પ્રશ્ન : જાહેર અન્નક્ષેત્રોમાં ભિક્ષા લેનારા સાધુપુરુષો સારા નથી હોતા ? કેટલાક મહાનુભાવોનું મંતવ્ય એવું છે કે એવા લોકો સાધુપુરુષો નથી હોતા, તો એ બાબત આપનો શો અભિપ્રાય છે ?
ઉત્તર : જાહેર અન્નક્ષેત્રોમાં ભિક્ષા લેવા આવનારા સાધુપુરુષો સારા નથી હોતા એવું માની લેવાનું કોઈ કારણ નથી. જેમને આવશ્યકતા હોય એવા સાધુપુરુષો ભોજન માટે અન્નક્ષેત્રની વ્યવસ્થાનો આધાર લે તેમાં કશું ખોટું નથી. લોકો એમને એટલાથી જ આશંકા, ઉદાસીનતા કે તિરસ્કારની નજરે નિહાળે તે બરાબર નથી. એવા સાધુપુરુષોમાં કોઈ કોઈ સાધુપુરુષો ઉચ્ચ કક્ષાના પણ હોય છે. એ અસાધારણ શાસ્ત્રજ્ઞાન, વિદ્વત્તા, પાંડિત્ય, બૌદ્ધિક પ્રતિભા તેમજ શીલથી સંપન્ન હોય છે. કેટલાકની અંદર આત્મવિકાસની સાધનાની ઊંડી રુચિ હોય છે. એટલે સાધુ કે સંતપુરુષને માટે કોઈપણ પ્રકારનો નિર્ણય બાંધતા અથવા અભિપ્રાય આપતાં પહેલાં, એમના બાહ્ય સ્વરૂપને જ જોવાને બદલે, એમનો પરિચય કેળવીને એમના વિચાર, ભાવ અને વ્યવહારને અવલોકવાની આવશ્યકતા છે. અન્નક્ષેત્રોનો લાભ કેટલાક કુપાત્ર કે ભજનવિમુખ પુરુષો લેતા લાગતા હોય તો પણ અમુક સુપાત્ર અને ભજનાનંદી પુરુષો પણ લેતા હોય છે એ ખાસ યાદ રાખવા જેવું છે.
પ્રશ્ન : તમે અન્નક્ષેત્રોની તરફેણમાં છો ?
ઉત્તર : હું અન્નક્ષેત્રોની તરફેણમાં છું એવું નથી કહી શકતો. અન્નક્ષેત્રોની વિરુદ્ધમાં છું એવું પણ નથી કહેતો. આદર્શ સમાજમાં અન્નક્ષેત્રોની આવશ્યકતા નથી હોતી. અન્નક્ષેત્રોનો આધાર કોઈને લેવો જ ના પડે એવી પરિસ્થિતિ પેદા ના થાય ત્યાં સુધી અન્નક્ષેત્રો રહેવાનાં, અને રહે, અને અન્યની સેવા કરે તો એમાં કશું ખોટું નથી. એમને સુધારવાની, આધુનિક આકાર આપવાની અને સમયોચિત સેવાકેન્દ્રોમાં ફેરવવાની આવશ્યકતા છે.
પ્રશ્ન : અન્નક્ષેત્રોની સાથે કોઈક સેવાની પ્રવૃતિ જોડી દેવામાં આવે તો ?
ઉત્તર : તો તેવી પ્રવૃતિ હિતકારક કહેવાય અને ઉપયોગી થઈ પડે. એવી પ્રવૃતિમાં ભાગ લેવાનું ફરજીયાત હોવાને બદલે મરજીયાત કે સ્વૈચ્છિક હોવું જોઈએ. એનું એક કારણ એ છે કે અન્નક્ષેત્રોમાં જે ધન આપવામાં આવે છે તે અન્ન અથવા ભોજનને માટે જ આપવામાં આવે છે; બીજી પ્રવૃતિઓને માટે આપવામાં આવતું નથી. અન્નક્ષેત્રોનું નામ સેવાક્ષેત્રો રાખીને અન્નદાનની પ્રવૃતિને એક સહપ્રવૃત્તિ તરીકે સ્થાન આપવાથી એ ક્ષેત્રો વધારે સારી રીતે કાર્ય કરે અને અધિક ઉપયોગી અથવા આશીર્વાદરૂપ બને, એ દિશામાં જેટલું પણ કરી શકાય તેટલું કરવાની આવશ્યકતા છે.
પ્રશ્ન : અન્નદાન સૌથી શ્રેષ્ઠ દાન છે એ સાચું છે ?
ઉત્તર : આંશિક રીતે સાચું છે. અન્નદાનનો મહિમા ઘણો મોટો છે. ભૂખ્યાંને ભોજન આપવા જેવું ઉત્તમ આશીર્વાદરૂપ કાર્ય બીજું કોઈ જ નથી. પરંતુ દાનના અન્ય પ્રકારો પણ એવા જ ઉપયોગી અને આશીર્વાદરૂપ છે. એ પ્રકારોમાં વસ્ત્રદાન, ઔષધિદાન, ભૂમિદાન, વિદ્યાદાન જેવાં દાનોનો સમાવેશ કરી શકાય. વિદ્યાદાનની અને એમાંય ખાસ કરીને આત્માનું અભ્યુત્થાન કરનારી અને આત્મશાંતિને અર્પનારી અધ્યાત્મવિદ્યાના દાનની મહત્તા સૌથી મોટી છે. એની ઉપેક્ષા કદાપિ કોઈ પણ દાનના ભોગે ના કરી શકાય.