१९. निशि नेति चेन्न सम्बन्धस्य यावद्देहभावित्वाद्दर्शयति च ।
અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
નિશિ = રાતમાં.
ન = સૂર્યકિરણો સાથે એનો સંબંધ નાડી દ્વારા નથી હોતો.
ઈતિ ન = તો એવું કથન બરાબર નથી.
(હિ = કારણ કે)
સમ્બન્ધસ્ય = નાડી તથા સૂર્યકિરણોના સંબંધની.
યાવદ્ દેહભાવિત્વાત્ = જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી સત્તા કાયમ રહે છે. એટલા માટે.
દર્શયતિ ચ = શ્રુતિ એવું જણાવે છે પણ ખરી.
ભાવાર્થ
પરંતુ એવા બ્રહ્મજ્ઞાની મહાપુરૂષનું શરીર રાતે પડે તો તે વખતે તો સૂર્યનાં કિરણો હોય જ નહિ, તો પછી તે બ્રહ્મલોકમાં કેવી રીતે જઈ શકે, એવી શંકા કરવાનું બરાબર નથી. કારણ કે સુષુમ્ણા નાડીનો અને સૂર્યનાં કિરણોનો સંબંઘ કદી પણ નથી તૂટતો. એ સંબંધ તો દિવસ હોય કે રાત હોય તો પણ ચાલુ જ રહે છે. એટલે બ્રહ્મજ્ઞાની મહાપુરૂષનું શરીર રાતે પડે તો પણ એ મહાપુરૂષ બ્રહ્મલોકમાં જઈ શકે છે. આમ પણ સૂર્ય સદાને માટે અસ્ત થતો નથી એટલે એનાં કિરણો પૃથ્વીમાં કાર્ય કરતાં જ હોય છે.
---
२०. अतश्चायनेङपि दक्षिणे ।
અર્થ
અતઃ = એટલા માટે.
ચ = જ.
દક્ષિણે = દક્ષિણ.
અયને = અયનમાં.
અપિ = (મરનારનું) પણ. (બ્રહ્મલોકમાં ગમન થાય છે.)
ભાવાર્થ
જેવી રીતે રાતના વખતે સૂર્યનાં કિરણોની સાથે સંબંધ ચાલુ રહે છે તેવી રીતે દક્ષિણાયનનું પણ સમજી લેવાનું છે. દક્ષિણાયનના સમય દરમિયાન પણ સૂર્યકિરણોની સાથેનો સંબંધ ચાલુ જ રહેતો હોવાથી એ વખતે શરીરનો પરિત્યાગ કરનારો મહાપુરૂષ સૂર્ય દ્વાર દ્વારા આગળ વધીને પોતાની પૂર્વ અભિલાષાને અનુસરીને બ્રહ્મલોકમાં પહોંચી જાય છે. ઉત્તરાયણમાં અને દક્ષિણાયનમાં એ દૃષ્ટિએ કોઈ વિશેષ ભેદ ના હોવાથી એવો મહાપુરૂષ દક્ષિણાયનમાં દેહત્યાગ કરે તો પણ કશી હરકત નથી. તેથી તેના બ્રહ્મલોક પ્રવેશમાં કશો વિક્ષેપ નથી પેદા થતો.
---
२१. योगिनः प्रति च स्मर्यते स्मार्ते चैते ।
અર્થ
ચ = એ ઉપરાંત.
યોગિનઃ = યોગીને.
પ્રતિ = માટે (આ કાળ વિશેષનો નિયમ.)
સ્મર્યતે = સ્મૃતિમાં કહેલો છે.
ચ = અને.
એતે = (ત્યાં કહેલા) એ અપુનરાવૃત્તિ અને પુનરાવૃત્તિરૂપી બંને ક્રમ.
સ્માર્તે = સ્માર્ત છે.
ભાવાર્થ
ગીતામાં આઠમાં અધ્યાયમાં પુનરાવૃત્તિ તથા અપુનરાવૃત્તિના જે બે ગતિ વિષયક વિશિષ્ટ ક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ ક્રમ સ્માર્ત અથવા શ્રુતિમાં વર્ણવેલા ક્રમથી ભિન્ન છે. એ ઉપરાંત, એ ગીતાના એ વિષયમાં અને બ્રહ્મલોક ગમનના વિષયમાં મહત્વનો મૌલિક તફાવત એ છે કે ગીતા ત્યાં અમુક કાળ વિશેષનું વર્ણન કરે છે અને અહીં બ્રહ્મલોકના પ્રવેશના રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્મલોકમાં પ્રવેશનાર મહાપુરૂષ દિવસે, રાતે, શુકલ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં, અને ઉત્તરાયણમાં કે દક્ષિણાયનમાં, ગમે ત્યારે શરીર છોડે તો પણ બ્રહ્મલોકમાં પ્રવેશી શકે છે. ગીતામાં કહેલો કાળવિશેષનો નિયમ એ પ્રવેશમાં બાધક નથી બની શકતો.
અધ્યાય ૪ - પાદ ૨ સંપૂર્ણ