ઓ મારા દેશ અભાગી ! એક વારે તું હતો બડભાગી,
તારા જ હૈયેથી સંસ્કૃતિ ફાલી, સારા ય વિશ્વે હતી અપનાવી,
સારી યે પૃથ્વી હતી જ્યારે પ્યાસી, તેં જ અમૃતની ધારા જગાવી
વારંવાર પ્રેમથી પાઇ આજ થયો તું જ કિન્તુ છે પ્યાસી ...ઓ મારા દેશ અભાગી !
‘ક્યાંથી હશે રહ્યું સર્જન આવી, કોણ હશે રહ્યું આને ચલાવી,’
તેં જ સૌથી પ્હેલા વાત ઉઠાવી, તેં જ ઉકેલ કર્યો તપ સાધી;
રાષ્ટ્ર સમાજ બધે યે તહારી વાગી સૌથી પ્હેલાં મંજુ સિતારી;
આજે પડ્યો પણ ગર્તમાં આવી ...ઓ મારા દેશ અભાગી !
ક્યાં પયગંબર પ્રેમલ તારા, જે વસુધાને હતા ચુમનારા !
વિશ્વકુટુમ્બ ગણી નિજ હાડ, તારે કાજે હસતાં ધરનારા !
ગાર્ગી ને સાવિત્રી, કૃષ્ણ તહારા, ક્યાં ગયાં ગીતા રહસ્ય મજાનાં !
આજે તારા આવા દુર્દિન ક્યાંથી ? ...ઓ મારા દેશ અભાગી !
રહેવું નથી વધુ આંસુ, વહાવી, ના તપવું વધુ યાદ જગાવી;
એક જ આશા હવે તો મહારી: તેથી રહી ધડકી નિત છાતી:
મારે જ હાથે હો તું બડભાગી: ઊઠું ફરી, જગ સારું છે પ્યાસી,
આંખ તૃષાર્ત રહેલ છે ઠારી; વિશ્વની માત તું ઊઠ—ઊભી થા,
પૂંજી તારી ન ખૂટી, ખૂટનારી: માર્ગ બતાવ તું શાંતિ વહાવી:
મારે જ હાથે હો તું બડભાગી ...ઓ મારા દેશ અભાગી !
લોકો કહે છે : હમેશ દશા આ, બુદ્ધ ઈશ કૃષ્ણ સર્વ પધાર્યા,
આજ રહી પણ પૃથ્વી સદાની તેથી નિરાશ થયે શું કમાણી !
આજનો મારો છે વારો તો માણી તેને જ લેવામાં છે જિંદગાની !
કોણ જાણે છે કે મારી જ પાસે તારી ને સૃષ્ટિની હોય ન ચાવી ?
ઉત્થાન કૈં બલિની બલિહારી જોઈ શકાયે દશા ન તહારી ...ઓ મારા દેશ અભાગી !
- શ્રી યોગેશ્વરજી