Text Size

સાંઈબાબા સ્તુતિ

બાંધ્યો શિરે સરસ શ્વેત રૂમાલ જેણે,
પ્હેરી પવિત્ર કફની કટિવસ્ત્ર તેણે;
બેઠા શિલા પર સજી મુખ જે પ્રશાંત,
સાંઈ કરો હૃદયને મુજ છેક શાંત!

યોગી ત્રિલોકપતિ જેમ પ્રભાવવાળા,
સિદ્ધિતણા પતિ છતાંય વિરક્ત ન્યારા;
હૈયે અપાર કરુણા વરસે તમારા,
તેની પવિત્ર વહવો મુજ કાજ ધારા!

સૌના હિતેચ્છુ કરતા હિત સર્વનુંયે,
ઘારેલ જીવન તમે હિતકાજ આ છે;
તે ભાવની સ્મૃતિ થકી સુખ આપનારા,
યાગી પ્રણામ તમને સુખ આપનારા!

વિખ્યાત છે બલ અનંત ખરે તમારું,
વ્યાપ્યો બધે જ મહિમા પણ તેમ ચારું;
તેથી રહે અભય ભક્ત સદા તમારા,
યોગી પ્રણામ તમને ભય કાપનારા !

ગોદાવરી તટપરે શિરડીમહીં છે,
આવાસ મંદિર ખરે શિરડીમહીં છે;
કિન્તુ ચરાચરમહીં સઘળે વિરાજો,
ને ભક્તના હૃદય આંગણમાં જ રાજે.

એવા સમર્થ તમને પ્રભુરૂપ માની,
ગાઈ રહ્યો મધુર આ મુજ પ્રેમવાણી;
સ્વીકારજો સ્મિત કરી રસ હોય કાંઈ,
છે પ્રેમ આ સ્વરમહીં પ્રકટેલ સાંઈ!

આજે પવિત્ર ગુરૂવાર ખરે તમારો,
પૂજા અને સ્તવન કાજ ગણેલ પ્યારો;
માની તમે પ્રકટ દીપકની મહત્તા,
આજે ગણી પ્રકટ દીપકની મહત્તા,

તો પ્રેમનો પ્રકટ દીપક આ જગાવી,
અર્પું પ્રસન્ન મનથી સુરતા લગાવી;
તેથી પ્રસન્ન બનતાં કરુણા કરીને,
ઊભા રહો, પ્રકટ હો વરને લઈને.

અંધારથી મન વળે હરખે પ્રકાશે,
ને દૂર થાય જડતા ઉર ન્હાય આશે;
ફેલાય ચેતન બધે વરસે સુધા ને,
તે વાર તે જ ગુરૂવાર ખરેખરો છે.

મારા મંદિરનાં ચઢે પગથિયાં તેનાં ટળે તાપ સૌ,
તેનાં જીવનની લલગામ પકડું, કાપું વળી વળી કષ્ટ સૌ;
જાહેરાત ભુલી ગયા નવ તમે, તો દિવ્ય દ્રષ્ટિ ધરો,
સાંઈનાથ નમું પ્રસન્ન મનથી, ઈચ્છા બધીયે પુરો.

આવ્યો મંદિરમાં પ્રસન્ન મનથી, આશાભર્યો આજ હું,
તો યે દૈન્ય રહ્યું મુજમહીં આશ્ચર્ય એમાં ન શું?
વાણી વ્યર્થ ન થાય તો પ્રકટ થૈ, આનંદ વર્ષા કરો,
સાંઈનાથ નમું પ્રસન્ન મનથી ઈચ્છા બધીયે પૂરો.

જે નિશ્ચિંત બને બધો શિરતણો બોજો ઉતારી દઈ,
જે મારું શરણું ગ્રહે હૃદયમાં વિશ્વાસ સાચો લઈ;
તેનો ભાર હરું કહ્યાં વચન છે તો પ્રેમવર્ષા કરો,
સાંઈનાથ નમું પ્રસન્ન મનથી, ઈચ્છા બધીયે પૂરો.

ભક્તોમાં બખણાય ખૂબ મહિમા વાતો તમારી થતી,
આજે યે કરુણાતણી અવનવી વાતો રચાયે જતી,
તે છે સર્વ યથાર્થ તો સુખ ધરો, ચિંતા બધીયે હરો,
સાંઇનાથ નમું પ્રસન્ન મનથી, ઈચ્છા બધીયે પૂરો.

ભંડાર પૂર્ણ ભરિયા પ્રભુજી તમારા,
લૂંટાય તોય ન કદી પણ ખૂટનારા;
ખાલી થયા સકળ તે મુજકાજ શું એ?
હો તેમ તો પણ કહો મુજને ખરે એ.

હે વિશ્વનાથ પ્રકટો કરુણા કરીને,
ભેટો મને પરમ પ્રેમથકી ભરીને;
ભંડાર હે સુખતણાં, સહુનાય સ્વામી,
આ પ્રાણ જાય સુખ ચેતન તેમ પામી!

હે ભક્ત-રક્ષક કરો સ્મિત સાથ રક્ષા,
બાંધો મને અમર સત્વર પ્રેમરક્ષા;
દાની કરો વરતણું બસ દાન આજે,
એ એક કામ તમને રસરાજ છાજે.

આવી પડ્યું શરણમાં કદિ જે તમારા,
તેના મનોરથ કર્યા પરિપૂર્ણ સારા;
પાછું વળ્યું નવ કદી પણ દીન કોઈ,
તેથી ઊભો અડગ હું પણ રાહ જોઈ.

કરુણા કરતાં આજે પધારો નાથ પ્રેમથી,
અંતરયામી તમે તેથી વધારે કૈં કહ્યું નથી.

સાંઈમાતા સ્વરૂપે હું નિહોળું તમને સદા,
ભક્તોની માવડી, રાખો ભક્તવત્સલતા સદા.

કૃપાની કરતાં વર્ષા, કરો શીતલ પ્રાણને,
દઈ દો આજ તો પ્રેમે દ્રષ્ટિના દિવ્ય દાનને.

આશીર્વાદ લઈ આવો, સાંઈનાથ પ્રભો તમે,
કહે પાગલ એ આશા મારા અંતરમાં રમે.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Security code
Refresh

Today's Quote

You can't cross the sea merely by standing and staring at the water.
- Rabindranath Tagore