४. सोङध्यक्षे तदुपगमाहिभ्यः ।
અર્થ
તદુપગમાદિભ્યઃ = એ જીવાત્માના ગમન આદિના વર્ણન પરથી પુરવાર થાય છે કે.
સઃ = એ પ્રાણ મન તથા ઈન્દ્રિયો સાથે.
અધ્યક્ષે = પોતાના અધ્યક્ષ જીવાત્મામાં (સ્થિત થાય છે.)
ભાવાર્થ
મન ઈન્દ્રિયો સાથે પ્રાણમાં સ્થિત થાય છે પછી પ્રાણ પોતાના અધ્યક્ષ અથવા સ્વામી જીવાત્મામાં સ્થિત થઈ જાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યું છે કે 'મૃત્યુ વખતે આ આત્મા આંખ, બ્રહ્મરંધ્ર અથવા શરીરના બીજા કોઈ માર્ગ દ્વારા કે શરીરની બહાર નીકળે છે. એ નીકળે છે એટલે એની સાથે પ્રાણ પણ નીકળે છે અને પ્રાણના નીકળવાની સાથે સઘળી ઈન્દ્રિયો નીકળે છે.’ છાંદોગ્ય ઉપનિષદમાં 'પ્રાણસ્તેજસિ’ કહીને પ્રાણની સ્થિતિ તેજમાં થાય છે એવું જણાવ્યું છે પરંતુ જીવાત્મા સિવાય પ્રાણ કે મન ક્યાંય જઈ શકે નહિ, એટલે જીવાત્માની સાથે પ્રાણ તથા મન જાય છે એવું જ માનવું જોઈએ.
---
५. भूतेषु तच्छूतेः ।
અર્થ
તચ્છ્રુતેઃ = એ સંબંધી શ્રુતિ પ્રમાણથી સિદ્ધ થાય છે કે.
ભૂતેષુ = (પ્રાણ તથા મન સાથે જીવાત્મા) પંચ સૂક્ષ્મ ભૂતોમાં સ્થિત થાય છે.
ભાવાર્થ
પહેલાં કહેવામાં આવ્યું છે કે જીવાત્મા, મન અને ઈન્દ્રિયો સૂક્ષ્મભૂત સમુદાયમાં સ્થિત થાય છે. કારણ કે સઘળાં સૂક્ષ્મભૂત તેજની સાથે મળેલાં છે. તેજ શબ્દ દ્વારા સૂક્ષ્મભૂત સમુદાયનું સૂચન કરવામાં આવ્યું છે.
---
६. नैकस्मिन्दर्शयतो हि ।
અર્થ
એકસ્મિન્ = એક તેજતત્વમાં સ્થિત થવાનું.
ન = ના માની શકાય.
હિ = કારણ કે.
દર્શયતઃ = શ્રુતિ તથા સ્મૃતિ બંને જીવાત્માનું પાંચે ભૂતોથી યુક્ત હોવાનું બતાવે છે.
ભાવાર્થ
ઉપર કહેલા ઉપનિષદ વચનમાં તો પ્રાણ તેજમાં સ્થિત થાય છે એવું કહેલું છે, એટલે પ્રાણ કેવળ તેજમાં જ સ્થિત થાય છે એવું માની લઈએ તો કશી હાનિ છે ખરી ? એવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેવામાં આવે છે કે પ્રાણ એકમાત્ર તેજતત્વમાં સ્થિત થાય છે એવું ના કહી શકાય. પ્રાણ, મન તથા ઈન્દ્રિયોની સાથે જીવાત્મા કેવળ તેજ તત્વમાં સ્થિત નથી થતો પરંતુ પાંચે મહાભૂતો સૂક્ષ્મ સ્વરૂપમાં સ્થિતિ કરે છે. એ જ એનું સૂક્ષ્મ શરીર છે. ઉપનિષદમાં જલ અથવા તેજના શબ્દપ્રયોગ દ્વારા પાંચે તત્વોનો નામનિર્દેશ કરવામાં આવ્યો છે. એનું પ્રતિપાદન ત્રીજા અધ્યાયના પ્રથમ પાદમાં કરવામાં આવેલું છે.