હું તો આરતી ઉતારું અવધૂતની રે,
અવધૂતની, રંગ અવધૂતની રે.
હું તો આરતી ઉતારું અવધૂતની રે,
નારેશ્વરના એ સંત શ્રી મહંતની રે,
નાથ બ્રહ્માંડના બ્રહ્મરૂપની રે ... હું તો આરતી ઉતારું
નીર નર્મદાના સોહી જેનાથી રહ્યા,
જેણે કીધાં પવિત્ર એને કરતાં દયા
બલિહારી એ દિવ્ય અવધૂતની રે ... હું તો આરતી ઉતારું
આદિ અંત ને અખંડ અવિનાશી કહ્યા,
જેને વેદોએ સત્ય ને અનંત છે લહ્યા,
જ્ઞાન પ્રેમના સ્વરૂપ પરમાત્મની રે ... હું તો આરતી ઉતારું
રવિ દિવસે, રાતે ચંદ્ર આરતી કરે,
અગ્નિ તારા સ્તવે જેને મૂંગા સ્વરે,
વાયુ વ્યોમ ધરા જડ ચેતન પ્રાણની રે ... હું તો આરતી ઉતારું
સર્વ સંકટ હરે, પૂર્ણ મંગલ કરે,
જેનું લેતાં શરણ સુરમુનીનર તરે,
કરું પૂજા બ્રહ્માંડના ભૂપની રે ... હું તો આરતી ઉતારું
રાગ હૃદયે, રોમે ને અંગેઅંગમાં રે,
રક્તકણમાં શ્વાસે સદા સંગમાં રે,
કૃપા માંગું સદા એ દત્તરૂપની રે ... હું તો આરતી ઉતારું
- શ્રી યોગેશ્વરજી