આવો આવો સદ્ ગુરૂ દ્વારે મારે પ્રેમથી રે.
હવે તો ઘડીય ના રહેવાય,
તમારે કાજે કૈં કૈં થાય,
દયા કરવાને આવો આવો સદ્ ગુરૂ પ્રેમથી રે.
નથી જરી સંસારી ઈચ્છા,
ધનવૈભવની નથી પ્રતીક્ષા;
કરવા કેવલ શાંતિ દાન,
જ્યાં હો ત્યાંથી, આવો આવો સદ્ ગુરૂ પ્રેમથી રે.
જનમ આમ આ વીતી જાતો,
કાળ બધોયે આ વીલાતો,
કરવું મારે તો કલ્યાણ,
અભિલાષાને કરવા પૂરણ આવો સદ્ ગુરૂ પ્રેમથી રે.
ઈશ્વર છો, અંતર્યામી છો;
પ્રાણ મહારો શાને પીડો;
પ્રેમે પ્રાર્થું વારંવાર,
આવો હૃદયે ચાંપો, દાહ શમે આ સ્હેલથી રે.
આવો આવો સદ્ ગુરૂ દ્વારે મારે પ્રમથી રે !
- શ્રી યોગેશ્વરજી