તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
ગણાતી'તી જે અસાર વળી વિષ સમી તે બધી,
જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
ટળી છે કટુતા, મટી ચિંતા, હતી ગમગીન તે,
હસે છે આજે હંમેશા જિંદગી રસપૂર્ણ એ;
તમારા જ પ્રતાપથી મિલકત મળી મોંઘી ગઇ,
ઉજાણી મારે સદાની દિવાળી સાચી થઇ.
તમારી જ કૃપા થકી જીવન બની જીવન ગયું,
તમારા જ પ્રસાદથી દળદર ટળ્યું, અમૃત મળ્યું;
પદદલિતને પ્રાણ દીધો, સ્થાન મસ્તક પર ધર્યું,
તે જ દિનથી દર્દ નાઠું, અમંગલ સઘળું ટળ્યું.
કેમ વિસરું કહો તમને જિંદગી જેણે ધરી,
નદી પ્રેમલ પ્રાણની છો સિંધુ પ્રતિ જાયે સરી !
- શ્રી યોગેશ્વરજી