લાગી ગયું છે મારું ધ્યાન,
મંગલમય મુખડે લાગી ગયું છે મારું ધ્યાન.
મનડું થયું છે ગુલતાન,
મંગલમય મુખડે લાગી ગયું છે મારું ધ્યાન.
વરસી રહી છે દૈવી આનંદહેલી,
ભૂલી જવાયું તેથી ભાન,
વૃત્તિઓ ટોળે વળી તન્મય થઈ ગઈ છે,
સ્વર્ગીય સુણે શબ્દો કાન,
મંગલમય મુખડે લાગી ગયું છે મારું ધ્યાન.
મધુરું રૂપાળું નથી મુખડું આના-શું કોઈ,
જોતાવેંત જ મોહ્યો છે પ્રાણ;
તૃષ્ણા ટળી કે તીખી તરસ મટી ગઈ છે,
મિલકત મળી ગઈ છે મહાન,
મંગલમય મુખડે લાગી ગયું છે મારું ધ્યાન.
રસના ફુવારા એમાં અખંડ ઊડી રહ્યા છે,
અંતર કરી રહ્યું છે સ્નાન,
સંજીવન પામી મારું જીવન ગાઈ રહ્યું છે,
ધારેથી ધન્યતાનું ગાન;
મંગલમય મુખડે લાગી ગયું છે મારું ધ્યાન.
- શ્રી યોગેશ્વરજી