નાચ નચાવો જી, મને નાચ નચાવો જી !
નામ સુણીને મધુર તમારું ભાન બધું યે જાય મહારું,
આનંદમહીં ન્હાતાં મુજને નાચ નચાવો જી ! ....નાચ
ઈન્દ્રિય સર્વ તમારી દાસી, પ્રાણ તમારી છે પટરાણી;
નામ સુણીને તમ પર પ્રેમે વારી જાઓ જી ! ....નાચ
જોતાંવેંત જ મુખડું ચારુ રૂપમાધુરીથી મલકાઉં,
મદિરામસ્ત સમો વીંટીને હસ્ત કંઠમાં હું હરખાઉં !
ભાન બધુંય ભુલાવી મુજને નાચ નચાવોજી !....નાચ
લેતાં નામ તમારું પ્યારું હૃદયમહીંથી ઉછળી ચાલું,
પ્રેમરસમહીં મસ્ત થઈને પાગલ જેવો મુગ્ધ હું નાચું;
આજ લ્હાવ લેવા દો મુજને નાચ નચાવોજી!....નાચ
ઈચ્છા નથી કશીયે મારી, માગું ધનવૈભવ ના કાંઈ;
ધન્ય કરી દો પ્રેમતણો આ જામ તમારે હાથે પાઈ,
નાચું ત્યારે મારી સાથે તમેય નાચો જી ! ....નાચ
- શ્રી યોગેશ્વરજી