४. आतिवाहिकास्तल्लिङ्गात् ।
અર્થ
આતિવાહિકા = એ બધા એક સ્થળમાંથી બીજા સ્થળમાં પહોંચાડનારા તે તે સ્થળો કે લોકોના અભિમાની પુરૂષ વિશેષ છે.
તલ્લિંગાત્ = કારણ કે શ્રુતિમાં એવું જ લક્ષણ જોવા મળે છે.
ભાવાર્થ
અર્ચિ, અહઃ, પક્ષ, અયન, સંવત્સર, વાયુ અને વિદ્યુત જડ કે ચેતન છે, એવી જિજ્ઞાસાનો જવાબ આ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. સૂત્રકાર જણાવે છે કે અર્ચિ, પક્ષ, વાયુ તથા વિદ્યુત વિગેરે દ્વારા તે તે લોકો કે નામોના અભિમાની દેવતાનો અથવા માનવાકૃતિ દિવ્ય પુરૂષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમને આતિવાહિક નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે એ બ્રહ્મલોકમાં જનારા મહાપુરૂષને એક સ્થાનથી બીજા સ્થાન સુધી પહોંચવામાં મદદ કરે છે. વિદ્યુતલોકમાં પહોંચનારા મહાપુરૂષને અમાનવ પુરૂષ બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે.
---
५. उभयव्यामोहात्तत्सिद्धेः ।
અર્થ
ઉભયવ્યામોહાત્ = બંનેનો મોહયુક્ત થવાનો પ્રસંગ આવે છે એટલા માટે.
તત્સિદ્ધેઃ = એમને અભિમાની દેવતા માનવાથી જ એમની દ્વારા બ્રહ્મલોક સુધી લઈ જવાનું કાર્ય સિદ્ધ થઈ શકે છે.
ભાવાર્થ
અર્ચિ આદિને એમના અભિમાની દેવતા માનવાને બદલે જો જ્યોતિ અથવા લોકવિશેષરૂપ જડ વસ્તુ માની લઈએ તો તેથી કોઈ ઉપયોગી હેતુ નહિ સરે. કારણ કે જે પોતે જ જડ છે તે બીજાને કેવી રીતે માર્ગ દર્શાવી શકશે ? જીવાત્મા પોતે તો અજ્ઞ હોવાથી એ માર્ગથી અને બ્રહ્મલોકથી જરા પણ પરિચિત નથી. એ અવસ્થામાં એને દોરવણી આપનારી કોઈક ચેતનશક્તિ કે વ્યક્તિ વિના જીવાત્માને દોરવણી આપીને બ્રહ્મલોકમાં કોણ લઈ જશે ? એટલે તે તે લોકોના અભિમાની દેવતા માનવાથી જ જીવાત્માને એમની દ્વારા આગળ વધીને બ્રહ્મલોકમાં પ્રવેશવાની શક્યતા રહે છે. એટલે જુદા જુદા લોકો દ્વારા તે તે લોકોના અભિમાની દેવતા જ માનવાનું બરાબર છે.
---
६. वैद्युतेनैव ततस्तच्छ्रुतेः ।
અર્થ
તતઃ = ત્યાંથી આગળ બ્રહ્મલોક સુધી.
વૈદ્યતેન = વિદ્યુતલોકમાં પ્રકટ થયેલા અમાનવ પુરૂષ દ્વારા.
એવ = જ. (પહોંચાડવામાં આવે છે.)
તચ્છ્રુતેઃ = કારણ કે શ્રુતિએ પણ એવું જ જણાવ્યું છે.
ભાવાર્થ
વિદ્યુતલોકમાં પ્રકટેલા અમાનવ પુરૂષ દ્વારા એ મહાપુરૂષને બ્રહ્મલોકમાં પહોંચાડવામાં આવે છે એવું શ્રુતિએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. તો પછી વિદ્યુતલોક પછી આવનારા વરૂણ, ઈન્દ્ર અને પ્રજાપતિના લોકોના અભિમાની દેવતાઓનું કર્તવ્ય શું રહેશે ? એવો પ્રશ્ન પેદા થાય તો એનો પ્રત્યુત્તર એ જ છે કે એ લોકોના અભિમાની દેવતાઓ એ બધા લોકોમાંથી પસાર થવાનો કે આગળ વધવાનો માર્ગ આપે છે અને બીજી બધી રીતે ઉપયોગી થાય છે. બ્રહ્મલોકમાં લઈ જવાનું કામ તો વિદ્યુતલોકના અભિમાની દેવતાનું જ છે.