१. अर्चिरादिना तत्प्रथितेः ।
અર્થ
અર્ચિરાદિના = અર્ચિથી આરંભ પામનારા એક જ માર્ગથી (બ્રહ્મલોકમાં જાય છે.)
તત્પથિતેઃ = કારણ કે બ્રહ્મજ્ઞાનીને માટે એ એક જ માર્ગ (જુદાં જુદાં નામથી) પ્રસિદ્ધ છે.
ભાવાર્થ
બ્રહ્મલોકમાં જવા માટેના માર્ગો જુદા જુદા નથી. ઉપનિષદમાં એમનો નામનિર્દેશ જુદી જુદી રીતે કરવામાં આવેલો હોવા છતાં ખરેખર તો એ માર્ગ એક જ છે. એ માર્ગનું પ્રખ્યાત નામ અર્ચિઃ આદિ છે, કારણ કે એ માર્ગનો આરંભ અર્ચિથી થાય છે. દેવયાન તથા ઉત્તરાયણ માર્ગના નામથી એનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ માર્ગમાં આવનારા લોકોનું વર્ણન ક્યાંક વધારે પ્રમાણમાં છે તો ક્યાંક ઓછા પ્રમાણમાં. જે લોકોનું વર્ણન એક ઠેકાણે ના કરવામાં આવ્યું હોય તે લોકોનો સમાવેશ બીજા વર્ણનના આધાર પર કરી લેવો જોઈએ. બીજે ઠેકાણે કરાયલું વર્ણન એક ઠેકાણે અધ્યાહાર સમજવું જોઈએ.
---
२. वायुमव्दादविशेषविशेषाभ्याम् ।
અર્થ
વાયુમ્ = વાયુ લોકને.
અબ્દાત્ = સંવત્સર પછી (અને સૂર્ય પહેલાં સમજવો જોઈએ)
અવિશેષાભ્યામ્ = કારણ કે વાયુલોકનું વર્ણન ક્યાંક સમાનભાવથી છે તો ક્યાંક વિશેષ ભાવથી.
ભાવાર્થ
લોક લોકાન્તરો વિશે ઉપનિષદમાં જુદી જુદી જાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે બ્રહ્મવિદ્યાના રહસ્યને જાણે છે અને અરણ્યમાં રહીને સત્યની શ્રદ્ધાભક્તિપૂર્વક ઉપાસના કરે છે તે અર્ચિ એટલે જ્યોતિ, અગ્નિ અથવા સૂર્યકિરણને પ્રાપ્ત થાય છે. અર્ચિથી દિવસને, દિવસથી શુકલ પક્ષને, શુકલ પક્ષથી ઉત્તરાયણના છ મહિનાને, છ સંવત્સરને, સંવત્સરથી સૂર્યને, સૂર્યથી ચંદ્રને, અને ચંદ્રથી વિદ્યુતને પ્રાપ્ત થાય છે. ત્યાંથી અમાનવ પુરૂષ એને પરમાત્માની પાસે પહોંચાડી દે છે. એ દેવયાન માર્ગ છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યું છે કે મનુષ્ય આ લોકમાંથી બ્રહ્મલોકમાં જાય છે ત્યારે વાયુને પ્રાપ્ત થાય છે. પછી સૂર્યને પ્રાપ્ત થાય છે. ત્યાં ચંદ્રને પ્રાપ્ત થાય છે, અને છેવટે શોક રહિત બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં અનંત કાળપર્યંત વાસ કરે છે.
કૌશિતકિ ઉપનિષદમાં કહ્યું છે કે એ મનુષ્ય દેવયાન માર્ગ દ્વારા અગ્નિલોકમાં પ્રવેશે છે. પછી વાયુલોકમાં, સૂર્યલોકમાં, વરૂણલોકમાં, ઈન્દ્રલોકમાં, પ્રજાપતિલોકમાં અને છેવટે બ્રહ્મલોકમાં પહોંચે છે.
એવી રીતે વાયુલોકનું વર્ણન બે ઠેકાણે આવે છે. વાયુલોકમાંથી સૂર્યલોકમાં જવાય છે એવું સ્પષ્ટ કહ્યું છે. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં વાયુલોકનો ઉલ્લેખ ના કરવામાં આવ્યો હોવા છતાં, વાયુલોકને સંવત્સર પછી અને સૂર્યલોકની પહેલાં માનવો જોઈએ.
---
३. तडितोङधि वरूणः सम्बन्धात् ।
અર્થ
તડિત = વિદ્યુતથી.
અધિ = ઉપર.
વરૂણ = વરૂણલોક છે.
સમ્બન્ધાત્ = કારણ કે એ બંનેનો પરસ્પર સંબંધ છે.
ભાવાર્થ
વરૂણ પાણીનો અધિપતિ છે, અને વિદ્યુતનો પાણીની સાથે ખૂબ જ નજદીકનો સંબંધ છે, એટલે વિદ્યુતથી આગળ વરૂણલોક સ્થિત છે એવું સમજવું જોઈએ. એનાથી આગળ ઈન્દ્રલોક અને પ્રજાપતિલોક છે એવું માનવું જોઈએ. એવી રીતે માનવાથી ઉપનિષદના વર્ણનની એકવાક્યતા જળવાઈ રહેશે.