અરે ઓ ગાન, મહારાં ગાન !
કરીને ચુંબન તમને આજ
દઈ આલિંગન અર્પું દિવ્ય વિશ્વનાં પ્રેમી ચરણો માંહ્ય,
ભેટજો તેને તમે અગાધ, અરે ઓ ગાન, મહારાં ગાન !
ફૂલ જેવાં ઓ મારાં ગાન !
પ્રેમની નવ્ય પૂજાને કાજ,
બનો બલિ હસતાં હસતાં આજ !
કૈંકના ઉરમાં પ્રજળે આગ : કૈંકને પથ પણ ના દેખાય :
તેમને માટે ઓ મુજ ગાન ! સદા યે બની રહેજો આંખ !...અરે ઓ.
ચમકતા તારલિયા સમ ગાન
ચમકજો તમિસ્ત્રમાં હર કાલ :
ધરજો યાદ વારંવાર : માનવ હતો પ્રેમસમ્રાટ
કવિ આશાનાં ગાતો ગાન :
અને મ્લાન માનવને માટે શાંતિ ઈચ્છતો સાર્થ :
આંસુ જે આંખ મહીં છલકાય: તેનો લેતાં પ્રેમળ સ્વાદ
આવજો આજ જેમ હર કાલ !
નિરાશાને તો આશા આપજો : મરેલને દો શ્વાસ :
તિરસ્કૃત કદી જુઓ ચાંપજો તેને હૈયા સાથ :
ગોદમાં લેતાં એકલ બાલ
(જેમને હોય નહીં આરામ)
તમે પ્રેમ તણાં ગાજો ગાન ! ....અરે ઓ.
અને જો ઊઠે તમારી સાથ વિશ્વનો સુષુપ્ત કરૂણ સમાજ,
નાચજો તે દિન તો શત વાર: તમારું જીવન સાર્થક થાય:
અરે ઓ ગાન, મહારાં ગાન !
- શ્રી યોગેશ્વરજી