१. वाङ् मनसि दर्शनाच्छब्दाश्च ।
અર્થ
વાક્ = વાણી.
મનસિ = મનમાં સ્થિત થાય છે.
દર્શનાત્ = પ્રત્યક્ષ રીતે જોવાથી.
ચ = અને.
શબ્દાત = વેદવાણીથી પણ એ વાતની સિદ્ધિ થાય છે.
ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે મનુષ્ય મૃત્યુ પછી એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે ત્યારે વાણી મનમાં, મન પ્રાણમાં, પ્રાણ તેજમાં તથા તેજ પસ્દેવતામાં સ્થિત થાય છે. ત્યાં વાણી મનમાં સ્થિત થાય છે એનો અર્થ વાક્ ઈન્દ્રિય મનમાં સ્થિત થાય છે એવો છે. મૃત્યુની પથારી પર પડેલા માનવની અંદર મન હોય છે તો પણ એની વાણીરૂપી ઈન્દ્રિય કાર્ય કરતી અટકી પડે છે એવો સૌનૌ પ્રત્યક્ષ અનુભવ છે. એ અનુભવ પરથી ઉપનિષદની પેલી વાતને સમર્થન મળે છે.
---
२. अत एव च सर्वाण्यनुं ।
અર્થ
અત એવ = એના પરથી.
ચ = એ પણ (સમજી લેવું જોઈએ કે.)
અનુ = એની સાથે સાથે.
સર્વાણિ = સઘળી ઈન્દ્રિયો (મનમાં સ્થિત થાય છે.)
ભાવાર્થ
ઉપર કહેવામાં આવ્યું કે વાણી મનમાં સ્થિત થાય છે, પરંતુ બીજી ઈન્દ્રિયોના સંબંધમાં તો કશું ના કહેવામાં આવ્યું. તો બીજી ઈન્દ્રિયોનું શું થાય છે તે જણાવતાં અહીં કહેવામાં આવે છે કે મૃત્યુ વખતે મનુષ્યની વાણી જ બંધ થઈ જાય છે એવું નથી પરંતુ બધી જ ઈન્દ્રિયો પોતપોતાની પ્રવૃત્તિનો પરિત્યાગ કરીને મનમાં સ્થિત થાય છે કે મળી જાય છે. પ્રશ્નોપનિષદમાં એની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે 'જેના શરીરની ગરમી શાંત થઈ ચૂકી છે એવો જીવાત્મા મનમાં સ્થિત થયેલી ઈન્દ્રિયોની સાથે પુનર્જન્મને પામે છે.’ तस्मादुषशान्ततेजाः पुनर्भवमिन्द्रियैर्मनसि संपद्यमानैः ।
---
३. तन्मनः प्राण उत्तरात् ।
અર્થ
ઉત્તરાત્ = એ પછીના કથનથી (સ્પષ્ટ છે કે)
તત્ = એ (ઈન્દ્રિયો સાથે.)
મનઃ = મન.
પ્રાણે = પ્રાણમાં (સ્થિત થઈ જાય છે.)
ભાવાર્થ
પહેલા સૂત્રમાં છાંદોગ્ય ઉપનિષદનો જે નિર્દેશ કરવામાં આવ્યો છે તેના 'મનઃ પ્રાણે’ શબ્દપ્રયોગ પરથી સ્પષ્ટતાપૂર્વક સમજાય છે કે એ મન ઈન્દ્રિયો સાથે પ્રાણમાં સ્થિત થઈ જાય છે. ઈન્દ્રિયો મનમાં સ્થિત થાય છે ને મન પ્રાણમાં.