ગંગા હિમાલય-સખી મધુરી વહે આ,
યોગી સમાધિરત શા પ્રિય પર્વતો આ;
ઊભા હિમાલય તણા વનરાજિ વાળા,
સોહે પ્રદેશ નવલા નિત તેમ ન્યારા.
વર્ષો થકી સતત જાય વહી અભંગા;
નૃત્યાંગના સમ દિસે રમણીય ગંગા;
દે શાંતિ, તૃપ્તિ, રસ તેમજ ભુક્તિ બુદ્ધિ,
આસક્ત થાય ન કહીં, વિસરે ન મુક્તિ.
ગંગા પ્રણામ તુજને, તુજ પ્રેરણાથી,
હું યે વહાવું જગમાં, મુજ પ્રેમવાણી;
સમૃદ્ધ કૈંક જનને કરતાં સુખી ને,
શોકે ભરી હરખ ઝેર મહીં અમીને;
આસક્ત ના થઉં કહીં, રસથી ભરીને
સંસારને સુખ લહું પ્રિયને મળીને.
- શ્રી યોગેશ્વરજી