમ તેમ શ્રદ્ધાભક્તિનું ભાથું ભરિયું ખાસ;
કરી દો તમે કૃપા, થાય તો નૈયા મારી પાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
સંભાળો છો પ્રેમીજનને લઈ તમે સંભાળ,
કરી દો મને સફળ મનોરથ, રહે ન સુખનો પાર;
નથી યોગ્યતા કૈંયે તો પણ અરજ સુણો તત્કાળ,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
યોગ્ય જનો તો નિજ શક્તિથી થઈ જશે ભવ પાર,
અયોગ્ય કિન્તુ મુજ જેવાનો કેમ થશે ઉદ્ધાર?
મુજને તારો તો જ તમારો થાયે જયજયકાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
‘મા’ની પૂર્ણ કૃપાની એક જ આશા અંતરમાંહ્ય,
એજ કામના મનમાં મારા, માતા ઝાલે બાંય;
પ્રેમ કરીને કરો પ્રેરણા આજે જગદાધાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
એ જ કામનાથી હું આવ્યો આજ તમારે ધામ,
ગુર્જર ભૂમિથી વસુધા સારી જો કે મારું ગામ;
સદ્ય સાંભળો આજે મારો પ્રેમભર્યો અધિકાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
ઉત્તમ આવ્યો ધામમહીં, જો મારી આશ ફળે,
હિમાલય તણો જો મહિમા તો તાજો થાય ખરે;
માટે મૌન મૂકીને બોલો, કરો સુધાની ધાર,
નર નારાયણ યોગી તમને વંદન વારંવાર.
*
બદરીનારાયણના ધામે ગાઈ આ સ્તુતિ ‘પાગલે’,
વિશ્વમાં વિસ્તરેલા હે પ્રભુ તે તમને મળે.
શાંતિ સંસારમાં થાયે, દુઃખ દર્દ બધાં ટળે,
દીનતા ક્લેશ ને હિંસા, વેરવૃત્તિ વળી મરે.
આંખ ને અંતરે વરસે, અમી આ મૃત્યુલોકમાં,
મૃત્યુ, બંધન, ચિંતા કે રહે કોઈ ના શોકમાં.
કવિતાની નથી શક્તિ, ભાવ ભક્તિ વળી નથી,
પંડિતાઈ, તપસ્યા કે બીજી શક્તિ જરી નથી.
શેષ ને શારદા ગાયે, ગાયે નારદજી હરે,
મારા સંગીતની ત્યાં કૈં છે વિસાત નહીં ખરે.
છતાંયે ભાવથી આ મેં વહાવ્યા સૂર ગીતના,
કાલાઘેલા છતાંયે છે, તે સૂર સત્ય પ્રીતના.
પૂજાની વિધિ ન કોઈ, ગીત આ માત્ર હું ધરું,
નમાવી શીશ, આવો તો પ્રેમથી ચરણે ઢળું.
દોષ ના દેખશો મારા, ગુણ ને ગણજો ઘણાં,
તમારી જો કૃપા થાયે, ગુણની તો ન હો મણાં.
હિમાચ્છાદિત આ ઊંચા પર્વતો મધ્યે બેસતાં,
પ્રશસ્તિ મેં કરી પૂરી શબ્દમાં રસ રેલતાં.
કરો ‘પાગલ’ પ્રેમ ને મનોરથ બધાં પૂરો,
એ જ આશા ઉરે મારા, દીનતા અલ્પતા હરો.
- શ્રી યોગેશ્વરજી
Comments