તમારી મિલકત થકી ના વધારે ઇચ્છું,
એક કોડી ફકત આપો એટલું ઇચ્છું,
એ થકી દળદર જશે મારું બધુંય મરી,
દીનતા કોટિ જનમની જશે સર્વ ટળી.
તમારા સૌંદર્યથી ના વધારે ચાહું,
સ્વલ્પ છાયા ફકત ઢાળો એટલું ચાહું.
થશે તેનાથી વિનષ્ટ કુરૂપતા સઘળી,
ચમકશે અંગાગ સજતાં શ્રી અપાર ખરી.
તમારી પ્રજ્ઞા થકી ના વધારે ઝંખું,
એક આપો કિરણ પ્રેમે એટલું ઝંખું.
એટલાથી અંધકાર જશે સમસ્ત ટળી,
જ્યોતિનો પંથ પ્રકટશે મુજને પ્રકાશ કરી.
શક્તિના ભંડારથી ના વધારે યાચું,
સ્વલ્પ વરસો તે થકી હું એટલું યાચું.
દેહ દુર્બળ જશે એના સ્પર્શ થી જ ફરી,
તમારા જેવું રહે ઐશ્વર્ય સાચે મળી.
કૃપાના ભંડારથી પણ સ્વલ્પ ના ઇચ્છું,
પ્રેમ પારાવારથી પણ સ્વલ્પ ના ઇચ્છું,
પ્રેમ વરસાવો સદા મર્યાદને વિસરી,
કૃતાર્થ કરો કૃપામૃત હૈયે હંમેશ ભરી.
- શ્રી યોગેશ્વરજી