મુક્તિ-દિવ્ય અમૃત સાગરમાં ડૂબવાનું જો હોય કદી,
એવી મુક્તિની મને જરી યે નથી નથી ઇચ્છા જ રહી;
તરંગ જેમ સમુદ્ર માંહી જો હોય જવાનું વિલીન થઇ,
એવી મુક્તિની મને જરી યે નથી નથી ઇચ્છા જ રહી !
મુક્તિ ? મુક્તિ તે કોને ? આત્માને તો બંધન લેશ નથી,
શરીરથી તો મુક્ત નિયંતા પોતે પણ કોદીય નથી;
તું કાં ઇચ્છતો મુક્તિ પછીથી, સ્વાર્થ શું એવો માગ હજી?
થઇ વિલીન જવાની ઇચ્છા મને જરી યે થાય નહીં !
ફરી ફરી આ પૃથ્વીપટ પે આવવાનું છે ફરી ફરી,
જીવનનો પી જામ મસ્ત બનવા પસંદ છે ફરી ફરી;
મિથ્યા માની પાછી પાની કરવાનું જરી કામ નથી,
પૂર્ણતા મહીં મળી પૂર્ણ સાથે કરવાનો પ્રેમ હજી !
તલસે છે કૈં ક ચડાયે છે, કૈં માગે છે નીર હજી,
કૈં છે ક્ષુધાર્ત, પ્રેમ માગતા, વસુંધરા બેહાલ હજી;
સૂવાનું શેં હો તને ગમે ત્યાં, આવવાનું છે હજી હજી,
પૃથ્વીના હૃદયે રમવાને આવવાનું છે હજી હજી !
નથી જરી કંટાળ્યો લીલા કરી જરી યે જીવનથી,
કાયાને બદલીશ વસ્ત્રની જેમ સ્મિતેથી ભલે કદી,
કિન્તુ ફરીથી આવવાનું છે યુગો યુગો લગ ફરી ફરી,
ભારતની ગોદે પૃથ્વીને માટે આવવું ફરી ફરી !
- શ્રી યોગેશ્વરજી