તું સુંદરતાની મૂર્તિ !
હું સુંદરતાનો સત્ય પૂજારી, તું છે મારી સૃષ્ટિ,
સર્વ સમર્પણ કરનારો હું ભોક્તા તું છે ભુક્તિ;
સુંદરતાનો રસ પીવા દે હે મારી અનુરક્તિ ! ... તું સુંદરતાની મૂર્તિ !
તું મધુરતા તણી મૂર્તિ, ને સુખની શાશ્વત સૃષ્ટિ !
હું સુખનો શોધક, મધુરતા તણો ચાહક એક પ્રવાસી;
પીવા દે ને મધુરતા મને, જુગ જુગનો છું પ્યાસી,
સુખમાં મુજને ન્હવરાવી દે હે મારી અનુરક્તિ ! ... તું સુંદરતાની મૂર્તિ !
છે પ્રેમ તણી પ્રતિમા તું, ને તરસ્યો છું પ્રેમી હું,
છે શાંતિ તણી માતા તું, છું અશાંત ને આતુર હું;
ઢાળી દેને છાયા મુજ પર વરસ વ્હાલની વૃષ્ટિ;
કૃતકૃત્ય કરી દેને જીવન, હે મારી અનુરક્તિ ! ... તું સુંદરતાની મૂર્તિ !
તું ભાગ્યશાળી સિદ્ધિ, છે મારી મંગલ મુક્તિ;
દેવી હૃદયેશ્વરી, ભાગ્ય દે તારી સાથે સાંધી,
પ્રેમાલિંગનમાં દે મુજને સદાય માટે બાંધી
'પાગલ’ હું તારી પાછળ ચાતક, કરી દે હવે તૃપ્તિ,
ધરાઈ ધરાઈ પીવા દે રસ, હે મારી અનુરક્તિ ! ... તું સુંદરતાની મૂર્તિ !
- શ્રી યોગેશ્વરજી