MP3 Audio
*
અધર્મ જ્યારે પ્રસરે ધરામાં
અંધાર વ્યાપે જડતા હવામાં
ત્યારે તમે જ્યોતિ બની પ્રકાશો
ને ચેતના નિત્ય નવી પ્રસારો
સદધર્મને નૂતન પ્રાણ આપો
શ્રી રામકૃષ્ણ પ્રભુ હે પ્રસન્ન હો.
યુગે યુગે ચિન્મય દેહ ધારી
લીલા કરી પ્રેરક દિવ્ય ન્યારી
અનુગ્રહે ભક્ત અસંખ્ય તારી
સંમોહ સંતાપ વિષાદ મારી
પ્રકાશનો પંથ સદા બતાવો
શ્રી રામકૃષ્ણ પ્રભુ હે પ્રસન્ન હો.
મા શારદાના પ્રભુ પ્રાણ પ્યારા
યોગીન્દ્ર જ્ઞાની ઋષિ શ્રેષ્ઠ ન્યારા
હે પ્રેમના સાગર હે પવિત્ર
પ્રપન્નના પૂરણ સત્ય મિત્ર
કૃપા કરો તો ભય ના રહે કશો
શ્રી રામકૃષ્ણ પ્રભુ હે પ્રસન્ન હો.
કૃપા કરી દો વરદાન આપો
આસક્તિ ને ક્લેશ મમત્વ કાપો
રક્ષો સદા સર્વ સ્થળે અમોને
પ્રશાંતિ પૂર્ણત્વ વિમુક્તિ આપો
અનાથના નાથ થયા સદા છો
શ્રી રામકૃષ્ણ પ્રભુ હે પ્રસન્ન હો.
- શ્રી યોગેશ્વરજી