તોફાન શું પવનનું, વરસાદ હેલી,
ગંગા વહે મદભરી ગિરિને અઢેલી,
છે રાતથી જ મદમસ્ત ચઢી હિલોળે,
દોડી રહી તટ મૂકી સઘળાય કોરે.
શો આજ છેક ઉમટ્યો અનુરાગ એનો,
સંદેશ મુગ્ધ મળિયો ક્ષણમાં જ કેનો?
દોડી રહી રસભરી મધુ પ્રેમવાળી,
કો અર્પવા સ્વજનને નિજ પ્રેમતાળી
એવા તમેય ચઢશો કદીયે હિલોળે ?
ભીંજવશો હૃદયને મુજ સ્નેહ-છોળે ?
અંગાંગમાં રસ ભરી મુજને મળો ને,
ત્યારે કહું પતિતપાવન હું તમોને.
- શ્રી યોગેશ્વરજી