મુખડું મધુરું, મધુરી વાણી,
શોભા છે સુંદર ને શાણી.
મુખડું મધુરું, મધુરી વાણી,
નયનોમાં પ્રેમતણું પાણી,
એમાં ડૂબી ગયા જ્ઞાની ધ્યાની.
હૃદયે છે ઘર રાગે કરિયું,
એની આગળ શું કરશે દાની. ... મુખડું મધુરું.
અંગાગે કોમળતા-કયારી,
છે રોમરોમ રસની ખાણી.
સહવાસે ક્ષુલ્લક સ્વર્ગ દીસે,
એવી પ્રેમતણી છે પટરાણી. ... મુખડું મધુરું.
કેશ સુંવાળા કંકોત્રી શા,
દ્દષ્ટિ વાત કરે છે છાની.
સ્મિતમાં જીવનની સિદ્ધિ રહી,
સ્પર્શ સુધામય પણ તોફાની. ... મુખડું મધુરું.
એને સર્વસમર્પણ મેં કરિયું,
મિલ્કત મારી જીવન જાણી.
છે મંગલ એનું સૌ કાંઈ,
પણ વિરહ કરે ખૂબ જ હાનિ. ... મુખડું મધુરું.
- શ્રી યોગેશ્વરજી