પ્રશ્ન : જુદા જુદા મંત્રો વિશે જુદા જુદા માણસો અથવા તો આચાર્યો જુદા જુદા અભિપ્રાયો આપે છે. કોઈ એક મંત્રજપને શ્રેષ્ઠ કહે છે, તો કોઈ બીજાને. મને લાગે છે કે પોતપોતાની રુચિ પ્રમાણેના મંત્રને સૌ શ્રેષ્ઠ કહેતા હશે. પરંતુ મુશ્કેલી એ ઉભી થઈ છે કે કોઈ એક મંત્રજપની પસંદગી કરીને તેને વળગી રહેવાનું મારે માટે કઠિન બન્યું છે, તો મારે કયા મંત્રજપનો આધાર લેવો ? અને કયો મંત્ર શ્રેષ્ઠ છે ?
ઉત્તર : જુદા જુદા સાધકો કે આચાર્યો પોતપોતાની પસંદગી પ્રમાણેના મંત્રને શ્રેષ્ઠ માને અને બીજાને તે જપવાની ભલામણ કરે એ સમજી શકાય તેવું છે. મનુષ્યનો એ સહજ સ્વભાવ છે. પરંતુ મારી સમજ પ્રમાણે બધા જ મંત્રો શ્રેષ્ઠ છે, કારણ કે એ પરમાત્માના વાચક છે. એમની અંદર ઉત્તમ અથવા તો અધમ અને શ્રેષ્ઠ કે કનિષ્ઠના ભેદ પાડવાની જરૂર નથી. બધા જ મંત્રો એકસરખા શક્તિશાળી છે. તેમજ પરમાત્માનો પ્રેમ પ્રકટાવીને પરમાત્માની પ્રાપ્તિ કરાવવાની શક્યતા ધરાવે છે. ફકત તમને તેની અંદર પ્રેમ અને વિશ્વાસ હોવાં જોઈએ, તથા લાંબા વખત લગી તમારે એકધારો એમનો આધાર લેવો જોઈએ.
જુદા જુદા માણસોના અભિપ્રાયોથી દોરવાઈ જવાને બદલે, તમારી પ્રકૃતિ પ્રમાણે તમને જે ઠીક લાગે તે કોઈપણ એક મંત્રને પસંદ કરો, અને એને લાંબા વખત લગી વળગી રહો. તો એનો ચમત્કારિક લાભ તમને જરૂર મળશે. તમને ખબર નથી કે વાલ્મીકિએ રામ મંત્રનો ઉલટો જપ કર્યો હતો ? છતાં પણ પ્રેમ ને શ્રદ્ધાને લીધે તે મંત્ર તેમને માટે સર્વોત્તમ પૂરવાર થયો તથા તેમને રામનો સાક્ષાત્કાર કરાવી શક્યો હતો. માટે ખોટા તર્કવિતર્ક કરીને સંદેહમાં ના પડો.
પ્રશ્ન : કોઈ એક મંત્રની પસંદગી ન થઈ શકે તો શું કરવું ?
ઉત્તર : અનુભવી પુરુષની સલાહ લેવી અથવા તો મંત્રની પસંદગીમાં એમની મદદ મેળવવી. એથી કામ સહેલું થશે.
પ્રશ્ન : પરંતુ કોઈ અનુભવી પુરુષ ના મળે તો શું કરવું ?
ઉત્તર : ન મળે એવું બને જ નહિ. પૃથ્વી ઘણી વિશાળ છે અને જેવા જોઈએ તેવા પુરુષો એમાં મળી રહે છે. ફકત એમને મેળવવા માટેની પ્રામાણિક ઈચ્છા, ઝંખના, લગન કે તરસ જોઈએ, તો તે જરૂર મળે છે. કદાચ એમને મેળવવામાં વિલંબ થાય પરંતુ એમના મળવામાં તો સંદેહ નથી જ. ત્યાં સુધી તમને જે વધારે યોગ્ય લાગે તે એક મંત્રને પસંદ કરીને તેના જપ કરવાનું ચાલુ રાખો. પરંતુ મિથ્યા વિચારો કરીને બેસી ન રહો. જીવનની પળેપળ કીમતી છે. તે વહી રહી છે, તેનો સદુપયોગ કરી લેવાનો છે.
પ્રશ્ન : એકલા જપ કરવા જોઈએ કે જપ ને ધ્યાન બંને કરવા જોઈએ?
ઉત્તર : જપ જો એકાગ્રતાપૂર્વક થશે તો એની સાથે ધ્યાન આપોઆપ થયા કરશે. પરંતુ એવી એકાગ્રતા ન થતી હોય તો, જેના જપ કરવામાં આવે છે એનું ધ્યાન પણ કરવું જોઈએ. એથી શરૂઆતમાં મોટી મદદ મળશે, ને ચિત્તવૃત્તિ સહેલાઈથી સ્થિર થઈ જશે. જેનું ધ્યાન કરો તેના ગુણ કે સ્વભાવનું ચિંતન કરો તથા વચ્ચે વચ્ચે તેની પ્રાર્થના કરતા રહો તો એનાથી પણ ભાવને ગાઢ બનાવવામાં મદદ મળશે.