નથી અમે તો જોગી રે જોગીડા !
ભૂલમાં મા પડી જા !
ક્યાં અમારે જોગી ગુરૂ, ક્યાં છે અમારે ક્રિયા,
ક્યાં છે અમારી વિરજા,
ક્યાં છે નેતી ને ધોતી, ક્યાં છે વજ્રોલી વ્હાલા,
પ્રાણાયમે ક્યાં જરા ? ... નથી અમે
ક્યાં છે શંકરના જેવી ભભૂતિ લગાવી,
સૂકાં જટાનાં જૂથ ક્યાં ?
ક્યાં છે પંચાગ્નિ, ક્યાં છે કુંડલિની ક્રિયાઓ,
દૈવી અવાજો ગેબના ? ... નથી અમે
મા તું કહે અમોને જોગી, ઓ વ્હાલા જોગી !
લેવા અમારે જોગ ના:
અમને તો પ્રેમી કહેજે, જોગી શિષ્યો અમારા
જોગીના શીશ પે વિરાજ્યા ! ... નથી અમે
- શ્રી યોગેશ્વરજી