પ્રશ્ન : સંસારની ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઈ ?
ઉત્તર : સંસારની ઉત્પત્તિ ક્યારે થઈ તે દર્શાવવા માટે કોઈ ચોક્કસ વરસ, મહિનો કે તારીખનો ઉલ્લેખ કરી શકાય તેમ નથી. કેવી રીતે થઈ તેના વિશે પણ જુદાં જુદાં વર્ણનો મળી આવે છે.
સ ઈચ્છાં ચક્રે, એકોઙહં બહુસ્યામ્
એણે સંકલ્પ કર્યો કે હું એક છું તો અનેક સ્વરૂપોમાં પરિણત બનું. લિલયા - આ બધી એની લીલા છે.
યથોર્ણ નાભિઃ સૃજતે ગૃહણતે ચ ।
જેવી રીતે કરોળીયો મોઢામાંથી લાળ કાઢે છે, જાળું બનાવે છે, અને આખરે એને ગળી જાય છે કે ઉદરમાં સમાવી લે છે, તેવી રીતે સઘળું સર્જન એની અંદરથી પ્રાદુર્ભાવ પામે છે, એના આધારે ટકે છે, અને એની અંદર વિલીન થાય છે. સૃષ્ટિના સર્જનનું પણ એવું જ સમજવાનું છે.
यथा सुदीप्तात् पावकाद् विस्फुलिङ्गः सहस्रशः प्रभवन्ते सरूपाः।
અર્થાત્ પ્રદીપ્ત અમોઘ અગ્નિમાંથી જેવી રીતે હજારો એક જ રૂપના અંગારા પેદા થાય છે તેવી રીતે પરમ સત્ય સ્વરૂપ પરમાત્મામાં સર્જનની ક્રિયા સહજ રીતે જ થતી હોય છે.
સૌથી પ્રથમ આકાશ થયું. પછી વાયુ, વાયુમાંથી જળ, જળમાંથી અગ્નિ અને અગ્નિમાંથી પૃથ્વી એવો સૃષ્ટિસર્જનનો સામાન્ય ક્રમ પણ ઉપનિષદોએ દર્શાવ્યો છે.
हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेकासीत ।
स दाधार पृथ्वीं ध्यामुतेमां कस्मै देवायहविषा विधेम ॥
ब्रह्मा देवानां प्रथमं सम्बभूव विश्वस्य कर्ता भुवनस्य गोप्ता ।
અર્થાત્ સૌથી પ્રથમ નિષ્કલંક, નિર્મળ, અવિદ્યામુક્ત પરમપ્રતાપી, પરમાત્મા હતા. તે સંસારના એકમાત્ર સ્વામી હતા. તેમણે પૃથ્વી, અંતરીક્ષ, સ્વર્ગનું સર્જન કર્યું. એમને છોડીને અમે બીજા કયા દેવનું સ્મરણ, મનન તથા આરાધન કરીએ ? બ્રહ્મા દેવોમાં સૌથી પ્રથમ થયા.
सदैव सौम्य इदं अग्र आसीत
હે સૌમ્ય, સૌથી પહેલા એટલે સર્જનની શરૂઆતમાં સત્ય સ્વરૂપ પરમાત્મા જ હતા. એમને કોઈએ પેદા કર્યા નહોતા પરંતુ એમણે સંસારનું સર્જન કર્યું.
એવા એવા વર્ણનો સૃષ્ટિના સર્જનની પ્રક્રિયા પર પ્રકાશ પાડે છે. તો પણ એ વર્ણનો કોઈ ચોક્કસ કાળમર્યાદાનો ઉલ્લેખ નથી કરતાં. સૃષ્ટિના સર્જનની પ્રવૃત્તિના સુનિશ્ચિત ક્રમને પણ નથી દર્શાવતાં.
પ્રશ્ન : તો પછી એ સંબંધે શું સમજવું ?
ઉત્તર : મને લાગે છે કે એ વિશેના આખા અભિગમને જ બદલવો જોઈએ.
પ્રશ્ન : એટલે ?
ઉત્તર : ઉત્પત્તિ ક્યારે ને કેવી રીતે થઈ એવા પ્રશ્નને મહત્વનો ન માનવો. એ જિજ્ઞાસાને શાંત કરી દેવી. કારણ કે એ પ્રશ્નની ચર્ચાથી કશો વિશેષ લાભ નથી. સંસારની ઉત્પત્તિ ગમે ત્યારે, ગમે તેવી રીતે થઈ હોય તો પણ એ એક હકીકત છે. એની વાસ્તવિકતાનો ઈન્કાર અથવા અનાદર થઈ શકે તેમ નથી. એ પ્રશ્નના પ્રત્યુત્તર વગર પણ સાધના કરીને આત્મવિકાસને માર્ગે આગળ વધી શકાય છે. સંસાર ગમે ત્યારે ને ગમે તે રીતે પ્રાદુર્ભાવ પામ્યો હોય તો પણ આપણે એમાં છીએ એ હકીકત છે. એ હકીકતનો સ્વીકાર કરીને એને અને એના પર બનતા જીવનને સુંદર, સર્વોપયોગી, ઉદાત્ત બનાવવાની કોશિશ કરવાની આવશ્યકતા છે. એના વિશે જેટલી પણ ચર્ચાવિચારણા કરીએ એટલી ઉપયોગી ઠરશે. જીવનના અને જગતના સુધારને માટેની ચર્ચાવિચારણા ખૂબ જ કલ્યાણકારક બનશે.