७. आसीनः सम्भवात् ।
અર્થ
આસીનઃ = બેસીને જ (ઉપાસના કરવી જોઈએ.)
સમ્ભવાત્ = કારણ કે નિર્વિઘ્ન રીતે સારી પેઠે ઉપાસના કરવાનું બેસવાથી જ શક્ય બને છે.
ભાવાર્થ
ઉપાસના કરતી વખતે એક ઠેકાણે શાંતિ તથા સ્વસ્થતાપૂર્વક આસન પર બેસવું જોઈએ કે હરતાં ફરતાં પણ ઉપાસના કરી શકાય ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં અહીં જણાવવામાં આવે છે કે એક ઠેકાણે બનતી સ્વસ્થતા તથા શાંતિપૂર્વક બેસીને જ ઉપાસના કરવી જોઈએ. ઉપાસનામાં મનની એકાગ્રતા મુખ્ય અને મહત્વનો ભાગ ભજવે છે. એ ઉપરાંત ધ્યાન જેવી ઉપાસના કરતાં કરતાં દેહાધ્યાસ છૂટીને સમાધિદશાની પણ પ્રાપ્તિ થાય છે. એની શક્યતા એક સ્થળે એક આસન પર બેસવાથી જ અને લાંબા વખત સુધી અભ્યાસ કરવાથી જ છે એવું સહેલાઈથી સમજી શકાય છે. હરતાં ફરતાં કરવાથી એવી એકાગ્રતાની અથવા સમાધિની પ્રાપ્તિ ના થઈ શકે અને અનેક પ્રકારના વિક્ષેપો તથા દોષો પેદા થાય. એટલે આરંભના અભ્યાસીઓને માટે એક આસન પર શાંતિપૂર્વક બેસવાનું મહત્વ ઘણું વધારે છે.
---
८. ध्यानाच्च ।
અર્થ
ધ્યાનાત્ = ઉપાસનાનું સ્વરૂપ ધ્યાન છે એટલા માટે.
ચ = પણ.
ભાવાર્થ
પોતાના ઈષ્ટદેવની કે પરમાત્માની ઉપાસના કરતી વખતે અને ધ્યાનમાં મન લાગવું જોઈએ અને મનની એકાગ્રતા થવી જોઈએ. એવી એકાગ્રતા વખતે મનની વૃત્તિ તૈલધારાવત્ અસ્ખલિત રીતે સાધના પરાયણ બનીને વહેવી જોઈએ. એને માટે જે ઉપાસના કરવામાં આવે તે બેસીને જ કરવી જોઈએ. એવી ઉપાસના જ મદદરૂપ થઈ શકે.
---
९. अचलत्वं चापेक्ष्य ।
અર્થ
ચ = અને (શ્રુતિમાં)
અચલત્વમ = શરીરની અચલતાને.
અપેક્ષ્ય = આવશ્યક કહી બતાવીને ધ્યાન કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
ભાવાર્થ
ધ્યાન જેવી સાધનામાં અને ઉપાસનામાં મનની સ્થિરતા, એકાગ્રતા અને અચલતાની આવશ્યકતા છે તેમ શરીરની સ્થિરતા અથવા અચલતા પણ અગત્યની માનવામાં આવી છે. મનનો પ્રભાવ તન પર અને તનનો પ્રભાવ મન પર પડે જ છે. એટલે શ્રુતિએ શરીરની સ્થિરતાનો પણ સંદેશ આપ્યો છે. એના પરથી સહેજે સિદ્ધ થાય છે કે ધ્યાન અથવા ઉપાસના એક ઠેકાણે બેસીને જ સ્વસ્થતા તથા શાંતિપૂર્વક કરવી જોઈએ. શ્વેતાશ્વતર ઉપનિષદમાં જણાવ્યું છે કે ધ્યાનનો અભ્યાસ કરવાવાળા સાધકે મસ્તક, ગરદન તથા છાતીને સીધા રાખી, શરીરને સ્થિર કરી ઈન્દ્રિઓનો મન દ્વારા સંયમ સાધી, મનને હૃદયમાં રોકી રાખી, ઓમકાર રૂપી નૌકાની મદદથી પ્રકૃતિના બધા જ ભયંકર પ્રવાહોની પાર પહોંચી જવું.