if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : આત્મસાક્ષાત્કાર કરી ચૂકેલા પુરુષને કેવી રીતે ઓળખી શકાય ?
ઉત્તર : આત્મસાક્ષાત્કાર કરી ચૂકેલા મહાપુરુષને ઓળખવા માટે દિવ્ય દૃષ્ટિ જોઈએ. એના વિના એમને ઓળખવાનું કાર્ય અતિશય અઘરું અથવા અશક્ય જેવું છે. તો પણ સામાન્ય રીતે એવું કહી શકાય કે શાસ્ત્રોમાં એમને ઓળખવા માટે મદદરૂપ થાય એવાં કેટલાંક લક્ષણો કહ્યાં છે. એ લક્ષણો પરથી એમને ઓળખવાનું સહેલું થઈ પડે છે.

પ્રશ્ન : એ લક્ષણો કયાં કયાં છે?
ઉત્તર : એમની વિસ્તૃત ચર્ચા કરવાનું અહીં અસ્થાને છે, તો પણ એમનું વિહંગાવલોકન કરવાનું અનુચિત નહીં લેખાય. આત્મસાક્ષાત્કાર કરી ચૂકેલા મહાપુરુષનું પ્રથમ મહત્વનું લક્ષણ એમનો અખંડ આત્મભાવ હોય છે. એ ગમે ત્યાં રહે અને ગમે તે કરે તો પણ સદા આત્મસ્થ રહે છે. એમના મનનું કેન્દ્રીકરણ એક અખંડ આત્મામાં જ થયેલું હોય છે; અને એમનો આત્મભાવ કાયમ રહે છે. એ આત્મામાં સ્થિતિ કરે છે અને સર્વત્ર સૌ કોઈમાં આત્માને જ જુએ છે. એને લીધે એ શોક તથા મોહમાંથી, રાગદ્વેષમાંથી મુક્તિ મેળવે છે. એના પરીણામે એ પરમ શાંતિને અનુભવે છે અથવા પરમશાંતિનો સ્વામી બને છે. એમને પરમાત્માની અંદરથી જ પરમસુખની પ્રાપ્તિ થાય છે, સંસારના અનિત્ય પદાર્થોની ઈચ્છા, તૃષ્ણા કે વાસના એમના મનમાં રહેતી નથી.

પ્રશ્ન : એવા મહાપુરુષો અત્યારે કોઈ હશે ખરા ?
ઉત્તર : એવા મહાપુરુષો અત્યારે પણ છે, એમનો આત્યંતિક અભાવ કોઈ પણ કાળમાં નથી હોતો. ઈશ્વરની કૃપાથી એવા મહાપુરુષોનો સમાગમ સહેલાઈથી થઈ રહે છે. ભારતમાં એવા મહાપુરુષોનો આવિર્ભાવ અવારનવાર થતો જ રહે છે. એમનું દર્શન કોઈને કોઈ કારણે ના થાય એટલે એમનો અભાવ છે એવું નથી સમજી લેવાનું. એમના દર્શન કે સમાગમની સાચી ઈચ્છા હોય છે તો તેમનો દેવદુર્લભ લાભ મળી રહે છે અને એમનો અનુગ્રહ થાય છે.

પ્રશ્ન : આત્મસાક્ષાત્કાર કરી ચૂકેલા મહાપુરુષોમાં સિદ્ધિઓ હોય છે ? એમનામાં જુદી જુદી સિદ્ધિઓ હોવી જોઈએ એ વાત સાચી છે ?
ઉત્તર : ના, સંપૂર્ણપણે સાચી નથી. આત્મસાક્ષાત્કાર કરી ચૂકેલા મહાપુરુષોમાં જુદી જુદી સિદ્ધિઓ હોય છે, કે હોવી જોઈએ એવો કોઈ ચોક્કસ નિયમ નથી. સૌથી શ્રેષ્ઠ અને આશીર્વાદરૂપ સિદ્ધિ આત્માસાક્ષાત્કારની સિદ્ધિ છે. એ સિદ્ધિને સંપાદન કરીને પોતાના જીવનને સફળ કે કૃતાર્થ કરવા માટે જ મહાપુરુષો મહેનત કરે છે. બીજી કોઈ નાની કે મોટી સિદ્ધિને મેળવવાની ઈચ્છા એમને હોતી નથી. બીજી સિદ્ધિઓ, શક્તિઓ કે વિભૂતિઓને એ ગૌણ ગણે છે કે સાધારણ સમજે છે, અને માને છે કે એમનાથી સાચું આત્મકલ્યાણ થઈ શકતું નથી. કેટલીક વાર સાધક જો જાગ્રત ન હોય તો આત્મકલ્યાણમાં અંતરાય પણ ઉભો થાય છે.

આત્મસાક્ષાત્કાર માટે બીજી સિદ્ધિઓ અનિવાર્ય નથી. આત્મસાક્ષાત્કાર કરી ચૂકેલા મહાપુરુષોમાં કોઈકવાર કોઈ કારણે કેટલીક સિદ્ધિઓ દેખાય છે ખરી, પરંતુ એમને એ વિશેષ મહત્વ નથી આપતા. સાધનાત્મક જીવનનું મુખ્ય લક્ષ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ કરવાનું નથી; પરંતુ સિદ્ધિઓના સ્વામી અથવા અધિષ્ઠાતા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનું છે. એ લક્ષ્યનું એમને સતત સ્મરણ રહે છે. એનાથી વંચિત ના થવાય કે ચ્યુત ના બનાય એનું એ સદા ધ્યાન રાખે છે.

પ્રશ્ન : કોઈક વ્યક્તિ બીજા કોઈને આત્મ સાક્ષાત્કાર કરાવી શકે ?
ઉત્તર : કોઈ કોઈને આત્મ સાક્ષાત્કાર કરવા માટે મદદરૂપ બની શકે, પરંતુ કોઈક વિરલ અપવાદરૂપ ઉદાહરણ સિવાયના બીજા સાધકોએ તો પોતાની મેળે જ આત્મ સાક્ષાત્કાર કરવો જોઈએ. બીજા પોતાને માટે એવું અગત્યનું કલ્યાણ કાર્ય કરી આપે એવી અપેક્ષા શા માટે રાખવી જોઈએ ? પરમાત્માની કૃપાથી પોતે જ બધું કરી છૂટવું જોઈએ.

પ્રશ્ન : મહાપુરુષો અનુગ્રહ ના કરી શકે ?
ઉત્તર : કરી શકે, પરંતુ એને માટેની યોગ્યતા, સુયોગ્ય ભૂમિકા જોઈએ. એ કોઈની ઉપર એમને એમ કોઈપણ પ્રકારના કારણ વિના અનુગ્રહનો વરસાદ શા માટે વરસાવે ? કાર્યકારણ ભાવના નિયમ વિના તો કશું થઈ શકતું નથી. મહાપુરુષોના અનુગ્રહની આકાંક્ષાવાળા સાધકે સૌથી પ્રથમ તો એમનું મંગલ માર્ગદર્શન મેળવીને સાધના કરવી જોઈએ. સુદીર્ઘ સમયની સાધના પછી, સુયોગ્ય ભૂમિકાનું નિર્માણ થયા પછી, આપ્તકામ પરમાત્મદર્શી મહાપુરુષોનો અનુગ્રહ સાધકની આવશ્યકતા અનુસાર આપોઆપ થઈ રહેશે. એવી સાધનાત્મક ભૂમિકા અથવા યોગ્યતા વિના થનારા અનુગ્રહનું મૂલ્ય કે મહત્વ નહિ સમજાય. એવો અનુગ્રહ થશે તો પણ એને જીરવી શકાશે નહિ.

પ્રશ્ન : મહાપુરુષો એમના અસાધારણ અનુગ્રહથી આપણી અંદર સાધનાત્મક ભૂમિકા કે યોગ્યતાનું નિર્માણ ના કરી શકે ?
ઉત્તર : કરી શકે. પરંતુ એ એવું નિર્માણ શા માટે કરે ? કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના એમની પાસેથી એવી આશા રાખવી અસ્થાને છે અને અનુચિત છે. એવી અપેક્ષા વધારે પડતી છે.

પ્રશ્ન : એ કરૂણાર્દ્ર નથી હોતા ?
ઉત્તર : હોય છે. તો પણ એ પોતાની કરૂણાનો દુરુપયોગ કરે એવી આશા એમની પાસેથી ના રાખી શકાય. એમની કરૂણાનો દુરઉપયોગ થાય એવી આશા આપણે શા માટે રાખવી જોઈએ ? એ કરૂણાર્દ્ર હોય છે એનો અર્થ એવો નથી કે વિવેકી નથી હોતા અને આંખ મીચીને જેમ ફાવે તેમ મનસ્વી રીતે બધું કર્યે જાય છે. કોના પર ક્યારે કેટલા પ્રમાણમાં કૃપા કરવા જેવી છે, તેને એ સારી પેઠે સમજે છે. પોતાની સ્વતંત્ર સમજણને અનુસરીને સમય પર વર્તે છે પણ ખરા.

પ્રશ્ન : આત્મસાક્ષાત્કારી મહાપુરુષો લોકહિત માટેના સેવાનાં કાર્યો કરી શકે ?
ઉત્તર : એમની ઈચ્છા હોય તો જરૂર કરી શકે. આમ તો એમની ઉપસ્થિતિ જ કલ્યાણકારક ઠરે છે અને અન્યને માટે પ્રેરણાદાયક બને છે. એમના દર્શન અને એમની સાથેના સંભાષણથી સૌ કોઈને નવજીવન માટેની પ્રેરણા મળે છે. એ એમની મોટામાં મોટી અને મૂંગી સેવા જ છે. તે છતાં પણ એમની પ્રકૃતિ, રુચિ, પસંદગી કે પરમાત્માની પ્રેરણા પ્રમાણે એ લોકહિતનાં બીજાં કામો પણ કરી શકે છે.

પ્રશ્ન : એ એમને માટે બાધક કે બંધનકારક નથી બનતાં ?
ઉત્તર : ના, નથી બનતાં. જેમ અગ્નિને ઉધેઈ નથી લાગતી અને મણીને મેલ નથી લાગતો, તેમ એવાં કર્મોની શુભાશુભ અસરો એમના પર કદાપિ થતી નથી. એ સદા અહંભાવરહિત, અકર્તા અને અલિપ્ત રહે છે. એમની મુદ્રાવસ્થામાં કશો ફેર પડતો નથી.

પ્રશ્ન : એવા મહાપુરુષો કર્મ કરે એ ઈચ્છનીય છે ?
ઉત્તર : પુરુષ પોતાને જ માટે જીવે એને બદલે બીજાને માટે જીવે તથા લોકકલ્યાણનાં કર્મો કરે એ બધી રીતે ઈચ્છનીય, આવકારદાયક, આશીર્વાદરૂપ છે. આત્મસાક્ષાત્કારી મહાપુરુષો એમાં અપવાદરૂપ છે એવું ના કહી શકાય. બીજી રીતે વિચારીએ તો એવા મહાપુરુષો જે કર્મો કરે છે તે કર્મો વધારે પ્રાણવાન હોય છે. એ કર્મો કરે છે તો પણ અહંકારરહિત થઈને, રાગદ્વેષ રહિત બનીને કરે છે. એ કર્મો એમને માટે બંધનકારક નથી બનતાં, પરંતુ અન્યને માટે ઉપયોગી અને ઉપકારક ઠરે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.