१०. कार्यात्यये तदध्यक्षेण सहातः परमभिधानात् ।
અર્થ
કાર્યાત્યયે = કાર્યરૂપ બ્રહ્મલોકનો નાશ થતાં
તદ્દધ્યક્ષેણ = એના અધીશ્વર બ્રહ્માની.
સહ = સાથે.
અતઃ = એથી.
પરમ્ = શ્રેષ્ઠ પરમાત્માને,
અભિધાનાત્ = પ્રાપ્ત થવાનું કથન છે તેથી.
ભાવાર્થ
બ્રહ્માના લોક સુધીના સઘળા લોકો પુનરાવૃત્તિ કરાવનારા છે એવું ગીતામાં જણાવ્યું છે. બ્રહ્માનો કાર્યકાળ પૂરો થઈ જતાં તે પણ બદલાય છે અને બ્રહ્મલોકમાં રહેનારા પણ પાછા ફરે છે. ઉપનિષદે તો દેવયાન માર્ગથી જનારાની પુનરાવૃત્તિ નથી થતી એવું કહેલું છે. એટલે બ્રહ્મલોકમાં કાર્યબ્રહ્મની પ્રાપ્તિ નથી થતી પરંતુ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે એવું માનવું-મનાવવું જ બરાબર છે. એવી વિચારસરણીના વિરોધમાં આચાર્ય બાદરિ જણાવે છે કે મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે જેમણે ઉપનિષદોના જ્ઞાન-વિજ્ઞાન દ્વારા પરમાત્માનો સારી રીતે નિશ્ચય કરી લીધો છે અને ત્યાગ તથા સાધના દ્વારા શુદ્ધ અંતઃકરણની પ્રાપ્તિ કરી છે, તે બ્રહ્મલોકોમાં જઈને અંતઃકાળે પરમ અમૃતમય બનીને સર્વ પ્રકારે મુક્ત થાય છે. એ કથન પરથી પુરવાર થાય છે કે પ્રલયકાળમાં બ્રહ્મલોકનો નાશ થતાં એના અધીશ્વર બ્રહ્માની સાથે ત્યાંના નિવાસી મહાપુરૂષો પણ પરમાત્માને પામીને મુક્ત બની જાય છે. એટલે એમની પુનરાવૃત્તિ નથી થતી.
---
११. स्मृतेश्च ।
અર્થ
સ્મૃતિ પ્રમાણથી.
ચ= પણ. (એ વાત સિદ્ધ થાય છે.)
ભાવાર્થ
સ્મૃતિના પ્રમાણથી પણ એ વાતને સમર્થન મળે છે. એટલે બ્રહ્મલોકમાં બ્રહ્માની કે કાર્યબ્રહ્મની જ પ્રાપ્તિ થાય છે એવું માનવાનું બરાબર છે. કર્મ પુરાણમાં જણાવ્યું છે. કે એ સઘળા શુદ્ધ અંતઃકરણવાળાં પુરૂષો પ્રલયકાળ આવતાં અંતે બ્રહ્માની સાથે એ પરમપદમાં પ્રવેશ કરે છે.
---
१२. परं जैमिनिर्मुख्यत्वात् ।
અર્થ
જૈમિનિઃ = આચાર્ય જૈમિનિનું કહેવું છે કે.
મુખ્યત્વાત = બ્રહ્મ શબ્દનો મુખ્ય વાચ્યાર્થ હોવાને લીધે.
પરમ = પરબ્રહ્મને પામે છે.
ભાવાર્થ
એ વિષય પરત્વે આચાર્ય જૈમિનિનો અભિપ્રાય કેવો છે ? એ અભિપ્રાય ખાસ લક્ષમાં લેવા જેવો છે. એમના અભિપ્રાયાનુસાર એ અમાનવ પુરૂષ એને પરમાત્માની પાસે પહોંચાડી દે છે, એ વચનમાં વપરાયલો બ્રહ્મ અથવા પરમાત્મા શબ્દ પરમાત્માનો જ વાચક છે, એટલા માટે અર્ચિ આદિ માર્ગથી આગળ વધીને બ્રહ્મલોકમાં જનારા મહાપુરૂષને પરમાત્માની જ પ્રાપ્તિ થાય છે. કાર્યબ્રહ્મની પ્રાપ્તિ નથી થતી.
---
१३. दर्शनाच ।
અર્થ
દર્શનાત્ = શ્રુતિમાં સ્થળે સ્થળે ગતિપૂર્વક પરબ્રહ્મ પ્રાપ્તિ બતાવી છે એટલા માટે.
ચ = પણ.
ભાવાર્થ
બ્રહ્મલોકમાં કાર્યબ્રહ્મની પ્રાપ્તિ નથી થતી પરંતુ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે એવું દર્શાવવા માટે આચાર્ય જૈમિનિ જણાવે છે કે ઉપનિષદમાં ઠેકઠેકાણે ગતિપૂર્વક પરમાત્માની પ્રાપ્તિનું જ વર્ણન કરવામાં આવ્યું હોવાથી પણ બ્રહ્મવિદ્યા સંપન્ન મહાપુરૂષને બ્રહ્માની નહિ પરંતુ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એવું સાબિત થાય છે.
કઠ ઉપનિષદ કહે છે કે એ મહાપુરૂષ સંસારમાર્ગની પાર પહોંચીને વિષ્ણુના પરમપદની પ્રાપ્તિ કરે છે. છાંદોગ્ય ઉપનિષદ જણાવે છે કે સુષુમ્ણા નાડી દ્વારા બહાર નીકળીને એ મહાપુરૂષ અમૃતત્વને પામે છે.