વેદના વરસે ભલે હું સ્મિત નહીં છોડું,
તોડી તમારી પ્રીત કોઇથી નહીં જોડું.
દુઃખ દો, દો દર્દ છો, આનંદ હું આપું,
કંટકો નાંખો ભલે ને પંથ હું કાપું.
વિષ ધરો તોયે ધરું છું સુધાની પ્યાલી,
નિરાશા આઘાત કરતાં હૈયું ના ખાલી.
ના સુણો તોયે કરું પોકાર હું પ્રેમે
સુણાવું સંગીત વિસરી વેદના કેમે.
તાપ દો તોયે ધરું છું શીતળી છાયા,
પ્રેમની એવા ખરેખર અનેરી માયા.
ફૂલ તોડે માનવી તો યે સુવાસ ધરે,
વૃક્ષને કાપે છતાં ફળ કાષ્ટ દાન કરે.
નિરાશામાંથી ઉભી આશા કરું છું હું,
ઘોર અંધારે પરમ પ્રકાશ ભરું છું હું.
પરિશ્રમ દો તોય તેમાં પ્રાણ હું પામું,
જંગલે મંગલ, નરકમાં સ્વર્ગને પામું.
પતિતપાવન પ્રેમનો છે આ પ્રતાપ ખરો,
પ્રેમને મારા હૃદયમાં રોજ રોજ ભરો.
કઠિન કૈંયે ના રહેશે કૃપા જો ઢાળો,
મિષ્ટ મધુ જેવો બને છે સિંધુયે ખારો.
- શ્રી યોગેશ્વરજી