પ્રશ્ન : કોઈ સાધકની અંદર કુંડલિની શક્તિનું જાગરણ થયું છે એવું ક્યારે કહી શકાય ? કુંડલિની શક્તિની જાગૃતિના લક્ષણો કેવાંક હોઈ શકે ?
ઉત્તર : કુંડલિની શક્તિની જાગૃતિના લક્ષણો યોગના ગ્રંથોમાં કહી બતાવવામાં આવ્યાં છે. પરંતુ તે બધાં જ લક્ષણો વધારે ભાગે અનુભવગમ્ય છે. જેની અંદર કુંડલિની જાગૃત થાય છે, તેને તેમનો અનુભવ થઈ શકે છે, એટલે સ્વાભાવિક રીતે જ બીજાને તો તેના વિષે માહિતી મેળવવાની રહે.
યોગના ગ્રંથોમાં કહ્યા પ્રમાણે કુંડલિની જાગ્રત થાય પછી સાધકને પોતાની સાધનામાં ઉંડો રસ આવે છે, શાંતિ મળે છે, અને આનંદનો અનુભવ થાય છે. સાધનાની એકાગ્રતા તેને માટે સહજ બને છે, કોઈ કોઈ વાર તેના મેરૂદંડમાં ટકોરા પડતા હોય એવો અવાજ થાય છે અથવા તો કીડીની પંક્તિ ઉપર ચઢતી હોય તેવું લાગ્યા કરે છે. તેનાં મળમૂત્ર અલ્પ થઈ જાય છે, અને તેની આંખ તેમજ મુખાકૃતિ કાંતિ તથા સૌમ્યતા ધારણ કરે છે.
પ્રશ્ન : કુંડલિની શક્તિની જાગૃતિનો અનુભવ દરેકને માટે થાય છે ખરો ?
ઉત્તર : કોઈકને થાય છે ને કોઈકને નથી થતો, એ સંબંધી સર્વસામાન્ય નિયમ નથી. પરંતુ એ શક્તિની જાગૃતિને પરિણામે જે લક્ષણો પ્રકટ થાય છે તે લક્ષણોનો અનુભવ તો સૌને થાય છે જ, એ વિશે બેમત નથી.
પ્રશ્ન : કુંડલિનીને જોઈ શકાય ખરી ?
ઉત્તર : ઈશ્વરની કૃપા હોય તો તમે તેને તમારાં આંતરચક્ષુથી તમારી અંદર કેવળ ધ્યાનાવસ્થામાં જોઈ શકો. એ એટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે કે તેને સ્થૂલ દૃષ્ટિથી ના જોઈ શકાય. રામકૃષ્ણ પરમહંસદેવને ધ્યાનમાં કુંડલિનીનું દર્શન થયું હતું, એવું એમના વાર્તાલાપમાં આવે છે. મૂલાધાર ચક્રમાંથી ઉપર ઉઠીને ઉર્ધ્વગામી બનેલી કુંડલિની કેવી રીતે ભ્રૂમધ્ય અથવા તો આજ્ઞાચક્ર સુધી પહોંચી તેનું વર્ણન એમણે સ્વમુખે કરેલું છે. ઈશ્વરની કૃપાથી મને પણ ઈ.સ. ૧૯૪૪ માં બરાબર એવો જ અનુભવ થયો હતો. તે પ્રમાણે કોઈને પણ થઈ શકે. અલબત્ત તેને માટે લગન હોવી જોઈએ.
પ્રશ્ન : કુંડલિની-જાગરણ વિના સાધનાના ક્ષેત્રમાં આગળ વધી જ ના શકાય ?
ઉત્તર : વધી શકાય જ નહિ એવું નથી. હૃદયશુદ્ધિ, પ્રાર્થના, જપ કે ધ્યાનની દિશામાં એ વિના પણ આગળ વધી શકાય છે, પરંતુ વધારે આગળના ને નક્કર વિકાસ માટે કુંડલિનીની જાગૃતિ કરવી જોઈએ. એ બાબત મારી તમને સલાહ છે કે કુંડલિનીની વિશેષ ચિંતા વિના, તમે તમારી સાધના કરતા રહો. એ સાધનાને પરિણામે તમને ખબર પણ નહિ પડે એવી રીતે, તમારી કુંડલિની શક્તિ આપોઆપ જાગી જશે. ભક્તો તથા જ્ઞાનીઓની કુંડલિની એ રીતે જ જાગતી હોય છે. તેને માટે સભાન પ્રયાસ કરવો જ હોય તો શીર્ષાસન, સર્વાંગાસન, પશ્ચિમોત્તાનાસન જેવા આસનોનો તથા ભસ્ત્રિકા પ્રાણાયામનો આધાર લો. વિશુદ્ધ જીવન જીવવાનો પ્રયાસ કરતા રહીને પરમાત્માને માટેનો પ્રેમ પણ કેળવતા રહો. તેથી ખૂબ ખૂબ મદદ મળશે ને કામ સહેલું બનશે.
પ્રશ્ન : કુંડલિની શક્તિની જાગૃતિ કરી આપનારા કોઈ યોગીપુરષ અત્યારે હયાત હશે ખરા ? તમને એવા કોઈ યોગીનો પરિચય હોય તો તેમના નામઠામની માહિતી આપી શકશો ખરા ?
ઉત્તર : મારા ધ્યાનમાં એવા બે-ત્રણ યોગીપુરુષો છે, પરંતુ તેઓ મોટે ભાગે વિચરણ કરતા રહે છે એટલે એમના રહેઠાણ વિશે ચોક્કસ માહિતી આપી શકતો નથી. મારી તો તમને એટલી જ સૂચના છે કે કોઈ બીજાની પાસેથી કુંડલિની શક્તિની જાગૃતિ કરાવવાની ઇચ્છા રાખવાને બદલે તમારા પોતાના પ્રામાણિક પ્રયાસના પરિણામરૂપે એને સ્વાભાવિક રીતે જ જાગવા દો. એ તમારા વિશેષ લાભમાં છે. જે પુરુષો કુંડલિનીને જગાડે છે, તે પણ એની કાયમી અથવા અખંડ જાગૃતિની બાંયધરી નથી આપી શકતા. એમની દ્વારા જગાડવામાં આવેલી કુંડલિની કેટલાક અપવાદોને બાદ કરતાં ફરી વાર શાંત પણ થઈ જાય છે. માટે કોઈપણ જાતની ઉતાવળ કર્યા વિના જપ, ધ્યાન કે પ્રાર્થનાની મદદથી કુંડલિની શક્તિને સહજ રીતે જાગવા દો.
પ્રશ્ન : કુંડલિનીની જાગૃતિ આત્મવિકાસ માટે અનિવાર્ય નથી ?
ઉત્તર : કુંડલિનીની જાગૃતિ અનિવાર્ય હોય તો પણ આપોઆપ થશે. આત્મવિકાસને માટે વધારે ઉપયોગી અને અનિવાર્ય વસ્તુ તો તમારા પોતાના સ્વભાવની શુદ્ધિ, સાત્વિકતા, ઉત્તમતા અને તમારી પોતાની અંતરંગ સાધના છે. શાંતિ તથા સિદ્ધિ એથી જ મળી શકશે. આત્મ સાક્ષાત્કાર પણ એથી જ શક્ય બનશે. કોઈ તમારી કુંડલિનીને જગાડી આપશે તો પણ તેટલાથી જ કાંઈ જીવનના વિકાસને માટે જરૂરી, બધું કામ પૂર્ણ નથી થઈ જતું. એનાથી આગળનું કામ તો તમારે જ કરવું પડશે. કુંડલિની શક્તિની જાગૃતિથી બીજા કેટલાક લાભ થશે, પરંતુ મનની નિર્મળતા, સંસારના વિષયો પરથી ઉપરામતા, ને ઈશ્વરપ્રેમનું પ્રાકટ્ય નહિ જ થઈ શકે. એ માટે અલગ અભ્યાસની જરૂર રહેશે એ યાદ રાખજો. એ પણ ના ભૂલતા કે આત્મવિકાસમાં એ અત્યંત અનિવાર્ય છે.