if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ભારતના સંતો, સદુપદેશકો, મહાત્માઓ પરદેશમાં શા માટે જાય છે ?
ઉત્તર : તમારા પ્રશ્ન દ્વારા તમે એમના પરદેશગમનનું પ્રયોજન પૂછવા માગતા હો તો તેના વિશે તો મારાથી કેવી રીતે કહી શકાય ? પરદેશમાં પ્રયાણ કરનારી કે કરવા માગનારી પ્રત્યેક વ્યક્તિનું પ્રયોજન પૃથક્ પૃથક્ હોઈ શકે છે. એના વિશે વધારે સારી રીતે તો તે જ જાણે છે.

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે પરદેશ પ્રવાસ કરનાર મોટે ભાગે ધર્મ, સંસ્કૃતિ કે યોગસાધનાના પ્રચાર કે પ્રસારને માટે પ્રવાસ કરે છે. પરદેશમાં શા માટે જાય છે એવા પ્રશ્ન દ્વારા તે પરદેશમાં જાય છે જ શા માટે એવું પૂછવા માગતા હો તો વિચારો કે દેશમાં રહેવું કે પરદેશમાં જવું કે વસવું એ એમના કે કોઈના હાથની વાત છે ? સંસારનું શાસન કરનારી પરમાત્માની પરમ સનાતની સર્વેશ્વરી શક્તિ સૌના કર્મના નિયમને અનુસરીને જે વખતે જે ઉચિત લાગે છે તે કર્યા કરે છે. તે પોતાની ઈચ્છા, લીલા, યોજના પ્રમાણે કોઈને દેશમાં રાખે છે તો કોઈને પરદેશમાં લઈ જાય છે. એની કાર્યપદ્ધતિ અતિશય ગહન છે. સામાન્ય અથવા અસામાન્ય માનવની બુદ્ધિ કે સમજશક્તિ એના રહસ્યને કેવી રીતે સમજી શકે ? સમજવાનો દાવો પણ કેવી રીતે કરી શકે ?

પ્રશ્ન : પરદેશમાં જનારા સૌ કોઈ ધર્મ, સંસ્કૃતિ કે યોગસાધનાના પ્રચાર માટે જતા હોય છે એ સાચું છે ?
ઉત્તર : એ સાચું છે એવું તો કેવી રીતે કહી શકાય ? એ સાચું છે કે ખોટું છે એ તો પરદેશમાં જનારા જ કહી શકે. પોતાના પરદેશ પ્રયાણના પ્રયોજનની માહિતી પોતાને જ વધારે સારા ને સાચા પ્રમાણમાં હોય.

પ્રશ્ન : પરદેશમાં જનારા કેટલાક ધર્મપ્રચારકો ધનસંગ્રહ કરવા માટે જાય છે એ વાત સાચી છે ?
ઉત્તર : એ વાતમાં કેટલુંક તથ્ય હોઈ શકે છે ને છે. પરંતુ કેટલાક પુરુષો ધર્મ, સંસ્કૃતિ કે યોગવિદ્યાના પ્રસારના પ્રયોજનથી પ્રેરાઈને જાય છે એ પણ એટલું જ સાચું છે. ધનસંગ્રહને કે સંપત્તિના નિર્માણને જ મહત્વ આપીને જનારા ધર્મપ્રચારકો પોતાના દેશની સાચી સેવા નથી કરી શકતા અને સારી છાપ પણ નથી પાડી શકતા.

પ્રશ્ન : તમને એવું નથી લાગતું કે દેશમાં કેટલુંય કામ પડ્યું છે ત્યારે ધર્મપ્રચારકોએ પરદેશમાં ના જવું જોઈએ ?
ઉત્તર : કેટલાક લોકોને એવું લાગે છે પણ મને નથી લાગતું.

પ્રશ્ન : કારણ ?
ઉત્તર : કારણ એ કે કામ જેમ દેશમાં છે તેમ પરદેશમાં પણ છે જ. જે વખતે જે કામને કરવાનો અવસર મળે તે વખતે તે કામને પ્રમાણિકતાપૂર્વક, પૂરતી ચોકસાઈ, રસવૃત્તિ તથા નિષ્ઠાપૂર્વક કરવાનો આગ્રહ રખાય અને પ્રયત્ન થાય એ જ બરાબર છે. ધર્મપ્રચારકો દેશમાં અથવા પરદેશમાં જ્યાં પણ અનુકૂળતા હોય ત્યાં પોતાની રીતે કાર્ય કરે એમાં કશું ખોટું નથી. કોને દેશમાં રાખવા ને કોને પરદેશમાં લઈ જવા એ ઈશ્વરના હાથની વાત છે. માનવે ઈશ્વરના હાથમાં હથિયાર બનીને કાર્ય કરવાનું ધ્યાન રાખવું જોઈએ.

પ્રશ્ન : આપણા ધર્મપ્રચારકોની છાપ પરદેશમાં કેવી છે ?
ઉત્તર : એમની સંયુક્ત અથવા સમગ્ર છાપ એટલી બધી સારી અથવા આદર્શ ના જ કહી શકાય.

પ્રશ્ન : એ છાપને સુધારવા શું કરવું જોઈએ ?
ઉત્તર : ધર્મપ્રચારકોએ અંગત સુખસમૃદ્ધિને અથવા વ્યક્તિગત લાભાલાભને મહત્વનાં માનવાને બદલે દેશની પ્રતિષ્ઠાને ને અન્યના હિતને પ્રાધાન્ય પ્રદાન કરવું જોઈએ. કેવળ ધનસંગ્રહને, મઠ અથવા આશ્રમ કે સ્થાનના નિર્માણને, શિષ્યોની સંખ્યાની વૃધ્ધિને, વ્યક્તિગત પ્રતિષ્ઠા અને મોજશોખને અગત્યતા આપવાને બદલે અપરિગ્રહ, ત્યાગ, ઈશ્વરપરાયણતા અને સેવાભાવને અગત્યતા આપવી જોઈએ. પોતાના વિષયમાં બને તેટલા આગળ વધવાનો ને સિદ્ધહસ્ત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે અન્યને શાંતિ આપવાની આકાંક્ષા રાખે છે એમણે સ્વયં શાંતિ મેળવવી જોઈએ.

પરદેશમાં ત્યાંના મૂળ પ્રજાજનોની વચ્ચે તો કાર્ય કરવાનું જ છે, પરંતુ સાથે સાથે અહીંથી ગયેલા તથા ત્યાં વસેલા લોકોને પણ મદદરૂપ બનવાનું છે. એમનામાંના અનેક ભારતીય સંસ્કૃતિ અને ધર્મના સાચાં રહસ્યોથી અનભિજ્ઞ હોય છે. એમને પ્રકાશ પહોંચાડવાનું કાર્ય ઓછું કીમતી અને કલ્યાણકારક નથી લેખવાનું. એના સમ્યક્ સફળ અનુષ્ઠાનને માટે સુયોગ્ય કાર્યકર્તાઓની અધિકાધિક પ્રમાણમાં આવશ્યકતા છે.


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.