આજ બન્યો છું મહાન-મહાત્મા,
તોયે ગાતાં ગાતાં ગાન તહારાં, માનું છું ગૌરવ મુગ્ધ થવામાં !
ગંભીરતાના તજી પટ મારા,
આંખમાં એક લઈ ફૂલમાળા,
તારી જ યાદે મુગ્ધ થવામાં, માનું છું ગૌરવ મુગ્ધ થવામાં !
ત્યાગવિરાગના વેશથી શું આ !
છિન્નભિન્ન કરતા પડદા આ,
હૃદયને હૃદયે ધરવામાં,
એક જ આલિંગને મળવામાં, માનું છું ગૌરવ મુગ્ધ થવામાં !
સ્ત્રોત કરી સ્વર જાય વહી આ,
પ્રેમ અને કરુણાના હજારો તેમ હજારો પ્રવાહો મહીં હા,
સાધના રંગભરી, રસગંભીર શાંત મસ્તાન વહે તું હંમેશાં !
અંતર ઓ પરિતૃપ્ત !
દલે દલ ખોલ હવે આ,
વિશ્વ મહીં તારી ફોરમ સાથ વહે રસ દેતાં;
અંગ શિરાઓ : સદા રણકો કરુણારસ ગાતાં,
એના જ ગીતમાં એક થવામાં, માનું છું ગૌરવ મુગ્ધ થવામાં !
પ્રેમ મહીં ચકચૂર થઈ જા,
'પાગલ’ પ્રેમનું ગાન બની !
વિશ્વ પ્રતિ જો, વિરાટ છે પ્રેમ, તું તેમાં મળી જા !
સારાય વિશ્વને આશ્લેષ છેલ્લી બાકી રે દઈ જા !
પ્રેમ જ એક ઉપાસ્ય અહાહા,
એની સામે નતશીશ થવામાં, માનું છું ગૌરવ મુગ્ધ થવામાં !
- શ્રી યોગેશ્વરજી