દે પ્રેમનું ગીત જગાવી. હૃદયબીનના તાર ઉપર દે,
પ્રેમનું ગીત જગાવી ....દે પ્રેમનું
ઉત્સાહ થકી સજ્જ બનીને, ચિન્તા બધી ફગાવી,
આશાને રથ સવાર થઈને, લગની પૂર્ણ લગાવી ....દે પ્રેમનું
નીરસ જીવન રસમય થાશે, જડતા મટશે સારી,
બીન બન્યું બેસૂર છોડશે, રસ સુરાવલી ન્યારી ....દે પ્રેમનું
પ્રેમદેવની કરી પ્રતિષ્ઠા, મનમંદિરમાં તારા,
આરતિ અખંડ કર તો તૂટે તારાં બંધન તાળાં ....દે પ્રેમનું
દ્વેષ વેર ને ભેદભાવના તુજને રહી સતાવી,
અશાંતિ તેમજ મટશે સાચે, તાપ રહેલ તપાવી ....દે પ્રેમનું
સુખકારક ને શાંતિ પ્રદાયક ગતને લે તું ગાઈ,
‘પાગલ’ બની ડૂબી જા રસમાં, દર્દ રહે ના કાંઈ ....દે પ્રેમનું
- શ્રી યોગેશ્વરજી