७. कार्य बादरिरस्य गत्युपपत्तेः ।
અર્થ
બાદરિઃ = બાદરિ નામના આચાર્યનો અભિપ્રાય છે કે
કાર્યમ્ = કાર્યબ્રહ્મને અથવા હિરણ્યગર્ભને (પામે છે.)
ગત્યુપપત્તેઃ = કારણ કે ગમન કરવાના કથનની ઉપપત્તિ.
અસ્ય = આ કાર્યબ્રહ્મને માટે જ (થઈ શકે છે.)
ભાવાર્થ
બ્રહ્મલોકમાં એ મહાપુરૂષ કોને પ્રાપ્ત થાય છે, પરબ્રહ્મને કે પછી એમની દ્વારા સૌથી પ્રથમ પ્રકટનારા બ્રહ્માને ? બાદરિ આચાર્ય માને છે કે પરમાત્મા તો સર્વત્ર સુલભ હોવાથી એમને મેળવવા માટે બ્રહ્મલોકમાં જવાની આવશ્યકતા નથી રહેતી. પરંતુ બ્રહ્મલોકમાં ગમન કરવાનું કહ્યું હોવાથી એ સ્પષ્ટ થાય છે કે ત્યાં પરબ્રહ્મની નહિ પરંતુ કાર્યબ્રહ્મની પ્રાપ્તિ થાય છે.
---
८. विशेषितत्वाच्च ।
અર્થ
ચ = અને.
વિશેષિતત્વાત્ = વિશેષણ દ્વારા સ્પષ્ટ કહ્યું હોવાથી પણ.
ભાવાર્થ
એ જ અભિપ્રાયના અનુસંધાનમાં આગળ કહેવામાં આવે છે કે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે 'અમાનવ પુરૂષ એને બ્રહ્મલોકમાં લઈ જાય છે.’ એ વચનમાં બ્રહ્મલોકને માટે બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને બ્રહ્મની પ્રાપ્તિને બદલે બ્રહ્મલોકોમાં જવાની વાત કહેલી છે. ભોગ્ય ભૂમિ એક પ્રકારની નથી પરંતુ અનેક પ્રકારની છે એટલે લોકો જેવા બહુવચનનો પ્રયોગ કરેલો છે. કાર્યબ્રહ્મ લોકોના સ્વામી હોવાથી એ મહાપુરૂષ કાર્યબ્રહ્મને પ્રાપ્ત થાય છે એવું માનવાનું બરાબર છે.
---
९. सामीप्यात्तु तद् व्यपदेशः ।
અર્થ
તદ્દવ્યપદેશઃ = એ કથન.
તુ = તો.
સામીપ્યાત્ = બ્રહ્મની સમીપતાને લીધે બ્રહ્માને માટે પણ હોઈ શકે છે.
ભાવાર્થ
ઉપનિષદમાં જણાવ્યું છે કે મહાપુરૂષને અમાનવ પુરૂષ બ્રહ્મની પાસે પહોંચાડે છે. એનો અર્થ જો કાર્યબ્રહ્મની પાસે પહોંચાડે છે એવો કરવામાં આવે તો તે બરાબર નહિ કહેવાય, કારણ કે જો એ મહાપુરૂષને કાર્યબ્રહ્મની પ્રાપ્તિ થાય છે એવું જણાવવું હોત તો એને બ્રહ્માની પ્રાપ્તિ થાય છે એવું સ્પષ્ટ શબ્દોમાં કહી દેત. પરંતુ એવું નથી કહ્યું. એવું વિચારધારાના અનુસંધાનમાં આ સૂત્રમાં જણાવે છે કે બ્રહ્મા પરબ્રહ્મ પરમાત્મા સૌથી પ્રથમ કાર્યરૂપ હોવાથી બ્રહ્મનો ઉલ્લેખ બ્રહ્મના નામથી કરેલો છે.