પ્રશ્ન : ઈશ્વરની સ્તુતિ કરવાથી ઈશ્વર પોતાના નિયમોને છોડીને પણ પાપમુક્તિ આપે છે ?
ઉત્તર : ઈશ્વરને માટે પોતાના નિયમો છોડવાનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. એ જે કાંઈ કરે છે તે પોતાની નિશ્ચિત નિયમને અનુસરીને જ કરે છે. પાપી અથવા અપરાધી પુરુષ ઈશ્વરનું શરણ લે, ઈશ્વરનું સ્મરણ કરે, અને પોતાનાં પાપકર્મ, દોષ અથવા અપરાધને માટે સાચા દીલથી પશ્ચાતાપ કરીને એનું પુનરાવર્તન ન કરવાનો સંકલ્પ કરે તો ઈશ્વરની કૃપાથી પાપમુક્ત બની જાય છે. ઈશ્વરની દુનિયાનો એ પણ એક પ્રસ્થાપિત પરંપરાગત નિયમ જ છે.
ગીતામાં સ્પષ્ટ શબ્દોમાં નિશ્ચયાત્મક રીતે કહેવામાં આવ્યું છે કે કોઈ સુદુરાચારી પણ જો મને અનન્યભાવે ભજે છે તો તે સત્પુરુષ જ કહેવાય છે. એ થોડા જ વખતમાં ધર્માત્મા બને છે. સનાતન શાંતિને મેળવી લે છે. હે અર્જુન, મારો ભક્ત કદી વિનાશ પામતો નથી. મારું શ્રદ્ધાભક્તિપૂર્વકનું શરણ લઈને પાપયોનીમાં જન્મેલા જીવો સ્ત્રીઓ, વૈશ્યો તથા શુદ્રો પણ સર્વોત્તમ પદને પામી લે છે. તો પછી સત્કર્મપરાયણ શીલવાન સદાચારી બ્રાહ્મણો, ભક્તો અને રાજર્ષિઓનું કહેવું જ શું ? આ પરિવર્તનશીલ, અનિત્ય, સંપૂર્ણ સુખશાંતિથી રહીત મૃત્યુલોકને મેળવીને મને જ ભજ.
જે ઈશ્વરનું શરણ લે છે તે સ્વાભાવિક રીતે જ એમની મદદ મેળવે છે.
પ્રશ્ન : ઈશ્વરની સ્તુતિ કેવી રીતે કરવી જોઈએ ?
ઉત્તર : ઈશ્વરની સ્તુતિ તદ્દન સહજ રીતે થવી જોઈએ અને બને તેટલા વધારે ને વધારે ભાવપૂર્વક કરાવી જોઈએ. એ પોતાની સ્વાભાવિક ભાષામાં કોઈપણ પ્રકારની કૃત્રિમતા કે દાંભિકતા સિવાય થવી જોઈએ.
પ્રશ્ન : મોક્ષ અથવા મુક્તિ એટલે શું ? તેને પ્રાપ્ત કરવાનાં સાધનો કયાં કયાં છે ?
ઉત્તર : મોક્ષ અથવા મુક્તિ એટલે અવિદ્યામાંથી છૂટીને સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો અથવા પરમાત્માનો અપરોક્ષ અનુભવ કરવો તે. અવિદ્યાને લીધે એના જ પરીણામે અહંતા, મમતા, આસક્તિ, વાસના, લાલસા, કામના, રાગદ્વેષાદિનો જન્મ થાય છે. એમાંથી છૂટવામાં આવતાં આત્મદર્શન દૂર નથી રહેતું. પરમાત્માનો સાક્ષાત્કાર સહજ બને છે.
મુક્તિની પ્રાપ્તિ માટે આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ, ભગવન્નામસ્મરણ, પ્રાર્થના, આત્મજ્ઞાન, સંતકૃપા તથા ઈશ્વરના અસાધારણ અલૌકિક અમોઘ અનુગ્રહનાં સાધનો મુખ્ય છે. એ સાધનોની સહાયતાથી મુક્તિના ધારેલા લક્ષ્યાંકની સિદ્ધિ સહેલાઈથી થઈ શકે છે.
પ્રશ્ન : ઈશ્વરની સ્તુતિ કરવાનું કાર્ય અનિવાર્ય છે ?
ઉત્તર : અનિવાર્ય છે એવું તો કેવી રીતે કહી શકાય ? ભક્તિમાર્ગમાં ઈશ્વરની સ્તુતિ કરવાનું સહજ આવશ્યક અને કલ્યાણકારક મનાય છે. ભક્ત સ્વાભાવિક રીતે સ્તુતિ કરે છે. જ્યાં સુધી ઈશ્વરની સ્તુતિ કરવાનું આવશ્યક લાગે છે ત્યાં સુધી સ્તુતિ કરવામાં કશી હરકત નથી. પછી એવી આવશ્યકતાની પ્રતીતિ ના થતાં, સ્તુતિની પ્રવૃતિ અનાયાસે આપોઆપ છૂટી જશે. સાધક પોતાના સાધનાત્મક લાભને માટે સ્તુતિ કરે છે, ઈશ્વરના સ્વાર્થ-લાભ માટે નથી કરતો.