Text Size

Adhyay 2

Pada 1, Verse 01

१. स्मृत्यनवकाशदोषप्रसङ्ग इति चेन्नान्यस्मृत्यनवकाशदोषप्रसङ्गात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
સ્મૃત્યનવકાશદોષપ્રસંગઃ = પ્રધાનને જગતનું કારણ ના માનવાથી સાંખ્યસ્મૃતિને માન્યતા ના આપવાનો દોષ પેદા થશે.
ઇતિ ન = તો એવું માનવાનું બરાબર નથી.
અન્ય સ્મૃત્યનવકાશ દોષપ્રસંગાત્ = એને માન્યતા આપવાથી બીજી સ્મૃતિઓને માન્યતા ના આપવાનો દોષ પેદા થાય છે માટે.
 
ભાવાર્થ
જો કોઈ વિચારક તરફથી દલીલ કરવામાં આવે કે પ્રધાનને જગતનું કારણ ના માનવાથી, પ્રધાનને જ જગતનું કારણ માનનારી સાંખ્યસ્મૃતિની અવજ્ઞા થશે અને એને માન્યતા ના આપવાનો કે પ્રમાણ ના માનવાનો દોષ પેદા થશે, એટલા માટે જગતના કારણ તરીકે પરમાત્માને માનવાને બદલે પ્રધાનને માનવાનું જ બરાબર છે, તો એવી દલીલ યોગ્ય નથી.

સાંખ્યસ્મૃતિને અનુસરીને પ્રધાનને જ જગતનું કારણ માની લઈએ તો બીજી સ્મૃતિઓની અવજ્ઞા થશે અને એમને પ્રમાણભૂત ના માનવાનો દોષ પેદા થશે; કારણ કે સાંખ્યસ્મૃતિ જેમ પ્રધાનને જગતનું કારણ માને છે તેમ બીજી કેટલીક સ્મૃતિઓ પરમાત્માને જ જગતના એકમાત્ર કારણ કહી બતાવે છે. તો પછી એમનો અનાદર કરીને અથવા એમના અભિપ્રાયને અગત્ય ના આપીને, કેવળ સાંખ્યસ્મૃતિના જ સિદ્ધાંતને મહત્વ શા માટે આપવું જોઈએ ?

સ્મૃતિ કરતાં શ્રુતિનું મહત્વ લેશ પણ ઓછું નથી, એટલા માટે જે સ્મૃતિના ભાવો, વિચારો કે સિદ્ધાંતો શ્રુતિના ભાવો, વિચારો કે સિદ્ધાંતોથી વિરોધી હોય તે સ્મૃતિને પ્રમાણભૂત ના માની શકાય અને એની બધી વાતોને વેદવાક્ય જેવી પણ ના ગણી શકાય. શ્રુતિના અને સ્મૃતિના વિચારો વચ્ચે ક્યાંક વિરોધ હોય તો ત્યાં તેટલા પૂરતું શ્રુતિને જ વધારે ને પ્રથમ મહત્વ આપવું જોઈએ અને એના અભિપ્રાયને જ આદર્શ, અનુકરણીય, આદરણીય અને પ્રમાણભૂત માનવો જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ, વિષ્ણુપુરાણ જેવા સ્મૃતિગ્રંથોમાં પરમાત્માને જ જગતના કારણ કહ્યા છે. એ કથન શ્રુતિને અનુરૂપ હોવાથી બરાબર છેઃ

ગીતા કહે છે,
अहं   सर्वस्य  प्रभवो  मत्तः  सर्वं प्रवर्तते ।
इति मत्वा भजंते मां बुधा भावसमन्विताः ॥
'હું સૌના જન્મનું એક માત્ર કારણ છું, મારે લીધે જ સર્વનું અસ્તિત્વ છે, એવું માનીને ભક્તિભાવથી ભરપુર હૃદયવાળા જ્ઞાનીજનો મને જ ભજે છે .’

મનુસ્મૃતિ જણાવે છે,
सोङभिध्याय शरीरात् स्वात् सिसृक्षुर्विविधाः प्रजाः ।
अप  एव  ससर्जादौ  तासु  वीर्यमवासृजत् ॥
'વિવિધ પ્રકારની પ્રજાને પોતાના શરીરમાંથી પેદા કરવાનો સંકલ્પ કરીને એમણે સૌથી પહેલાં પ્રાણીની સૃષ્ટિ કરી; પછી એમાં પોતાની શક્તિ કે ચેતનાનું આરોપણ કર્યું .’

વિષ્ણુપુરાણ વર્ણવે છે,
विष्णोः  सकाशादुदूभूतं  जगत्तत्रैव च स्थितम् ।
स्थतिसंयमकर्तासौ   जगतोङस्य जगश्च सः ॥
'આ સમસ્ત જડચેતનાત્મક જગત ભગવાન વિષ્ણુમાંથી પ્રકટયું છે, અને એમનામાં જ સ્થિતિ કરે છે. એ જગતના પાલક તથા વિનાશક છે, આ જગત એમનું જ સ્વરૂપ છે અથવા એ જગતરૂપ છે ’

વિષ્ણુસહસ્ત્રનામ, દુર્ગાસપ્તશતી તથા શિવમહિમ્નસ્તોત્રમાંથી પણ એવા અનેક અંશો ઉદ્દઘૃત કરી શકાય તેમ છે. એ સૌનો મધ્યવર્તી વિચાર એ જ છે કે જગત પરમાત્માંથી થયું છે ને પરમાત્મામય છે.